India

Explainer: વંદે ભારતના યુગમાં પણ અડીખમ: ભારતની આ અનોખી ટ્રેનમાં છેલ્લા 150 વર્ષથી માત્ર 'મીઠું' સફર કરે છે

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
આધુનિક ભારતમાં આજે પણ એક 150 વર્ષ જૂની અનોખી ટ્રેન રાજસ્થાનના સાંભર સરોવર ખાતે ચાલે છે. બ્રિટિશ કાળથી શરૂ થયેલી આ ટ્રેન માત્ર મીઠાનું વહન કરે છે. 1876માં અંગ્રેજોએ મીઠાના પરિવહન માટે મીટર-ગેજ અને નેરો-ગેજ ટ્રેક બનાવ્યા હતા. આ 'સોલ્ટ ટ્રેન' આમિર ખાનની ફિલ્મ ‘પીકે’ માં પણ જોવા મળી હતી. આજે પણ આ ટ્રેન 50-60 વર્ષ જૂના ડીઝલ એન્જિનથી ચાલે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: વંદે ભારતના યુગમાં પણ અડીખમ: ભારતની આ અનોખી ટ્રેનમાં છેલ્લા 150 વર્ષથી માત્ર 'મીઠું' સફર કરે છે
All Image Source - irfca.org

150 Years Old India Salt Train: આજે ભારતીય રેલવે બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોના યુગમાં પ્રવેશી ચૂકી છે. સ્ટીમ એન્જિનથી શરૂ થયેલી સફર આજે સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો સુધી પહોંચી ગઈ છે, જેણે આપણી મુસાફરીને સુપરફાસ્ટ અને આરામદાયક બનાવી દીધી છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ આધુનિક ભારતમાં એક એવી અનોખી ટ્રેન પણ છે જે છેલ્લા 150 વર્ષથી દોડી રહી છે?
નવાઈની વાત એ છે કે આ ટ્રેનમાં કોઈ સામાન્ય મુસાફરો મુસાફરી નથી કરતા, પણ ‘મીઠું’ એટલે કે ‘નમક’ મુસાફરી કરે છે! બ્રિટિશ કાળથી લઈને આજ સુધી માત્ર મીઠાનું વહન કરતી આ 'સોલ્ટ ટ્રેન' ભારતીય રેલવેનો એક અદ્ભુત ઐતિહાસિક વારસો છે, જે મોટા પડદા પર આમિર ખાનની ફિલ્મ ‘પીકે’માં પણ પોતાની ઝલક બતાવી ચૂકી છે.

IRCTC Salt Train-4.jpg

અંગ્રેજોએ કેમ શરૂ કરી હતી આ ટ્રેન?
રાજસ્થાનના જયપુરથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું 'સાંભર સરોવર' ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. સદીઓથી અહીં મોટા પાયે મીઠાનું ઉત્પાદન થાય છે. વર્ષ 1835માં બ્રિટિશ સરકારે સાંભર સરોવરમાં મીઠાના ઉત્પાદન પર નિયંત્રણ મેળવી લીધું હતું. પરંતુ તેમની સામે એકમોટો પડકાર એ હતો કે સરોવરની આસપાસની કાળી માટી પાણીથી ભરાયેલી રહેતી હોવાના કારણે ખૂબ જ નરમ હતી. આ જ કારણે ત્યાં પાકા રસ્તા બનાવવાનું અશક્ય હતું અને મીઠાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બ્રિટિશરોએ વર્ષ 1876માં અહીં મીટર-ગેજ અને નેરો-ગેજ રેલવે ટ્રેક નાખ્યા અને એ રીતે 'સોલ્ટ ટ્રેન'ની શરૂઆત કરાઈ હતી.

