Get The App

Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો 1 - image

Exit Poll 2026 Live Updates: Exit Poll 2026: પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબ્બકા પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ જાહેર થયા છે. જે મતદાન પછી જનતાના વલણની અંદાજિત તસવીર રજૂ કરે છે. જો કે અંતિમ પરિણામો 4 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

Exit Poll 2026 Updates


પશ્ચિમ બંગાળ (કુલ બેઠકો 294, બહુમત 148)

5 પોલમાં ભાજપની જીત તો એકમાં TMC સરકાર

પશ્ચિમ બંગાળ: અત્યાર સુધીના કુલ 6 મુખ્ય એક્ઝિટ પોલમાંથી 5 એજન્સીઓ (P-MARQ, Matrize, Chanakya, પોલ ડાયરી અને પ્રજા પોલ) બંગાળમાં ભાજપની સરકાર બનવાના સંકેત આપી રહી છે. માત્ર Peoples Pulse એકમાત્ર એવી એજન્સી છે જે TMC ની પ્રચંડ જીતનો દાવો કરી રહી છે.

Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો 2 - image

1. P-MARQ, ભાજપને બહુમત

P-MARQના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જણાય છે, જેમાં ભાજપને 150થી 175 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ, સત્તારૂઢ TMC+ ને 118થી 138 બેઠકો સાથે હારનો સામનો કરવો પડી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોનું ખાતું પણ ખૂલતું દેખાતું નથી.

2. Matrize, ભાજપને બહુમત

Matrizeના સર્વે અનુસાર બંગાળમાં રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ 146થી 161 બેઠકો મેળવી બહુમતીના આંકડાને સ્પર્શી શકે છે. TMC+ને આ સર્વેમાં 125થી 140 બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીથી થોડી દૂર છે. આ એક્ઝિટ પોલમાં અન્યના ફાળે 6થી 10 બેઠકો જઈ શકે છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ શૂન્ય પર રહી શકે છે.

3. Peoples Pulse, TMC એટલે કે મમતા બેનર્જીની સરકાર

Peoples Pulseનો એક્ઝિટ પોલ અન્ય કરતાં સાવ ઉલટું ચિત્ર રજૂ કરે છે, જેમાં મમતા બેનર્જીની TMC+ ને 178થી 189 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળતી દેખાય છે. આ સર્વેમાં ભાજપને મોટો ફટકો પડતાં તે 95થી 110 બેઠકો પર સમેટાઈ શકે છે. કોંગ્રેસને 1-3 બેઠકો અને ડાબેરીઓને 0-1 બેઠક મળવાની શક્યતા આ સર્વેમાં દર્શાવવામાં આવી છે.

4: Chanakya Strategies, પરિવર્તનના સંકેતો

Chanakya Strategiesના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે, જેમાં ભાજપને 150-160 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. સત્તારૂઢ TMC+ આ સર્વે મુજબ 130-140 બેઠકો પર સમેટાઈ શકે છે, જે બહુમતીના આંકડા(148)થી થોડી દૂર છે. અન્યના ફાળે 6-10 બેઠકો જવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓને એક પણ બેઠક મળતી જણાતી નથી.

5: પોલ ડાયરી, ભાજપ મજબૂત સ્થિતિમાં

પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ સર્વેમાં ભાજપને 142 થી 171 બેઠકો મળવાનું અનુમાન છે, બીજી તરફ, સત્તારૂઢ TMC ને 99 થી 127 બેઠકો વચ્ચે મળી શકે છે.

6: પ્રજા પોલ, ભાજપ આવે છે!

પ્રજા પોલનું અનુમાન ભાજપ માટે સૌથી વધુ ઉત્સાહજનક છે. આ સર્વે મુજબ રાજ્યમાં સત્તા પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, જેમાં ભાજપને 178 થી 200 બેઠકો મળવાની અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. તેનાથી વિપરીત, TMC માત્ર 85 થી 110 બેઠકો પર સમેટાઈ શકે છે.

આસામ (કુલ બેઠકો-126, બહુમતી 64), ફરીથી ભાજપની બમ્પર જીતનું અનુમાન 

Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો 3 - image

-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ આસામમાં ફરી એકવાર ભાજપ ગઠબંધન (NDA) સરકાર બનાવતું દેખાય છે, જેમાં તેમને 88 થી 100 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ, કોંગ્રેસ પ્લસ (INC+) ને 24 થી 36 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યના ફાળે માત્ર 0 થી 3 બેઠકો જવાની શક્યતા છે.

-મેટ્રિઝ એજન્સીના સર્વે અનુસાર પણ રાજ્યમાં NDAનો દબદબો જળવાયેલો જોવા મળે છે અને તેમને 85 થી 95 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસ ગઠબંધનને અહીં 25 થી 32 બેઠકો મળી શકે છે, જ્યારે AIUDFનું ખાતું ખૂલવાની શક્યતા નથી અને અન્યને 6 થી 12 બેઠકો મળી શકે છે.

