Explainer: ભારતમાં UPI ક્રાંતિના 10 વર્ષની રોમાંચક સફર, જાણો કોણે કરી ડિજિટલ પેમેન્ટની શોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

10 Years of UPI in India : એક સમયે ઘરની બહાર નીકળતી વખતે ખિસ્સામાં પૂરતી રોકડ છે કે નહીં તે તપાસવું પડતું હતું. શાકભાજી લેવા જઈએ, ટપરી પર ચા પીવા જઈએ કે પછી કોઈ મોટા મૉલમાં શોપિંગ કરતા હોઈએ, છૂટા પૈસા માટેની રકઝક રોજિંદી વાત હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પાનની નાની દુકાન હોય કે ફાઇવ-સ્ટાર હોટલ, ગ્રાહક માત્ર પોતાનો મોબાઇલ કાઢે છે, QR કોડ સ્કેન કરે છે અને સેકન્ડોમાં જ પેમેન્ટ પૂરું થઈ જાય છે! આ જાદુ છે ભારતના ડિજિટલ બ્રહ્માસ્ત્ર એટલે કે UPI(Unified Payments Interface)નો.
આજે, 25 ઑગસ્ટ 2026ના રોજ, UPIની શાનદાર સફરને 10 વર્ષ પૂર્ણ થયા છે. જે શરૂઆત એક નાના પ્રયોગ તરીકે થઈ હતી, તે આજે ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે. તો ચાલો, આ 10મી વર્ષગાંઠ નિમિત્તે જાણીએ કે આખી સિસ્ટમનો જન્મ કેવી રીતે થયો, તે શા માટે જરૂરી હતી, અને તે ખરેખર કેવી રીતે કામ કરે છે.
UPI શું છે?
UPI એટલે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payments Interface). સરળ ભાષામાં કહીએ તો તે એક એવી આધુનિક અને સુરક્ષિત ટૅક્નોલૉજી છે જે તમારા મોબાઇલ ફોન અને બૅંક એકાઉન્ટ વચ્ચેનો પુલ બને છે. તેને 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિય (NPCI) દ્વારા બનાવવામાં આવી હતી. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) ની દેખરેખ હેઠળ ચાલતી આ સિસ્ટમ દ્વારા તમે કોઈપણ વ્યક્તિના મોબાઈલ નંબર, UPI ID અથવા QR કોડની મદદથી તમારા બૅંક એકાઉન્ટમાંથી સીધા જ તેમના બૅંક એકાઉન્ટમાં પૈસા મોકલી શકો છો અને તે પણ એક પણ રૂપિયાના વધારાના ચાર્જ વિના!
UPIનો વિચાર ક્યાંથી આવ્યો, તેની જરૂર કેમ પડી?
UPI પહેલાં પણ ભારતમાં નેટબેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, NEFT, RTGS અને IMPS જેવી સુવિધાઓ તો હતી જ. તો પછી નવી સિસ્ટમ લાવવાની જરૂર કેમ પડી? જૂની પદ્ધતિઓની કેટલીક મુશ્કેલીઓ પર નજર કરીએ.
- સમયનો બગાડ: નેટ બેન્કિંગમાં કોઈને પૈસા મોકલવા માટે પહેલા તેમનો બૅંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ નાખીને તેમને 'Beneficiary' (લાભાર્થી) તરીકે ઉમેરવા પડતા હતા. આ પ્રક્રિયામાં બૅંક મંજૂરી આપે ત્યાં સુધી કલાકો (ઘણીવાર 24 કલાક) રાહ જોવી પડતી હતી.
- કાર્ડનું જોખમ: દુકાનોમાં કાર્ડ સ્વાઇપ કરવાથી કાર્ડ ક્લોનિંગ (ડેટા ચોરી) જેવી છેતરપિંડીનો ડર રહેતો હતો. વળી, જો કાર્ડ ઘરે ભૂલી ગયા હોઈએ તો પેમેન્ટ અટકી જતું.
- જટિલ માહિતી: સામાન્ય માણસ માટે વારંવાર લાંબા એકાઉન્ટ નંબર અને IFSC કોડ યાદ રાખવા કે ટાઇપ કરવા અઘરા હતા.
આ બધી સમસ્યાઓના ઉકેલ માટે NPCIએ એવો વિચાર કર્યો કે કોઈ એવી સિસ્ટમ હોવી જોઈએ જ્યાં બૅંકની વિગતો આપ્યા વિના માત્ર એક વર્ચ્યુઅલ આઇડી(Virtual ID) દ્વારા પેમેન્ટ થઈ શકે. અને આમ, મોબાઇલ નંબર આધારિત UPI પેમેન્ટ સિસ્ટમનો જન્મ થયો.
પહેલી UPI ચૂકવણી કોણે અને ક્યારે કરી?
કોઈપણ ઐતિહાસિક સિસ્ટમની શરૂઆત ખૂબ જ ખાસ હોય છે. 11 એપ્રિલ, 2016ના રોજ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)ના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)ના તત્કાલીન MD અને CEO એ.પી. હોતાને પ્રથમ UPI ચૂકવણી કરી હતી. આ સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં ₹5000 મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઑગસ્ટ 2016માં તેને સામાન્ય જનતા અને બૅંકો માટે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું.
UPI પેમેન્ટ પાછળ કઈ ટૅક્નોલૉજી કામ કરે છે?
તમે Paytm, PhonePe, Google Pay કે BHIM જેવી એપમાં PIN નાખીને 'Send' બટન દબાવો છો અને બીજી જ સેકન્ડે સામેવાળાના ખાતામાં પૈસા જમા થઈ જાય છે, એ કોઈ જાદુ નથી, પરંતુ ખૂબ જ શક્તિશાળી આર્કિટેક્ચરનું પરિણામ છે.
- UPI સંપૂર્ણપણે IMPS (Immediate Payment Service) ટૅક્નોલૉજીના પાયા પર કામ કરે છે. IMPS 24x7 કામ કરે છે. રવિવાર અને તહેવારોના દિવસે પણ. જ્યારે તમે UPI એપ ડાઉનલોડ કરીને તમારો નંબર વેરિફાય કરો છો, ત્યારે તમારું એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) અથવા UPI ID બને છે. જેમ કે તમારોનંબર@બૅંક. જ્યારે તમે સ્કેન કરીને PIN દાખલ કરો છો ત્યારે શું બને છે?
- તમારી બૅંક (Sender's Bank) તરત જ ખાતરી કરે છે કે તમારા ખાતામાં પૂરતા પૈસા છે કે નહીં.
- NPCIનું સિસ્ટમ સર્વર સુરક્ષિત રીતે આ રિક્વેસ્ટ સામેવાળી વ્યક્તિની બૅંક(Receiver's Bank)ને મોકલે છે.
- આંખના પલકારામાં પૈસા તમારા ખાતામાંથી ડેબિટ થઈને સીધા સામેવાળાના ખાતામાં ક્રેડિટ થઈ જાય છે.
આ ‘Push-Pull’ મોડલ એટલું સુરક્ષિત છે કે તમારે તમારી બૅંકની ગુપ્ત વિગતો કોઈની સાથે શેર કરવી પડતી નથી.
10 વર્ષનો માઇલસ્ટોન પાર કર્યો
25 ઑગસ્ટ 2016થી 25 ઑગસ્ટ 2026 સુધીના આ 10 વર્ષના સમયગાળામાં UPI એ અકલ્પનીય વૃદ્ધિ હાંસલ કરી છે. આજના 10 વર્ષના ઐતિહાસિક માઇલસ્ટોન પર, ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને તેમના રોજિંદા જીવનમાં આવેલી ડિજિટલ ક્રાંતિની ઉજવણી કરવા અપીલ કરી છે. UPI સંબંધિત થોડા આંકડાઓ પર નજર કરીએ.
- ભારતમાં દરરોજ સરેરાશ 66 કરોડથી વધુ UPI પેમેન્ટ થાય છે.
- UPI દર મહિને લગભગ ₹29.88 લાખ કરોડના વ્યવહારોનું સંચાલન કરે છે.
- 2016-17ના વર્ષમાં માત્ર 1.78 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે આજે વાર્ષિક 24162 કરોડના વિશાળ આંકડાને પાર કરી ગયા છે!
ગ્લોબલ બની રહ્યું છે ભારતનું UPI
ભારતની ગલીઓ અને ગામડાઓમાં સફળ થયા પછી, હવે UPI દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યું છે. NPCIની આંતરરાષ્ટ્રીય શાખા(NIPL)ના પ્રયાસોથી આજે વિશ્વના 11 દેશો એ ભારતની આ પેમેન્ટ સિસ્ટમને અપનાવી છે. હવે ભારતીયો વિદેશમાં જઈને પણ સરળતાથી QR સ્કેન કરી શકે છે. આ 11 દેશોની યાદી નીચે મુજબ છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE), ફ્રાન્સ, ભુતાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપોર, મોરેશિયસ, કતાર, કંબોડિયા, ગ્રીસ અને માલદીવ્સ
UPIની અત્યાધુનિક સુવિધાઓ
- UPI Lite અને Offline Payment: તમે PhonePe, Google Pay અને Paytm જેવી એપ્સમાં 'UPI Lite' વોલેટ એક્ટિવેટ કરીને ₹500 સુધીના પેમેન્ટ્સ PIN દાખલ કર્યા વિના એકદમ ઝડપથી કરી શકો છો. આ ઉપરાંત, 'UPI Lite X'ની મદદથી જો તમારા ફોનમાં ઇન્ટરનેટ ન હોય, તો પણ NFC (Near Field Communication) ટૅક્નોલૉજી દ્વારા ઓફલાઇન પેમેન્ટ કરી શકાય છે.
- ક્રેડિટ લાઇન ઓન UPI (Credit Line on UPI): હવે બૅંક ખાતામાં પૈસા ન હોય તો પણ ગ્રાહકો બૅંક દ્વારા અગાઉથી મંજૂર થયેલી 'ક્રેડિટ લિમિટ' નો ઉપયોગ કરીને સીધું UPI પેમેન્ટ કરી શકે છે.
- વોઇસ પેમેન્ટ્સ (Hello! UPI): AIની મદદથી માત્ર બોલીને (Voice Command દ્વારા) પેમેન્ટ કરવાની નવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
સુરક્ષા અને સાવચેતીનું શું?
- પૈસા મેળવવા માટે PINની જરૂર નથી: તમારા ખાતામાં પૈસા રિસીવ કરવા માટે ક્યારેય PIN દાખલ કરવો પડતો નથી; PIN માત્ર પૈસા મોકલવા માટે જ વપરાય છે.
- અજાણી લિંક્સ: SMS કે વોટ્સએપ પર આવતી અજાણી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરવાનું ટાળવું.
ટ્રાન્ઝેક્શન લિમિટ્સ એટલે કે વ્યવહારની મર્યાદા
- સામાન્ય રીતે દૈનિક UPI ટ્રાન્ઝેક્શન લિમિટ ₹1 લાખ હોય છે.
- જો કે, હૉસ્પિટલના બિલ ચૂકવવા, શૈક્ષણિક સંસ્થાઓની ફી ભરવા અથવા IPOમાં રોકાણ કરવા માટે આ લિમિટ વધારીને ₹5 લાખ સુધી કરાઈ છે.
'કેશલેસ ઇન્ડિયા'નું સપનું UPI થકી સાકાર
છેલ્લા એક દાયકામાં UPI એ માત્ર ભારતના અર્થતંત્રને જ ઝડપી નથી બનાવ્યું, પરંતુ નાના શાકભાજીવાળાથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામને એક સમાન ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી દીધા છે. 'કેશલેસ ઇન્ડિયા' (Cashless India) નું સપનું જે 10 વર્ષ પહેલાં અશક્ય લાગતું હતું, તે આજે UPI થકી સાકાર થઈ ચૂક્યું છે.




