India

Explainer: શું તમે પણ દવા ચાલુ હોય ત્યારે ડ્રિંક્સ કરી લો છો, તો આ જરૂર વાંચી લો

By GS Team
26 Aug 20265 mins read
TukuTouch Logo
પાર્ટી કે ઉજવણીમાં દારૂનું સેવન સામાન્ય બન્યું છે, પરંતુ દવાઓ સાથે દારૂ ઝેર સમાન છે. એન્ટિબાયોટિક્સ, ડિપ્રેશનની દવાઓ, હાઈ BP, પેઇનકિલર્સ, ફેમિલી પ્લાનિંગ, માથાની ઇજા, IVF, ગર્ભાવસ્થા, સ્ટ્રોક પછીની રિકવરી અને સ્તનપાન કરાવતી માતાઓએ દારૂથી દૂર રહેવું જોઈએ. તે લીવર પર બોજ વધારી, દવાની અસર ઘટાડી ગંભીર આડઅસરો સર્જે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: શું તમે પણ દવા ચાલુ હોય ત્યારે ડ્રિંક્સ કરી લો છો, તો આ જરૂર વાંચી લો

Pills and Alcohol: A Deadly Cocktail You Shouldn’t Sip : આજના સમયમાં પાર્ટી કરવી, લગ્ન પ્રસંગ કે કોઈ ખાસ ઉજવણીમાં ડ્રિંક્સ કરવું એટલે કે દારૂ પીવો અનેક લોકો માટે સામાન્ય થઈ ગયું છે. ઘણીવાર લોકો દારૂ પીતા પહેલા એ નથી વિચારતા કે તેમના શરીરની વર્તમાન સ્થિતિ કેવી છે અથવા તેઓ કઈ દવાઓ લઈ રહ્યા છે.
માન્યતા એવી છે કે દારૂના માત્ર એક કે બે ઘૂંટડા પીવાથી કોઈ મોટું નુકસાન થતું નથી, પરંતુ મેડિકલ સાયન્સ આ વાત નકારે છે. જ્યારે આપણું શરીર કોઈ બીમારી સામે લડી રહ્યું હોય અને આપણું લિવર (યકૃત) દવાઓને પચાવવાનું અને શરીરને સાજું કરવાનું અગત્યનું કામ કરી રહ્યું હોય, ત્યારે તેમાં દારૂ ઉમેરવો એ સીધું ઝેર નાખવા સમાન છે. દારૂને કારણે લીવર પર બમણો બોજો પડે છે, જેનાથી દવાની અસર તો ઘટે જ છે, પરંતુ સાથે અન્ય ગંભીર આડઅસરો પણ સર્જાય છે.

ચાલો, આજે જાણીએ એવી 10 સ્થિતિ વિશે, જેમાં ડોક્ટરો દારૂથી સંપૂર્ણપણે દૂર રહેવાની સલાહ આપે છે.

1… એન્ટિબાયોટિક્સ દવાઓનો કોર્સ ચાલુ હોય ત્યારે…

જ્યારે કોઈ ઇન્ફેક્શન થયું હોય અને એન્ટિબાયોટિક્સ દવા ચાલુ હોય, ત્યારે દારૂ પીવો અત્યંત નુકસાનકારક છે.

  • ગંભીર આડઅસરો: તમે સેફોટેટન, મેટ્રોનીડાઝોલ કે ટીનીડાઝોલ જેવી દવાઓ લેતા હોવ ત્યારે દારૂ પીવાથી અચાનક ગંભીર માથાનો દુખાવો, ચહેરો લાલ થઈ જવો (ફ્લશિંગ), ચક્કર આવવા, ઉલટી થવી અને હૃદયના ધબકારા અસામાન્ય રીતે વધી જવા જેવી ખતરનાક ગૂંચવણો ઊભી થઈ શકે છે.
  • રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો: ડોક્સીસાયક્લાઇન જેવી દવાઓ સાથે દારૂ લેવાથી દવાની અસર ઘટી જાય છે. વધુ પડતો દારૂ શરીરની ચેપ સામે લડવાની ક્ષમતા ઘટાડે છે, જેથી તમારી બીમારી લાંબી ખેંચાય છે.

2… ડિપ્રેશન અને ચિંતા (Anxiety) ની દવાઓ સાથે…

જો માનસિક સ્વાસ્થ્ય માટે એન્ટીડિપ્રેસન્ટ્સ દવા ચાલુ હોય, દારૂ તમારા લક્ષણોને મટાડવાને બદલે વધારે છે.

  • દારૂ પોતે મગજની કામગીરીને ધીમી પાડે છે.
  • દવા સાથે દારૂના કારણે મગજ સુન્ન થઈ જાય છે, જેનાથી અતિશય સુસ્તી આવે છે.
  • શરીરની પ્રતિક્રિયા અને વિચારવાની ગતિ ધીમી પડી જાય છે અને અચાનક મૂડ સ્વિંગ્સ આવવા લાગે છે.

3… હાઈ બ્લડ પ્રેશર (High BP) ની સમસ્યા હોય…

જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય, તો દારૂનું સેવન તમારા માટે જોખમી છે.

  • રોજ દારૂ પીવાથી બ્લડ પ્રેશર ખતરનાક સ્તરે વધી શકે છે.
  • જો તમે દારૂ પીવાનું ઓછું કરો છો, તો થોડા જ અઠવાડિયામાં તમારા બ્લડ પ્રેશરમાં સુધારો જોવા મળે છે.
  • જો તમે ખૂબ વધારે દારૂ પીવા માટે ટેવાયેલા છો, તો તેને અચાનક જ બંધ ન કરી દો. અચાનક બંધ કરવાથી બ્લડ પ્રેશર એકદમ વધી શકે છે. ડૉક્ટરની દેખરેખ હેઠળ તેને ધીમે-ધીમે ઘટાડવો જ સૌથી સલામત રસ્તો છે.

4… સામાન્ય દુ:ખાવાની દવાઓ (Painkillers) લેતી વખતે…

લોકો માથાનો દુખાવો, તાવ કે શરીરના દુખાવા માટે મેડિકલ સ્ટોરમાંથી પેરાસિટામોલ, એસ્પિરિન અથવા આઇબુપ્રોફેન જેવી દવાઓ જાતે જ લેતા હોય છે.

  • જો તમે વારંવાર આ પેઇનકિલર્સ લો છો અને સાથે દારૂ પણ પીઓ છો, તો તે તમારા લીવર અને કિડનીને સીધું નુકસાન કરે છે.
  • તેનાથી પેટમાં ચાંદા (અલ્સર) પડવાનું અને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) નું જોખમ ઊભું થાય છે.

5… જ્યારે તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોવ ત્યારે…

જો પતિ-પત્ની બાળક લાવવાનું વિચારી રહ્યા હોય તો બંનેએ દારૂ સંપૂર્ણપણે છોડી દેવો જોઈએ.

  • સ્ત્રીઓ માટે: મધ્યમ માત્રામાં દારૂ પણ માસિક ચક્ર (Periods) ને અનિયમિત કરી શકે છે અને ઓવ્યુલેશનમાં સમસ્યા સર્જી ગર્ભધારણ અટકાવી શકે છે.
  • પુરુષો માટે: દારૂ પુરુષોમાં સેક્સ ડ્રાઇવ ઘટાડે છે, શુક્રાણુઓ (Sperms) ની ગુણવત્તા બગાડે છે અને લાંબા ગાળે નપુંસકતા પણ લાવી શકે છે.

6… માથામાં ઇજાની દવા ચાલતી હોય ત્યારે…

માથામાં નાની ઇજા થઈ હોય તો પણ મગજને સાજા થવામાં ઘણો સમય લાગે છે અને તે ખૂબ નાજુક સ્થિતિમાં હોય છે.