IRCTC Salt Train-2.jpg

સ્ટીમ એન્જિનથી ડીઝલ સુધીની સફર
શરૂઆતના દિવસોમાં આ ટ્રેન સ્ટીમ (વરાળ) એન્જિનથી ચાલતી હતી. સમય બદલાયો તેમ સ્ટીમ એન્જિનની જગ્યા ડીઝલ એન્જિને લીધી. રસપ્રદ વાત એ છે કે આજે પણ આ ટ્રેનને ખેંચવા માટે જે બે ડીઝલ એન્જિન વપરાય છે તે લગભગ 50 થી 60 વર્ષ જૂના છે!
વિન્ટેજ લુક: મીઠું ભરવા માટેના વેગન (ડબ્બા) પણ લાકડા અને લોખંડના બનેલા છે.
ઐતિહાસિક એન્જિન: બ્રિટિશ કાળના સ્ટીમ એન્જિનના નામ 'ઝાંસી કી રાની' અને 'જોધપુર' હતા, જે આજે સાંભરની ઓફિસ બહાર હેરિટેજ તરીકે પ્રદર્શનમાં મૂકાયેલા છે.
રૂટ અને કામગીરી: ‘સોલ્ટ ટ્રેન’ કોઈ સામાન્ય રેલવે નેટવર્ક સાથે જોડાયેલી નથી. તેનું કામ માત્ર સરોવરના મીઠાના પટમાંથી મીઠું ઉપાડીને સ્ટોરેજ બેંકો (સંગ્રહ સ્થાન) સુધી પહોંચાડવાનું છે. સુરક્ષાના કારણોસર સામાન્ય લોકોને તેમાં મુસાફરી કરવાની મનાઈ છે.

IRCTC Salt Train-0.jpg

બોલિવૂડ કનેક્શન: ‘પીકે’ અને ‘ગુલાલ’ માં આકર્ષણ
સાંભર સરોવર માત્ર તેના મીઠા માટે જ નહીં, પણ બોલિવૂડના ફેવરિટ શૂટિંગ લોકેશન તરીકે પણ જાણીતું છે. આ ઐતિહાસિક સોલ્ટ ટ્રેન અને તેના પાટા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘પીકે’ માં જોવા મળ્યા છે. ફિલ્મની શરૂઆતમાં જ્યારે આમિર ખાન (પીકે) બીજા ગ્રહ પરથી પૃથ્વી પર આવે છે અને જે રેલવે ટ્રેક પર ટેપ રેકોર્ડર લઈને દોડે છે, તે આ જ સાંભર સરોવરના સોલ્ટ ટ્રેનના પાટા છે. આ સિવાય પ્રખ્યાત ફિલ્મ ‘ગુલાલ’ નું શૂટિંગ પણ અહીં થયું હતું.

IRCTC Salt Train-1.jpg

આજે પણ સચવાયેલો છે બ્રિટિશ કાળનો વારસો
હાલમાં સાંભર સરોવર અને સોલ્ટ ટ્રેનની જાળવણી 'સાંભર સોલ્ટ્સ લિમિટેડ' (SSL) કંપની કરે છે, જે ભારત સરકારની હિન્દુસ્તાન સોલ્ટ્સ લિમિટેડ અને રાજસ્થાન સરકારનું એક સંયુક્ત સાહસ છે.
આજે પણ સાંભરમાં આશરે 45 કિલોમીટર લાંબો મીટર-ગેજ અને 24 કિલોમીટર લાંબો નેરો-ગેજ ટ્રેક કાર્યરત છે. આ ટ્રેન જે રૂટ પરથી પસાર થાય છે ત્યાં વસ્તીવાળા વિસ્તારો આવતા હોવાથી અકસ્માત ન થાય તે માટે 7 રેલવે ફાટક બનાવાયા છે, જ્યાં ટ્રેન આવતા પહેલા સ્ટાફ દ્વારા ગેટ બંધ કરાય છે.

પ્રવાસીઓ માટે આજેય એક અજાયબી
સાંભર સરોવર માત્ર મીઠા માટે જ નહીં, પણ પર્યાવરણની દૃષ્ટિએ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું સ્થળ છે, કેમ કે તેને 'રામસર વેટલેન્ડ સાઇટ' જાહેર કરાયું છે. અહીં શિયાળામાં હજારો માઇગ્રેટરી પક્ષીઓ (ખાસ કરીને ફ્લેમિંગો - સુરખાબ) આવે છે. મીઠાના સફેદ રણમાં વિચરતા હજારો ગુલાબી ફ્લેમિંગો વચ્ચેથી જ્યારે 150 વર્ષ જૂની વિન્ટેજ સોલ્ટ ટ્રેન પસાર થાય છે ત્યારે અદ્ભુત દૃશ્ય સર્જાય છે, જે પ્રવાસીઓ માટે એક અદ્ભુત લહાવો છે.