India

Explainer: સેમ બ્રાન્ડ, સેમ પેકેજિંગ... તો પણ વિદેશમાં સારી ગુણવત્તા અને ભારતમાં હલકી, સમજો ફૂડ કંપનીઓની રમત

By GS Team
26 Aug 20264 mins read
TukuTouch Logo
ભારતમાં ગ્લોબલ ફૂડ બ્રાન્ડ્સ ગુણવત્તામાં ભેદભાવ રાખી રહી છે. વિદેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓ ભારતમાં વધુ ખાંડ, મીઠું અને સસ્તા પામ તેલનો ઉપયોગ કરે છે. Fanta, KitKat, Maggi અને Cerelac જેવી બ્રાન્ડ્સમાં આ તફાવત જોવા મળ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ગ્રાહકોએ ઘટકોની યાદી અને ન્યુટ્રિશન વેલ્યુ ચકાસીને જ ખરીદી કરવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: સેમ બ્રાન્ડ, સેમ પેકેજિંગ... તો પણ વિદેશમાં સારી ગુણવત્તા અને ભારતમાં હલકી, સમજો ફૂડ કંપનીઓની રમત

The Indian Food Labeling Scam : તમે જ્યારે બજારમાંથી કોઈ મોટી અને જાણીતી ગ્લોબલ બ્રાન્ડનું પેકેટ ખરીદો છો, ત્યારે તમને લાગે છે કે તમે કોઈ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ ખાઈ રહ્યા છો. પરંતુ શું તમે જાણો છો કે જે પ્રોડક્ટ તમે લંડન કે સિડનીમાં ખાઓ છો અને જે તમારા ઘરની પાસેની દુકાનમાંથી ખરીદો છો, તે બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે? એક જ બ્રાન્ડ અને એક જ પેકેજિંગ હોવા છતાં, વિદેશમાં વેચાતી પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તાની હોય છે, જ્યારે ભારતમાં વેચાતી પ્રોડક્ટમાં ખાંડ, મીઠું અને સસ્તા પામ તેલનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

મોટી બ્રાન્ડ્સ, પણ ગુણવત્તામાં મોટો તફાવત

કંપનીઓ ભારતીય બજારમાં કેવી રીતે અલગ માપદંડો અપનાવે છે, તેના કેટલાક ઉદાહરણો જોઈએ.

  1. ફેન્ટા (Fanta): યુરોપિયન યુનિયન અને લંડનમાં વેચાતા ફેન્ટામાં વાસ્તવિક ફ્રૂટ જ્યુસનું પ્રમાણ વધુ હોય છે અને ખાંડ મર્યાદિત હોય છે. પરંતુ ભારતમાં વેચાતા ફેન્ટામાં ખાંડનું પ્રમાણ ખુબ વધારે હોય છે અને કૃત્રિમ રંગોનો ઉપયોગ થાય છે. યુરોપમાં કૃત્રિમ રંગ ધરાવતી પ્રોડક્ટ્સ પર આગળ ચેતવણી લખવી પડે છે, જ્યારે ભારતમાં તે પાછળના ભાગમાં ઝીણા અક્ષરે છુપાવી દેવાય છે.
  2. કિટકેટ (KitKat): ભારતમાં મળતી કિટકેટમાં માત્ર 4.5 ટકા કોકો (Cocoa) હોય છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને યુકેમાં આ જ કિટકેટમાં 22 ટકા કે તેથી વધુ કોકો હોય છે. ભારતીય વર્ઝનમાં કોકોને બદલે વનસ્પતિ ચરબી (Vegetable Fat) અને ખાંડનો મોટો હિસ્સો હોય છે.
  3. મેગી (Maggi): ભારતમાં વેચાતી મેગીના મેન્યુફેક્ચરિંગમાં મુખ્યત્વે શુદ્ધ કરેલા પામ તેલનો ઉપયોગ થાય છે, જ્યારે બ્રિટનમાં સનફ્લાવર તેલ વપરાય છે. બ્રિટન જેવા દેશોમાં ઉચ્ચ સોડિયમ (મીઠું) દર્શાવવા માટે પેકેટ પર સ્પષ્ટ 'Red Warning Tag' હોય છે, જે ભારતીય પેકેટ્સ પર હોતું નથી.
  4. સેરેલેક (Cerelac): સ્વિસ એનજીઓ 'Public Eye' ના 2024 ના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે નેસ્લે કંપની જર્મની, બ્રિટન કે સ્વિટ્ઝરલેન્ડમાં સુગર-ફ્રી બેબી ફૂડ વેચે છે, પરંતુ ભારત અને આફ્રિકા જેવા દેશોમાં નાના બાળકોના સેરેલેકમાં પ્રતિ સર્વિંગ સરેરાશ 3 ગ્રામ વધારાની ખાંડ ઉમેરતી હતી. વિરોધ અને વિવાદ બાદ કંપનીએ ભારતમાં સુગર-ફ્રી વેરિઅન્ટ લાવવાની ફરજ પડી.

