India

મોંઘીદાટ દવાઓ ફાર્મા કંપનીઓની ઊઘાડી લૂંટ : સુપ્રીમ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓના ભાવ વધારા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કોર્ટે જણાવ્યું કે ₹2700ની દવા ₹27000માં વેચાઈ રહી છે, જે દર્દીઓ સાથે ખુલ્લી લૂંટ છે. આયુષ્યમાન કાર્ડ હેઠળની સારવારમાં પણ હોસ્પિટલો દ્વારા થતી છેતરપિંડી અને કરદાતાઓના પૈસાના દુરુપયોગ અંગે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી 29મીએ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘીદાટ દવાઓ ફાર્મા કંપનીઓની ઊઘાડી લૂંટ : સુપ્રીમ
  • લોકો સારવાર માટે પોતાના ઘર-ઘરેણા વેચે છે, તેમની સાથેની છેતરપિંડી કેમ ચલાવી લેવાય?
  • કેન્સરની રૂ.૨૭૦૦ની દવાના ૧૦ ગણા ૨૭૦૦૦ ભાવ, આવી ખંડણી ઉઘરાવાય છતાં સરકારનું ભેદી મૌન આશ્ચર્ય અને આઘાતજનક : સુપ્રીમની ફટકાર
  • આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવારમાં ફ્રોડ, હોસ્પિટલો મોંઘી દવા લઇ સરકાર પાસેથી જે રૂપિયા વસુલે છે તે કરદાતાના છે : સુપ્રીમ

નવી દિલ્હી : કેન્સરની દવાઓના મોંઘા ભાવોને લઇને સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સુપ્રીમે કહ્યું હતું કે આ તો દર્દીઓ પાસેથી ધોળા દિવસે થતી ઉઘાડી લૂંટ છે. કેન્સર સામેની એક દવા રિટેલર્સને ૨૭૦૦ રૂપિયામાં પુરી પડાય છે જ્યારે તેનો વેચાણભાવ એટલે કે એમઆરપી ૨૭,૦૦૦ રૂપિયા છે. દર્દીઓને ખુલ્લેઆમ ફાર્મા કંપનીઓ અને વેચાણકર્તાઓ દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત છે કે આ મુદ્દે કાર્યવાહી કરવાના બદલે પ્રશાસન મૌન છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મેહતાની બેંચ સમક્ષ બે અરજીઓ સુનાવણી માટે આવી હતી, આ અરજીઓમાં એવી માગ કરવામાં આવી હતી કે દવાઓના ભાવ પર આકરી રીતે કન્ટ્રોલ રાખવા માટે પ્રશાસનને આદેશ આપવામાં આવે, આ ઉપરાંત પણ દવાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા. રજુ કરાયેલા પુરાવાઓ પર ધ્યાન જતા સુપ્રીમે આઘાત વ્યક્ત કર્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે કેન્સરને ઠીક કરવા માટે જરૂરી દવાઓ રિટેલરને અપાય છે તેના દસગણા વધુ ભાવથી દર્દીઓને વેચાય છે. આ દવાની પ્રાઇસ ટુ રિટેલર (પીટીઆર) ૨૭૦૦ હતી જ્યારે તેની એમઆરપી એટલે કે વેચાણ ભાવ રૂ. ૨૭૦૦૦ છે. સુપ્રીમે વધુ આકરા શબ્દોમાં કહ્યું હતું કે દવાનો ભાવ ૧૦ ગણો વધુ છે, આ ખંડણી નથી તો શું છે? લોકો સારવાર લેવા માટે પોતાના ઘર, ઘરેણા વેચવા મજબુર થતા હોય છે. આટલી મોંઘી દવાઓ દર્દીઓ સાથે ધોળા દિવસે થતી લૂંટ છે.
દર્દીઓની સાથે આ રીતે છેતરપિંડી કેમ ચલાવી લેવાય? આશ્ચર્યની વાત છે કે જે જવાબદાર અધિકારીઓ કે પ્રશાસને આ મુદ્દે કાર્યવાહી કરવી જોઇએ તે મૌન છે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે કહ્યું હતું કે સરકાર આ અરજીને તેની વિરુદ્ધની હોવા તરીકે નહોતી લઇ રહી. ભાવ નક્કી કરવા અત્યંત મહત્વપૂર્ણ મામલો છે. આ મામલે હવે ૨૯મીએ વધુ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમે કેન્દ્ર સરકારની મફત સારવાર માટેની યોજના આયુષ્યમાન ભારત સ્કીમને લઇને પણ આકરા શબ્દો પ્રયોગ કર્યા હતા, સુપ્રીમે કહ્યું હતું કે જ્યારે કોઇ દર્દી આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર લે છે ત્યારે તેનો તમામ ખર્ચો કરદાતાઓ ચુકવતા હોય છે.
હોસ્પિટલો મોંઘાભાવે દવાઓ ખરીદે છે અને બાદમાં સરકાર પાસેથી મોટી રકમ વસુલે છે. આ રકમ કરદાતાઓની હોય છે. આ તો સ્પષ્ટ રીતે એક ફ્રોડનો કેસ છે. સુપ્રીમ કોર્ટે હાલ આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.