-પીપલ્સ પલ્સના આંકડા અન્ય એજન્સીઓની સરખામણીએ થોડા અલગ છે, જેમાં NDA ને 68 થી 72 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્લસને 22 થી 26 બેઠકો અને AIUDF ને 3 થી 5 બેઠકો મળવાની શક્યતા આ એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી છે.

-પી-માર્કના એક્ઝિટ પોલ અનુસાર આસામમાં સત્તાધારી NDA ગઠબંધન 82 થી 94 બેઠકો મેળવીને બહુમતીના આંકડાને સરળતાથી વટાવી શકે છે. વિપક્ષી કોંગ્રેસ ગઠબંધનને 30 થી 40 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્ય ઉમેદવારોના ફાળે 1 થી 5 બેઠકો જઈ શકે છે.

-પોલ ડાયરીના સર્વે મુજબ NDA ને મહત્તમ 101 બેઠકો સુધીની મોટી જીત મળી શકે છે, તેમનું અનુમાન 86 થી 101 બેઠકોનું છે. આ પોલમાં કોંગ્રેસને 15 થી 26, AIUDF ને 2 થી 5 અને અન્ય પક્ષોને 0 થી 2 બેઠકો મળવાનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે.

-જેવીસીના એક્ઝિટ પોલના આંકડા પણ ભાજપ પ્રેરિત NDAની તરફેણમાં છે, જેમાં તેમને 88 થી 101 બેઠકો મળતી દેખાય છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 23 થી 33 બેઠકો પર સમેટાઈ શકે છે અને AIUDF ને 2 થી 5 બેઠકો મળવાનું અનુમાન છે.

તમિલનાડુ એક્ઝિટ પોલ (કુલ બેઠકો: 234, બહુમતી, 118)

Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો 4 - image

કઈ એજન્સી કોને આપી રહી છે કેટલી બેઠકો?

-એક્સિસ માય ઇન્ડિયાના સર્વે મુજબ તમિલનાડુમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ એજન્સીએ TVK ને સૌથી વધુ 98-120 બેઠકો સાથે સરસાઈ આપી છે, જ્યારે DMK-INC+ ને 92-110 બેઠકો મળવાનું અનુમાન છે. NDA આ રેસમાં 22-32 બેઠકો સાથે ત્રીજા ક્રમે રહે તેવી શક્યતા છે. બહુમતી માટે 118 બેઠકોની જરૂર પડશે માટે સર્વે મુજબ બેઠકોમાં થોડા અંશે કોઈ ફેરફાર થાય તો ટેકાની સરકાર પણ બની શકે છે.

-મેટ્રિઝના એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં ફરી એકવાર DMK-INC+ ગઠબંધન 122-132 બેઠકો સાથે સત્તા જાળવી રાખશે. આ સર્વેમાં NDAને 87-100 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ટીવીકે (TVK) માત્ર 10-12 બેઠકો પર સમેટાઈ જાય તેવું અનુમાન છે.

-પી-માર્ક એજન્સીના મતે તમિલનાડુમાં DMK-INC+ નો દબદબો કાયમ રહેશે અને તેમને 125-145 બેઠકો મળી શકે છે. ભાજપ પ્રેરિત NDAને અહીં 65-85 બેઠકો મળવાની શક્યતા છે. TVK માટે આ સર્વેમાં 16-26 બેઠકોનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

-પીપલ્સ પલ્સના આંકડા પણ સત્તાધારી પક્ષના પક્ષમાં ઝૂકતા જોવા મળી રહ્યા છે, જેમાં DMK-INC+ ને 125-145 બેઠકો મળવાની શક્યતા છે. આ સર્વે અનુસાર NDA ને 65-80 બેઠકો અને TVK ને 18-24 બેઠકો ફાળે જઈ શકે છે. અન્યના ખાતામાં 2-6 બેઠકો જવાની શક્યતા છે.

-જેવીસી એજન્સીના એક્ઝિટ પોલે બધાને ચોંકાવતા NDA ને 128-147 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન કર્યું છે. આ સર્વે મુજબ DMK-INC+ ગઠબંધન 75-95 બેઠકો પર ફેંકાઈ શકે છે. TVK ને અહીં માત્ર 8-15 બેઠકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

-કામાખ્યા એનાલિટિક્સના સર્વેમાં રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં DMK-INC+ ને 78-95 બેઠકો મળવાનું અનુમાન છે. NDA ને 68-84 બેઠકો અને TVK ને પણ 67-81 બેઠકો મળવાની ધારણા છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કોઈ પણ પક્ષ માટે બહુમતીનો માર્ગ સરળ નથી.