  • આ સમયગાળામાં થોડો દારૂ પણ મગજની રિકવરી પ્રોસેસને ખૂબ ધીમી કરી દે છે.
  • તેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે, યાદશક્તિ ઘટે છે અને જાતીય સમસ્યાઓ થઈ શકે છે.
  • દારૂની અસર મગજ પર બમણી ઝડપથી થાય છે, જેનાથી વ્યક્તિનું સંતુલન બગડે છે અને ફરીથી પડી જવાથી ઇજા થવાનું જોખમ રહે છે.

7… પ્રજનન સારવાર (IVF અથવા GIFT) ચાલતી હોય ત્યારે…

આર્ટિફિશિયલ રીતે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરી રહેલા યુગલોની લાખો રૂપિયાની સારવાર દારૂ નિષ્ફળ બનાવી શકે છે.

  • તબીબી અભ્યાસ દર્શાવે છે કે જે સ્ત્રીઓ અઠવાડિયામાં 4 ડ્રિંક્સ લે છે, તેમનામાં સફળ ગર્ભાવસ્થાનો દર નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
  • જો પતિ અને પત્ની બંને દારૂ લેતા હોય, તો સફળતાની શક્યતા નહિવત થઈ જાય છે.

8… ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન…

ગર્ભાવસ્થામાં દારૂ પીવો એ સીધેસીધું બાળકના જીવને જોખમમાં મૂકવા સમાન છે.

  • જ્યારે માતા દારૂ પીવે છે, ત્યારે તે દારૂ બાળકના વિકસતા મગજમાં ખૂબ જ ઝડપથી પહોંચે છે.
  • તેનાથી બાળકને 'ફેટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર' (FASD) થઈ શકે છે. આના કારણે બાળક જન્મજાત શારીરિક ખામીઓ અને માનસિક અસામાન્યતા સાથે જન્મી શકે છે. આ સમયમાં દારૂનું એક ટીપું પણ સલામત નથી.

9… સ્ટ્રોક (લકવો) આવ્યા પછીની રિકવરી વખતે…

સ્ટ્રોક આવ્યા પછી દર્દીઓને લોહી ગંઠાઈ ન જાય તે માટે 'વોરફેરિન' જેવી લોહી પાતળું કરતી દવાઓ અપાય છે.

  • દારૂ આ દવાઓની અસરકારકતા ઘટાડે છે.
  • સ્ટ્રોકના દર્દીઓમાં દારૂને કારણે અસ્પષ્ટ વાણી (બોલવામાં થોથવાવું), સંતુલન ગુમાવવું અને ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ ઝડપથી વધી શકે છે.
  • ખાસ કરીને મગજમાં નસ ફાટવાથી (હેમરેજિક સ્ટ્રોક) થયો હોય તો, મહિનાઓ સુધી ડોક્ટરને પૂછ્યા વિના દારૂ ન અડવો જોઈએ.

10… સ્તનપાન (Breastfeeding) કરાવતી માતાઓ…

જો સ્તનપાન કરાવતી માતા દારૂ પીવે, તો તેના લોહીમાં રહેલો આલ્કોહોલ તેના દૂધમાં ભળે છે.

  • આવું આલ્કોહોલ વાળું દૂધ પીવાથી નવજાત બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર ગંભીર અસર થાય છે.
  • જો માતાએ 1 ડ્રિંક લીધું હોય, તો દૂધમાંથી આલ્કોહોલ દૂર થવા માટે તેણે બાળકને ધાવણ આપતા પહેલા ઓછામાં ઓછા 2 થી 3 કલાક રાહ જોવી જોઈએ. 3 ડ્રિંક્સ લીધા હોય તો 6 થી 8 કલાક સુધી દૂધમાં તેની અસર રહે છે.

નોંધનીય છે કે, તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય કોઈપણ પાર્ટી કે દારૂના શોખ કરતાં ઘણું વધારે મૂલ્યવાન છે. જો તમે ઉપર જણાવેલી કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો તમારા ડૉક્ટરની સલાહ લીધા વિના ક્યારેય દારૂ પીવાનું જોખમ ન ખેડશો.