India

Explainer: બ્રહ્માંડમાં આકાર લઈ રહી છે વિશિષ્ટ ખગોળીય ઘટના, જાણો શું છે પેગાસસ નક્ષત્રનો સુપરનોવા વિસ્ફોટ

By GS Team
13 Sep 20265 mins read
TukuTouch Logo
પૃથ્વીથી 4.5 કરોડ પ્રકાશવર્ષ દૂર NGC 7331 ગેલેક્સીમાં એક વિશાળ તારામાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ઘટનાને વૈજ્ઞાનિકોએ SN 2026 AAIV નામ આપ્યું છે. આ 'Type 1a' સુપરનોવા 1 સપ્ટેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો, જે બાઈનરી સ્ટાર સિસ્ટમમાં સફેદ વામન તારાના વિનાશથી સર્જાયો છે. ખગોળશાસ્ત્રીઓ આ દુર્લભ ઘટનાને કેમેરામાં કેદ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: બ્રહ્માંડમાં આકાર લઈ રહી છે વિશિષ્ટ ખગોળીય ઘટના, જાણો શું છે પેગાસસ નક્ષત્રનો સુપરનોવા વિસ્ફોટ

A Cosmic Explosion in NGC 7331 : બ્રહ્માંડમાં એક એવી રોમાંચક ખગોળીય ઘટના બની છે જેણે દુનિયાભરના વિજ્ઞાનીઓની ઊંઘ ઉડાવી દીધી છે. પૃથ્વીથી 4.5 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી NGC 7331 નામની ગેલેક્સીમાં એક વિશાળ તારામાં પ્રચંડ ઊર્જા સાથે વિસ્ફોટ થયો છે. આ ઐતિહાસિક ખગોળીય ઘટનાને વિજ્ઞાનીઓએ SN 2026 AAIV નામ આપ્યું છે.
ચાલો, બ્રહ્માંડમાં બનેલી આ દુર્લભ ઘટના વિશે વિગતે જાણીએ.

વિજ્ઞાનીઓના વિશ્લેષણ મુજબ આ એક 'Type 1a' સુપરનોવા છે. આ પ્રકારનો વિનાશ ત્યારે સર્જાય છે જ્યારે 'બાઈનરી સ્ટાર સિસ્ટમ' (જ્યાં બે તારા એકબીજાની પરિક્રમા કરતા હોય) માં રહેલો એક સફેદ વામન તારો (white dwarf) પોતાના સાથી તારામાંથી સતત ગેસ અને દ્રવ્ય ખેંચીને એકઠું કરે છે. જ્યારે આ દ્રવ્ય એક ચોક્કસ મર્યાદા વટાવી જાય છે, ત્યારે તે સફેદ વામન તારામાં અનિયંત્રિત થર્મોન્યુક્લિયર પ્રતિક્રિયા શરૂ થાય છે. આ પ્રચંડ અને વિનાશક પ્રતિક્રિયાના કારણે સમગ્ર તારાના એક જ ક્ષણમાં ટુકડા થઈ જાય છે.

ખગોળશાસ્ત્રીઓ અને ફોટોગ્રાફરોમાં ભારે ઉત્સાહ

સૌપ્રથમ 1 સપ્ટેમ્બર 2026 ના રોજ આ વિસ્ફોટની નોંધ લેવામાં આવી હતી. પ્રખ્યાત ખગોળ ફોટોગ્રાફર એન્ડ્રુ મેકકાર્થીએ 7 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર આ સુપરનોવાની એક અદ્ભુત તસવીર શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ખૂબ ભાગ્યશાળી હતા, કારણ કે જ્યારે આ વિસ્ફોટ દેખાયો ત્યારે તેઓ આ જ ગેલેક્સી પર એક મોટા પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા હતા. તેમણે વિસ્ફોટ પહેલાનો અને પછીનો કુલ 4 કલાકનો ડેટા એકત્રિત કર્યો હતો.

આ ઉપરાંત, માઉન્ટ વિલ્સન ઓબ્ઝર્વેટરીના ઓપરેશન્સ મેનેજર ટોમ માસ્ટરસને પણ 10 સપ્ટેમ્બરે 60-ઇંચના ટેલિસ્કોપની મદદથી તેની સુંદર તસવીરો કેદ કરી હતી. 11 સપ્ટેમ્બર 2026 ના રોજ આ સુપરનોવાની તેજસ્વીતા 15.7 ની તીવ્રતા (magnitude) પર નોંધવામાં આવી હતી. જોકે હવે તેનું તેજ ધીમે ધીમે મંદ પડી રહ્યું છે, તેથી વિશ્વભરના ‘તારા નિરીક્ષકો’ (Stargazers – સ્ટારગેઝર્સ) આ ઐતિહાસિક ક્ષણને ચૂકી ન જવા માટે આખી રાત જાગીને તેને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

NGC 7331 ગેલેક્સીમાં ચમત્કારી ઘટના!

NGC 7331 ગેલેક્સીમાં આ કોઈ પહેલી ઘટના નથી. ગયા વર્ષે, 14 જુલાઈ 2025 ના રોજ, આ જ આકાશગંગામાં SN 2025RBS નામનો અન્ય એક Type 1a સુપરનોવા જોવા મળ્યો હતો. એક જ ગેલેક્સીમાં આટલા ટૂંકા સમયગાળામાં બે મોટા તારાઓનો વિસ્ફોટ થવો તે ખગોળશાસ્ત્રના નિષ્ણાતો માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. આ ગેલેક્સીનું કદ અને દળ આપણી મિલ્કી વે (Milky Way) આકાશગંગાને ઘણું મળતું આવે છે. પ્રખ્યાત બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલે સૌપ્રથમ 1784 માં આ આકાશગંગાની શોધ કરી હતી.

રાત્રિના આકાશમાં આ સુપરનોવાને કેવી રીતે શોધશો?

જો તમે જાતે જ આ ખગોળીય જાદુને જોવા માગતા હો, તો તમારે આકાશમાં પેગાસસ (Pegasus) નક્ષત્ર તરફ જોવું પડશે:

  • રાત પડતાં જ પૂર્વ દિશામાં જુઓ. ત્યાં હીરાના આકારમાં 4 મોટા અને તેજસ્વી તારા જોવા મળશે. આ ચોરસ આકારની પેટર્નને 'ગ્રેટ સ્ક્વેર ઓફ પેગાસસ' કહેવામાં આવે છે.
  • આ ચોરસના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર 'શેટ' (Scheat) નામનો તેજસ્વી તારો આવેલો છે.
  • શેટની બરાબર ઉપર 'માતર' (Matar) નામનો થોડો ઝાંખો તારો દેખાશે. આ માતર તારાની ખૂબ જ નજીક NGC 7331 ગેલેક્સી આવેલી છે.
  • તેનું ચોક્કસ આકાશી સ્થાન (Coordinates) RA 22 કલાક 37 મિનિટ 05.618 સેકન્ડ અને Dec +34 ડિગ્રી 24 મિનિટ 35.37 સેકન્ડ છે.

અહીં RA (Right Ascension - રાઇટ એસેન્શન) એટલે કે 'વિષુવાંશ', જે પૃથ્વી પરના રેખાંશ (Longitude) ની જેમ કામ કરે છે અને આકાશી ગોળા પર પૂર્વ-પશ્ચિમ દિશા દર્શાવે છે. ડિગ્રીને બદલે તે સમયમાં એટલે કે કલાક, મિનિટ અને સેકન્ડમાં મપાય છે. જ્યારે Dec (Declination - ડેક્લિનેશન) એટલે કે 'ક્રાંતિ', જે પૃથ્વી પરના અક્ષાંશ (Latitude) ની જેમ કામ કરે છે. તે આકાશી વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશા દર્શાવે છે. તેમાં રહેલી '+' (પ્લસ) નિશાની દર્શાવે છે કે તારો આકાશી વિષુવવૃત્તની ઉત્તરે એટલે કે ઉપરની તરફ છે, જ્યારે '-' (માઈનસ) નિશાની દક્ષિણ દિશા દર્શાવે છે.
નાસાના જણાવ્યા અનુસાર આ એક સુંદર સર્પાકાર (spiral) ગેલેક્સી છે, પરંતુ શહેરોના પ્રકાશ પ્રદૂષણને કારણે માત્ર તેનો કેન્દ્રિય ભાગ જ જોઈ શકાય છે.

આ જોવા કયા સાધનોની જરૂર પડશે?

આ સુપરનોવાને નરી આંખે જોવો અશક્ય છે. NGC 7331 ગેલેક્સી પોતે 10 ની તીવ્રતાથી ચમકે છે જેને જોવા માટે સામાન્ય ટેલિસ્કોપ કે મોટા દૂરબીનની જરૂર પડે છે. જ્યારે સુપરનોવાનો પ્રકાશ 15.7 ની તીવ્રતા ધરાવે છે, જેને જોવો વધુ પડકારજનક છે.

  • મોટા ટેલિસ્કોપનો ઉપયોગ: આને જોવા માટે તમારે 14-ઇંચના શ્મિટ-કેસેગ્રેન (Schmidt-Cassegrain) જેવા મોટા ટેલિસ્કોપની જરૂર પડશે. તેમાં તમે 'એવર્ટેડ વિઝન' (Averted vision) ટેકનિક અજમાવી શકો છો. આ ટેકનિકમાં ગેલેક્સીના કેન્દ્રની બરાબર સામે જોવાને બદલે થોડું બાજુ પર જોવામાં આવે છે. તેનાથી તમારી આંખમાં રહેલા 'સળિયાના કોષો' (rod cells) સક્રિય થાય છે અને તમે નબળા પ્રકાશને પણ સરળતાથી જોઈ શકો છો.
  • સ્માર્ટ ટેલિસ્કોપ: આ દુર્લભ ઘટનાને જોવાનો સૌથી સરળ અને આધુનિક રસ્તો સીસ્ટાર S50 (Seestar S50) જેવા ઓટોમેટિક સ્માર્ટ ટેલિસ્કોપ છે. અહેવાલો મુજબ, તેમાં માત્ર 10-સેકન્ડના એક્સપોઝર મોડમાં લગભગ 2 કલાકનો ડેટા ભેગો કરીને આ સુપરનોવાની ખૂબ જ સ્પષ્ટ અને અદ્ભુત તસવીર મેળવી શકાય છે.

તારાનું વર્તમાન અસ્તિત્વ શું હશે?

જે તારો આપણને હાલમાં દેખાઈ રહ્યો છે, તેનું અસ્તિત્વ વર્તમાનમાં તો સાવ મટી ગયું હશે. કેમ?
અંતરિક્ષમાં જોવું એટલે ખરેખર તો ભૂતકાળમાં જોવું. પ્રકાશ દર સેકન્ડે આશરે 3 લાખ કિલોમીટરની ગતિથી પ્રવાસ કરે છે. એ હિસાબે જોઈએ તો પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે તેને એક 'પ્રકાશવર્ષ' કહેવાય. હાલ NGC 7331 ગેલેક્સી પૃથ્વીથી 4.5 કરોડ પ્રકાશવર્ષ દૂર દેખાઈ રહી છે, એનો અર્થ એ થાય કે ત્યાં થયેલા વિસ્ફોટના પ્રકાશને આપણી પૃથ્વી સુધી પહોંચવા માટે 4.5 કરોડ વર્ષનો સમય લાગ્યો છે.

તેનો અર્થ એ છે કે આ તારાનો મહાવિસ્ફોટ અત્યારે નથી થયો, પરંતુ 4.5 કરોડ વર્ષ પહેલાં જ થઈ ચૂક્યો છે. એ સમયે તો પૃથ્વી પર માનવ જાતિનું અસ્તિત્વ પણ ન હતું! આજે આપણે આકાશમાં જે 'નવો' સુપરનોવા જોઈ રહ્યા છીએ, તે ખરેખર 4.5 કરોડ વર્ષ જૂનો પ્રકાશ છે જે આટલી લાંબી સફર ખેડીને આજે આપણા ટેલિસ્કોપ સુધી પહોંચ્યો છે.