કેરલમ એક્ઝિટ પોલ( કુલ બેઠકો: 140, બહુમત: 71)

Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો 5 - image

-Matrizeના એક્ઝિટ પોલ અનુસાર, કેરલમમાં રસાકસીનો જંગ જોવા મળી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસ ગઠબંધન INC+ ને 70-75 બેઠકો સાથે બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે સત્તારૂઢ LEFT+ ને 60-65 બેઠકો મળવાનું અનુમાન છે. આ સિવાય ભાજપનું ખાતું ખૂલવાની શક્યતા નહિવત છે અને અન્યના ફાળે 05-09 બેઠકો જઈ શકે છે.

-Chanakya Strategies મુજબ, કોંગ્રેસ ગઠબંધન (INC+) સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે, તેમને 72-80 બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ LEFT+ ને 58-64 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. આ એજન્સીએ ભાજપને શૂન્ય અને અન્યને 03-07 બેઠકો ફાળવી છે.

-Peoples Pulseના સર્વેમાં INC+ માટે સ્થિતિ વધુ મજબૂત દેખાઈ રહી છે, જ્યાં તેમને 75-85 બેઠકો મળવાનો અંદાજ છે. LEFT+ ને અહીં 55-65 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. નોંધનીય છે કે આ સર્વેમાં ભાજપને 00-03 બેઠકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્યને કોઈ બેઠક ફાળવી નથી.

-Axis My India ના આંકડા મુજબ  કોંગ્રેસ ગઠબંધન (INC+) મોટો ઉલટફેર કરી શકે છે અને તેમને 78-90 જેટલી મોટી સંખ્યામાં બેઠકો મળી શકે છે. તેની સામે LEFT+ ગઠબંધન 49-62 બેઠકો પર સમેટાઈ જાય તેવી શક્યતા છે. આ સર્વે પણ ભાજપને 00-03 બેઠકોની આશા આપી રહ્યો છે.

-તમામ એજન્સીઓના સરેરાશ એટલે કે 'પોલ ઓફ પોલ્સ' પર નજર કરીએ તો, કેરલમમાં કોંગ્રેસ INC+ 74-82 બેઠકો સાથે સરકાર બનાવતી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે. LEFT+ ને 55-64 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 0-3 અને અન્ય પક્ષોને 4-8 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

પુડુચેરી એક્ઝિટ પોલ (કુલ 30 બેઠકો, બહુમતી 16 બેઠકો)

Exit Poll 2026: બંગાળમાં ભાજપ આવે છે! છ માંથી એક જ પોલમાં તૃણમૂલને બહુમતી, આસામમાં કોંગ્રેસને ઝટકો 6 - image

-કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રજા પોલ સર્વે મુજબ, BJP+ ગઠબંધનને 19 થી 25 બેઠકો મળી શકે છે, જે બહુમતીના આંકડા કરતા ઘણી વધારે છે. જ્યારે કોંગ્રેસ પ્લસ (INC+) ને માત્ર 06 થી 08 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર પુડુચેરીમાં રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે. આ એજન્સીએ BJP+ને 16 થી 20 બેઠકો મળવાનો અંદેશો લગાવ્યો છે, બીજી તરફ કોંગ્રેસ ગઠબંધનને 06 થી 08 બેઠકો અને અન્યના ફાળે 03 થી 07 બેઠકો જઈ શકે છે. સર્વે કરતાં પરિણામ વખતે બેઠકમાં જો કોઈ વધઘટ થાય તો અન્ય સાથે ટેકાની સરકાર પણ બની શકે છે.

પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો તબક્કો: 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં આજે મતદાનના બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાઓની વાત કરીએ તો હુગલીમાં 90.34%, હાવડામાં 89.44%, કોલકાતા નોર્થમાં 87.77% અને કોલકાતા સાઉથમાં 86.11% મતદાન થયું હતું. જ્યારે નાદિયામાં 90.28%, નોર્થ 24 પરગણામાં 89.74%, પૂર્વ બર્ધમાનમાં સૌથી વધુ 92.46% અને સાઉથ 24 પરગણામાં 89.57% વોટિંગ નોંધાયું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠક ભવાનીપુરમાં 85.51% મતદાન થયું હતું. મહત્ત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 92.72 ટકા મતદાન થયું હતું.

કેવી રીતે થાય છે એક્ઝિટ પોલ એનાલિસિસ?

એક્ઝિટ પોલ, મતદાન મથકોની બહાર વ્યવસ્થિત ફિલ્ડ સર્વે દ્વારા કરવામાં આવે છે, જ્યાં પ્રશિક્ષિત ટીમો નક્કી કરેલા પ્રશ્નોની મદદથી લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સેમ્પલિંગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય, જેથી દરેકનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનું પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી બેