India

Explainer: 'વન નેશન, વન ટાઈમ': કેન્દ્ર સરકારનો નવો નિયમ, તેનાથી દેશના નાગરિકોને શું ફાયદો થશે?

By GS Team
30 Aug 20264 mins read
TukuTouch Logo
ભારત સરકારે ડિજિટલ સુરક્ષા મજબૂત કરવા 'એક રાષ્ટ્ર, એક સમય' નીતિ જાહેર કરી છે. હવે તમામ બેંકો, ટેલિકોમ કંપનીઓ અને સરકારી વિભાગોએ પોતાના સર્વરનો સમય વિદેશી GPSને બદલે ભારતના IST સાથે જ રાખવો પડશે. આ માટે CSIR-NPLની એટોમિક ક્લોક્સ અને ISROના NavIC સેટેલાઇટનો ઉપયોગ થશે. માર્ચ 2027થી આ નિયમનું પાલન ફરજિયાત બનશે, જેથી ઓનલાઈન વ્યવહારોમાં ચોકસાઈ વધશે અને સાયબર સુરક્ષા મજબૂત બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: 'વન નેશન, વન ટાઈમ': કેન્દ્ર સરકારનો નવો નિયમ, તેનાથી દેશના નાગરિકોને શું ફાયદો થશે?
AI તસવીર

One Nation, One Time: ધારો કે તમે સવારે 8:15 વાગ્યે ઓફિસ જવા માટે ઓટો-રિક્ષાનું ભાડું UPIથી ચૂકવો છો. બપોરે 1 વાગ્યે ટ્રેનની ટિકિટ બુક કરો છો અને સાંજે 4 વાગ્યે શેરબજારના આંકડા જુઓ છો. આ બધી ક્રિયા દરમિયાન તમારા મોબાઈલ અને ઘડિયાળમાં સમય એકસરખો જ દેખાય છે. પરંતુ આ બધાં કામ પાછળ જે બેંક, રેલવે કે અન્ય સિસ્ટમના સર્વર કામ કરે છે, તેમાં સમય થોડો અલગ હોઈ શકે છે. જોકે, તમને એની ખબર નથી પડતી. અલબત્ત, ડિજિટલ વ્યવહારમાં એક સેકન્ડ કે મિલિસેકન્ડનો પણ તફાવત મહત્ત્વનો હોય છે. સમયનો નાનો તફાવત પણ ક્યારેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થવાનું કારણ બની શકે છે. આવી સમસ્યાઓ દૂર કરવા અને દેશની ડિજિટલ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારે 'એક રાષ્ટ્ર, એક સમય' (One Nation, One Time) નીતિ જાહેર કરી છે.

શું છે 'વન નેશન, વન ટાઈમ'?

ભારતમાં પહેલેથી જ તમામ રાજ્યો માટે એક જ પ્રમાણભૂત સમય છે, જેને IST (Indian Standard Time) કહેવામાં આવે છે. એટલે આ નવી નીતિ લાગુ કરવાથી સામાન્ય લોકોને પોતાની ઘડિયાળ કે મોબાઈલનો સમય બદલવાની કોઈ જરૂર નથી.

  • આ નવો નિયમ સામાન્ય લોકોની ઘડિયાળ માટે નહીં, પરંતુ દેશની ડિજિટલ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે.
  • અત્યાર સુધી ઘણી બેંકો, ટેલિકોમ કંપનીઓ અને સરકારી વિભાગો પોતાના કમ્પ્યુટર અને સર્વરનો સમય સેટ કરવા માટે વિદેશી સેટેલાઇટ સિસ્ટમ અને અમેરિકાના GPS પર આધાર રાખતા હતા.
  • હવે સરકારે કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2026 બહાર પાડ્યા છે. આ નિયમો હેઠળ દેશની તમામ સરકારી, કાનૂની, વેપારી અને ડિજિટલ સિસ્ટમોએ ફરજિયાત રીતે ભારતના સત્તાવાર સમય એટલે કે IST સાથે જ પોતાનો સમય સરખો રાખવો પડશે.

આ નવા નિયમની જરૂર કેમ પડી?

આજે દેશની ઘણી મહત્ત્વની સેવાઓ 5G નેટવર્ક, UPI પેમેન્ટ, શેરબજાર અને પાવર ગ્રીડ જેવી ડિજિટલ સિસ્ટમ પર આધારિત છે. આવી સિસ્ટમોમાં સમયની ખૂબ જ વધારે ચોકસાઈ જરૂરી હોય છે. ઘણી વખત તો નેનોસેકન્ડ એટલે કે સેકન્ડના અબજમા ભાગ જેટલી ચોકસાઈ પણ જરૂરી હોય છે.

  • વિદેશી નિર્ભરતા અને સુરક્ષા: હાલમાં સમય માટે ઘણી સિસ્ટમો વિદેશી GPS પર આધાર રાખે છે. યુદ્ધ કે કટોકટીના સમયે દુશ્મન દેશ GPS સિસ્ટમમાં જામિંગ કે સ્પૂફિંગ એટલે કે ખોટી માહિતી મોકલીને આપણા નેટવર્કમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
  • ડિજિટલ સાર્વભૌમત્વ: રાષ્ટ્રીય સુરક્ષા, ડિફેન્સ નેટવર્ક અને એર ટ્રાફિક કંટ્રોલ જેવા મહત્ત્વના ક્ષેત્રો માટે ભારત પાસે પોતાનું અને વિશ્વસનીય સમયનું માળખું હોવું ખૂબ જરૂરી છે.

સામાન્ય માણસ અને દેશને શું ફાયદો થશે?

  • બેંકિંગ અને પેમેન્ટમાં વધુ ચોકસાઈ: ધારો કે તમે રાત્રે 11:59 વાગ્યે કોઈને ₹10,000 ઓનલાઈન ટ્રાન્સફર કરો. પરંતુ બેંકના સર્વરનો સમય 2 સેકન્ડ પાછળ હોય તો વ્યવહાર નિષ્ફળ થઈ શકે છે અથવા પછી વિવાદ ઊભો થઈ શકે છે. તમામ સિસ્ટમનો સમય એકસરખો હોવાથી આવી સમસ્યાઓ ઓછી થશે.
  • ગુનેગારોને પકડવામાં સરળતા: સાયબર ક્રાઈમ, ઓનલાઈન ફ્રોડ અને CCTV ફૂટેજમાં ટાઈમસ્ટેમ્પ એટલે કે ઘટના કયા સમયે બની તેની નોંધ મહત્ત્વનો પુરાવો હોય છે. તમામ સિસ્ટમનો સમય એકસરખો હશે તો કોર્ટમાં સમયને લઈને વિવાદ થવાની શક્યતા ઘટશે.
  • મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રેલવે, એરપોર્ટ, પાવર ગ્રીડ અને ઇમરજન્સી સેવાઓ જેવી અલગ-અલગ સિસ્ટમો વચ્ચે વધુ સચોટ અને ઝડપી સંકલન થઈ શકશે.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને ક્યારથી લાગુ થશે?

  • આ સમગ્ર વ્યવસ્થા સ્વદેશી હશે. નવી દિલ્હીમાં આવેલી CSIR-નેશનલ ફિઝિકલ લેબોરેટરી (NPL)ની અત્યાધુનિક પરમાણુ ઘડિયાળો (Atomic Clocks) અને ISROના 'NavIC' (નાવિક) સેટેલાઇટ દ્વારા દેશને ચોક્કસ સમય આપવામાં આવશે.
  • દેશની તમામ બેંકો, ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગોએ પોતાની ડિજિટલ સિસ્ટમને આ સ્વદેશી ટાઈમ સર્વર સાથે જોડવી પડશે.
  • આ માટે તેમને નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ (NTP) સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે.
  • સરકારે આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત કર્યા છે. તેના 180 દિવસ પછી આ નિયમ કાયદેસર રીતે અમલમાં આવશે.
  • તમામ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે સરકારે માર્ચ 2027 સુધીનો સમય આપ્યો છે. માર્ચ 2027થી આ નિયમનું પાલન ફરજિયાત બની જશે. નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પણ થઈ શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ભારતમાં લોકોની ઘડિયાળો તો પહેલેથી જ એક જ સમય દર્શાવે છે. હવે દેશની તમામ મહત્ત્વની ડિજિટલ સિસ્ટમો પણ એક જ સત્તાવાર સમય સાથે જોડાશે. આનાથી દેશનું ડિજિટલ માળખું વધુ સુરક્ષિત, ચોક્કસ અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે.