India

Explainer: ‘બિટ્ટુ તબાહી’ના એકલે હાથે નદી સાફ કર્યાનો દાવો વિવાદમાં, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

By GS Team
8 Sep 20265 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવર શહેરમાં, 21 વર્ષના સુરેન્દ્ર સિંહ ચૌધરી ઉર્ફે 'બિટ્ટુ તબાહી'એ અજનાર નદીની સફાઈનો દાવો કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આનંદ મહિન્દ્રા સહિત અનેક દિગ્ગજોએ પ્રશંસા કરી. જોકે, સ્થાનિકો અને 'અજનાર બચાવો સમિતિ'એ આ દાવો ખોટો ગણાવ્યો, કારણ કે પૂર અને સામૂહિક પ્રયાસોથી નદી સાફ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ‘બિટ્ટુ તબાહી’ના એકલે હાથે નદી સાફ કર્યાનો દાવો વિવાદમાં, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

'Bittu Tabahi' River Clean-up Controversy: સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ સારી કે ખરાબ વાત વાયરલ થઈ જતાં વાર નથી લાગતી. મધ્યપ્રદેશનો બિટ્ટુ તબાહી એવો જ એક તાજો કિસ્સો છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવર (Biaora) શહેરમાં આવેલી અજનાર નદી ખૂબ પ્રદૂષિત હતી. 21 વર્ષના સુરેન્દ્ર સિંહ ચૌધરી ઉર્ફે 'બિટ્ટુ તબાહી'એ થોડા દિવસો અગાઉ એકલે હાથે નદીની સફાઈ કરી દીધી હોવાનો દાવો કર્યો અને એના ફોટા મૂક્યા, જેણે દેશભરમાં ચર્ચા જગાવી. ચારેતરફ બિટ્ટુની વાહવાહી થઈ ગઈ. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાથી લઈને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન જેવા લોકોએ તેના કામની નોંધ લીધી, પરંતુ આ દરમિયાન સ્થાનિકો અને કેટલીક સંસ્થાઓએ બિટ્ટુના દાવા સામે એક અલગ જ વાત કરી છે, ચાલો જાણીએ.

કોણ છે 'બિટ્ટુ તબાહી' અને આ નામ પાછળનું કારણ શું છે?

સુરેન્દ્ર સિંહ ચૌધરી 21 વર્ષનો યુવાન છે અને B.Sc. ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનો પરિવાર એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર છે. પિતા આરોગ્ય વિભાગમાં કામ કરે છે અને માતા ગૃહિણી છે. તેની બે બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. સુરેન્દ્રએ પોતાનું નામ જાતે જ 'બિટ્ટુ તબાહી' રાખ્યું હતું, કારણ કે તે એવું માને છે કે જો કોઈ મોટું કામ કરવું હોય, તો નામ પણ એવું હોવું જોઈએ જે લોકોને તરત યાદ રહી જાય અને જે સકારાત્મક અર્થમાં ‘તબાહી’ (ધમાકો) મચાવી શકે.

26 જાન્યુઆરી 2026ના રોજ સફાઈ મહા અભિયાનની શરૂઆત

અજનાર નદી ઘણા સમયથી ગંદકી, પ્લાસ્ટિક, કાદવ, શેવાળ અને કચરાના ઢગલાંથી ભરાઈ ગઈ હતી. 26 જાન્યુઆરી 2026 ના રોજ, પ્રજાસત્તાક દિવસના અવસરે બિટ્ટુને લાગ્યું કે દેશ માટે માત્ર વાતો કરવાને બદલે જમીન પર ઉતરીને કંઈક કરવું જોઈએ. તેણે કોઈ મોટી સંસ્થા કે સરકારની રાહ જોયા વિના જાતે જ નદીમાં ઉતરવાનું નક્કી કર્યું.
આ કામ બિલકુલ સરળ નહોતું. બિટ્ટુને તરતા પણ નહોતું આવડતું અને તેની પાસે કોઈ જ સેફ્ટી ગિયર (સુરક્ષાના સાધનો) નહોતા. શરૂઆતમાં બે-ચાર મિત્રો તેની સાથે જોડાયા, પણ ધીમે ધીમે તે એકલો પડી ગયો. આમ છતાં તેણે હાર ન માની. તેણે 30,000 રૂપિયાનો ખર્ચ કર્યો, જેથી તે કચરાપેટી અને સફાઈનો સામાન ખરીદી શકે. તેણે પૂજાના કચરાને અલગ કરીને તેમાંથી ખાતર બનાવવાનો પ્રયાસ પણ કર્યો. ગંદા અને ઝેરીલા પાણીમાં કલાકો સુધી કામ કરવાને લીધે તેના હાથ-પગમાં ઇન્ફેક્શન થઈ ગયું, ચામડીમાં ભયંકર ખંજવાળ આવવા લાગી. નદીની સફાઈ દરમિયાન તેને સાપનો સામનો પણ કરવો પડ્યો. શરૂઆતમાં તેના પરિવારને આ અંગે કોઈ જ ખબર નહોતી. જ્યારે વીડિયો વાયરલ થયા ત્યારે જ પરિવારને તેના આ ભગીરથ કાર્યની જાણ થઈ.

સોશિયલ મીડિયા પર વાયરલ, દિગ્ગજોએ કરી પ્રશંસા

બિટ્ટુ નિયમિતપણે નદીની સફાઈ પહેલાના અને પછીના (Before and After) ફોટા અને વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. માર્ચ 2026 માં આવા વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સુધી પહોંચ્યા. તેમણે બિટ્ટુના વખાણ કર્યા અને તેને પ્રેરણાસ્વરૂપ ગણાવ્યો. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પણ બિટ્ટુના ફોટા શેર કરીને લખ્યું કે આ યુવાને ગંદા પાણીમાં ઉતરીને પરિવર્તનની શરૂઆત કરી છે.


આ વાત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ સુધી પહોંચી. તેમણે બિટ્ટુને ભોપાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રણ આપ્યું. ત્યાં તેનું સન્માન કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને ભવિષ્યમાં સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપવામાં આવી.

નેધરલેન્ડ્સથી આવેલી લાખોની ઓફર ઠુકરાવી

નેધરલેન્ડ્સ સ્થિત આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા 'The Ocean Cleanup'ની નજર 'X' પર બિટ્ટુની પોસ્ટ પર પડી. આ સંસ્થા દુનિયાભરના સમુદ્રો અને નદીઓમાંથી પ્લાસ્ટિક દૂર કરવાનું કામ કરે છે. તેમણે પોસ્ટ જોઈને બિટ્ટુને સીધી જ નોકરીની ઓફર આપી દીધી: ‘Come work for us’ એટલે કે આવો, અમારી સાથે કામ કરો.
કોઈ પણ સામાન્ય યુવાન વિદેશની સન્માનજનક નોકરીને ના ન કહે, પરંતુ બિટ્ટુએ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા સ્પષ્ટ કહ્યું કે, ‘મને એ નોકરી નથી જોઈતી. હું વિદેશ જવા નથી માંગતો. જો હું મારા દેશમાં, મારા વતનમાં રહીને મારા લોકો અને પર્યાવરણ માટે કંઈક કરી શકું, તો તે મારા માટે સૌથી મોટી વાત છે.’

વાર્તામાં વળાંક આવ્યો: સ્થાનિકોએ વિરોધ કર્યો

સોશિયલ મીડિયા પર બિટ્ટુ એક હીરો બની ગયો હતો, પરંતુ બ્યાવરમાં ગ્રાઉન્ડ લેવલ પર ચિત્ર કંઈક અલગ જ હતું. સ્થાનિક રહેવાસીઓ અને સંસ્થાઓએ બિટ્ટુના ‘એકલા હાથે નદી સાફ કરવાના’ દાવા સામે જોરદાર સવાલ ઉઠાવ્યો કે, ‘10 કિલોમીટર લાંબી નદી કોઈ એક વ્યક્તિ એકલા હાથે કેવી રીતે સાફ કરી શકે?’ લોકોએ નીચે મુજબની હકીકત જણાવી.

  1. પૂરની અસર: બિટ્ટુએ સાફ નદીનો જે વીડિયો મુક્યો હતો, તે 10 તારીખે આવેલા ભારે પૂર પછીનો હતો. પૂરના પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે મોટાભાગનો કચરો તેની સાથે જ ધોવાઈ ગયો હતો.
  2. હજુ પણ ગંદકી છે: સ્થાનિકોના દાવા મુજબ નદી સંપૂર્ણ સાફ નથી થઈ. પૂરના પાણી ઓસર્યા પછી હજુ પણ કિનારા પરના વૃક્ષો પર પ્લાસ્ટિકની થેલીઓ લટકી રહી છે અને પાઇપોમાં કચરો ફસાયેલો છે.
  3. અજનાર બચાવો સમિતિ: ‘અજનાર બચાવો સમિતિ’ 2016 થી અજનાર નદીની સફાઈ માટે ઝુંબેશ ચલાવી રહી છે. બિટ્ટુ પણ આ સમિતિનો સભ્ય છે. દર વર્ષે વહીવટીતંત્ર અને લોકો ભેગા મળીને નદી સાફ કરે છે. તેથી આ કોઈ એક વ્યક્તિનું નહીં, પણ સામૂહિક પરિણામ છે.

બિટ્ટુએ બચાવમાં શું કહ્યું?

આ વિવાદ વધતા બિટ્ટુએ સ્પષ્ટતા કરી કે, ‘હા, બધાએ સહકાર આપ્યો છે અને સમિતિના સભ્યો પણ આવતા હતા, પરંતુ હું એકમાત્ર એવો છું જે દરરોજ નદી પર સફાઈ માટે જતો હતો. લોકો મહિને એક-બે વાર આવીને જતા રહેતા. મારો હેતુ માત્ર વ્યૂઝ મેળવવાનો નહોતો, નહીંતર હું આટલો સમય બગાડત નહીં.’

અજનાર નદી કેમ વારંવાર ગંદી થઈ જાય છે?

અજનાર નદીની સમસ્યા એ છે કે બ્યાવર શહેરના 5 મોટા નાળાં અને અન્ય 12 જેટલા નાના-મોટા નાળાં ગટરનું પાણી સીધું આ નદીમાં ઠાલવે છે. જ્યાં સુધી આ ગંદુ અને શુદ્ધિકરણ વગરનું પાણી નદીમાં આવતું નહીં અટકે, ત્યાં સુધી નદી ક્યારેય કાયમ માટે શુદ્ધ નહીં થાય. સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા 14.77 કરોડ રૂપિયાના ખર્ચે એક નવો 'સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ' (STP) બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

દાવા સાચા હોય કે ખોટા, સ્વચ્છતાનો સંદેશ મહત્ત્વનો

બિટ્ટુ તબાહીના દાવા અર્ધસત્ય સાબિત થતાં સોશિયલ મીડિયા પર લોકો એની મજાક ઉડાવી રહ્યા છે. અજનાર નદીની સફાઈનો શ્રેય ભલે બિટ્ટુને ન અપાય, પરંતુ એક વાત નિર્વિવાદ છે કે, 21 વર્ષના આ યુવાને કાદવભરી નદીમાં ઉતરીને જે હિંમત બતાવી, તેના કારણે જ એક નાનકડા શહેરની ગંદકીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી શક્યો. દેશના અન્ય યુવાનો પણ બિટ્ટુના કિસ્સામાંથી પ્રેરણા લઈને પોતાના વિસ્તારોમાં પર્યાવરણના જતન માટે જાગૃત થાય તો ઘણું.