કંપનીઓનો તર્ક અને વાસ્તવિક રમત

કંપનીઓ આ ભેદભાવ પાછળ બચાવ કરે છે કે દરેક દેશના લોકોનો સ્વાદ, સ્થાનિક સંસાધનો અને ખરીદશક્તિ (Purchasing Power) અલગ હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને નફો વધારવા માટે સસ્તા પામ તેલ, હલકા કોકો અને અતિશય ખાંડનો ઉપયોગ થાય છે. કંપનીઓ જાણે છે કે ભારતમાં માહિતી છુપાવવી સરળ છે કારણ કે લેબલિંગ નિયમો પશ્ચિમી દેશો જેટલા કડક નથી.

લેબલિંગ વિવાદ અને સુપ્રીમ કોર્ટનો ઠપકો

જગતભરના 20 થી વધુ દેશોમાં (જેમ કે ચિલી, મેક્સિકો, બ્રાઝિલ) Front-of-Package Labelling (FOPL) કાયદાકીય રીતે ફરજિયાત છે. ત્યાં પેકેટની આગળ જ લાલ રંગના વોર્નિંગ લેબલ લગાવવા પડે છે.

  • ભારતમાં FSSAI દ્વારા 2017 થી 'Indian Nutrition Rating' (INR) પર ચર્ચાઓ ચાલે છે.
  • તાજેતરમાં, કલર-કોડેડ (Red Warning Label) નિયમ લાવવાને બદલે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ટેબલ અને સ્ટાર રેટિંગ આપવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, જેનો આરોગ્ય નિષ્ણાતોએ વિરોધ કર્યો છે.
  • સુપ્રીમ કોર્ટે પણ જાહેર હિતની અરજીઓ પર ગંભીરતા દર્શાવતા સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્યના અધિકાર (Right to Health) સામે કોર્પોરેટ નફો પ્રાથમિકતા ન બની શકે. આંતરરાષ્ટ્રીય ધોરણો ભારતમાં પણ લાગુ થવા જોઈએ.

ભવિષ્યનું જોખમ કેટલું મોટું છે?

અભ્યાસો મુજબ, 2050 સુધીમાં ભારતના 45 કરોડથી વધુ લોકો મેદસ્વીપણું, ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડિત થઈ શકે છે. ભારતના $100 બિલિયનના પેકેજ્ડ ફૂડ માર્કેટની 80% થી વધુ પ્રોડક્ટ્સ 'High in Fat, Sugar, or Salt' (HFSS) ની શ્રેણીમાં આવે છે. જો 'Red Label' નો નિયમ કડક રીતે લાગુ થાય, તો મોટાભાગની બ્રાન્ડ્સના વેચાણને અસર પહોંચે તેમ છે, જેના કારણે ફૂડ લોબી આ નિયમોને વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

ગ્રાહક તરીકે તમે શું કરી શકો?

સરકાર કડક નિયમો લાગુ કરે, તે પહેલા ગ્રાહકોએ પોતે સજાગ રહેવું પડશે. જેમ કે…

  • ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ વાંચો: પેકેટ ફેરવીને 'Ingredients' સેક્શન તપાસો. લિસ્ટમાં જે ઘટક સૌથી પહેલું લખેલું હોય, તે પ્રોડક્ટમાં સૌથી વધુ માત્રામાં હોય છે.
  • ખાંડના છૂપા નામો ઓળખો: Sucrose, High Fructose Corn Syrup, Maltodextrin, Dextrose પણ ખાંડ જ છે.
  • 100g ન્યુટ્રિશન વેલ્યુ ચેક કરો: પ્રતિ 100 ગ્રામે 11.5 ગ્રામથી વધુ ખાંડ અથવા 1.5 ગ્રામથી વધુ સોડિયમ હોય તો તેવી પ્રોડક્ટ્સથી દૂર રહેવું હિતાવહ છે.