Explainer: તિરુપતિ બાલાજી મંદિરને મળતું દાન કેવી રીતે સુરક્ષિત રહે છે, જાણો કરોડોની ગણતરીનું અદ્ભુત મેનેજમેન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tirupati Temple Parkamani Model : જ્યારે મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન આવતું હોય ત્યારે તેની સુરક્ષા અને સચોટ ગણતરી એક મોટો પડકાર બની જાય છે. તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં કરોડોના દાનની ચોરીની ઘટના બન્યા બાદ ધાર્મિક સ્થળોની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. આંધ્રપ્રદેશનું પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિર આ બાબતમાં સમગ્ર દેશ માટે એક આદર્શ અને અત્યંત વિશ્વસનીય મોડેલ રજૂ કરે છે. ચાલો જાણીએ તિરુપતિમાં દરરોજ આવતા કરોડો રૂપિયાના દાનને કેવી રીતે સુરક્ષિત રખાય છે અને તેનો વહીવટ કેટલો પારદર્શક છે.
દાનનો વિશાળ જથ્થો અને હૂંડીની પરંપરા
તિરુપતિ મંદિરમાં ભક્તો ગર્ભગૃહમાં દર્શન કર્યા પછી કાપડથી ઢંકાયેલા પિત્તળના મોટા પાત્રમાં (જેને ‘હૂંડી’ કહેવાય છે) પોતાની શ્રદ્ધા મુજબ રોકડ, સિક્કા, સોનું, ચાંદી અને હીરા ચઢાવે છે.
- નાણાકીય વર્ષ 2025-26 માં મંદિરને હૂંડી દ્વારા 1,738 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. એટલે કે રોજનું સરેરાશ 4.75 કરોડ રૂપિયા દાન!
- ભક્તોની ભારે ભીડને કારણે દરરોજ 12 થી 18 જેટલી હૂંડીઓ ભરાય છે. હૂંડી ભરાતા જ તેને તરત સીલ કરીને તેની જગ્યાએ ખાલી હૂંડી મૂકી દેવાય છે.
'પરકામણી', અનોખું ગણતરી કેન્દ્ર
અહીં આવતાં દાનનો જથ્થો એટલો મોટો છે કે મંદિરનું સંચાલન કરતી સંસ્થા ‘તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ’ (TTD) એ ફેબ્રુઆરી 2023 થી મંદિરની નજીક બે માળનું ગણતરી કેન્દ્ર બનાવ્યું છે, જેને 'પરકામણી' કહેવાય છે.
- ચુસ્ત દેખરેખ: દરરોજ સવારે સીલબંધ હૂંડીઓ કડક સુરક્ષા વચ્ચે અહીં લાવવામાં આવે છે. વરિષ્ઠ અધિકારીઓ, સ્ટાફ અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તેને ખોલવામાં આવે છે.
- પારદર્શકતા: કેન્દ્રના પહેલા માળે કાચની બારીઓ રાખવામાં આવી છે, જેનાથી સામાન્ય ભક્તો પણ હૂંડીઓ ખાલી થવાની અને દાનની છટણી થવાની પ્રક્રિયા જોઈ શકે છે.
- સેવાભાવી સ્ટાફ: અહીં કામ કરનારા લગભગ 80 ટકા લોકો 'શ્રીવરી સેવક' (સ્વયંસેવકો) હોય છે, જેઓ ભગવાનની સેવામાં એક અઠવાડિયા માટે મફત સેવા આપે છે.
- વ્યવસ્થાપન : રોકડ, સિક્કા અને કિંમતી ધાતુઓનું વ્યવસ્થાપન અલગ-અલગ
- સચોટ પ્રોટોકોલ : ગણતરી કેન્દ્રમાં દરેક વસ્તુના સંચાલન માટે અલગ અને સચોટ પ્રોટોકોલ છે.
- રોકડ અને વિદેશી ચલણ: પહેલા માળે મશીનો દ્વારા નોટો ગણવામાં આવે છે અને રોજની રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને યુનિયન બેંકમાં જમા કરાય છે. વિદેશી ચલણની ગણતરી અઠવાડિયામાં બે વાર કરીને SBIમાં જમા થાય છે.
- સિક્કાઓની ગણતરી નહીં, વજન: સિક્કાઓની ગણતરી કરવામાં આવતી નથી, પરંતુ તેમને વર્ગીકૃત કરીને તેમના વજનના આધારે તેનું મૂલ્ય નક્કી કરાય છે અને પછી બેંકોમાં જમા કરાય છે.
- સોનું અને કિંમતી ઘરેણાં: સોનું, ચાંદી અને હીરાને કડક સુરક્ષાવાળા સ્ટ્રોંગ રૂમમાં રખાય છે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં નિષ્ણાતો દ્વારા તેનું મૂલ્યાંકન થાય છે અને ત્યારબાદ તેને સીલ કરીને તિરુપતિની ટ્રેઝરીમાં મોકલાય છે.
લોખંડી સુરક્ષા વ્યવસ્થામાંથી કોઈ બાકાત નહીં
આ સિસ્ટમ એટલી ચુસ્ત છે કે પરકામણી કેન્દ્રની બહાર નીકળતી વખતે મંદિરના કે ટોચના સરકારી અધિકારીઓનું પણ કડક ચેકિંગ થાય છે. એપ્રિલ 2023 માં રવિ કુમાર નામના એક કર્મચારીએ અંડરગાર્મેન્ટમાં વિદેશી ચલણ છુપાવીને ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીસીટીવી અને વિજિલન્સ કર્મચારીઓની સતર્કતાને કારણે તે તરત જ પકડાઈ ગયો હતો.
આગામી પ્લાનિંગ, ઓટોમેશનમાં વધારો
ચોરી કે છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે તિરુપતિ દેવસ્થાનમે એ હૂંડી સિવાયના બાકીના તમામ વ્યવહારો ડિજિટલ કરી દીધા છે. હવે સંસ્થાની યોજના પરકામણી કેન્દ્રમાં ઓટોમેશન (ટેક્નોલોજી) વધારીને માનવ હસ્તક્ષેપને હાલના સ્તરથી 50 ટકા સુધી ઘટાડવાની છે, જેથી સુરક્ષા વધુ અભેદ્ય બની શકે.









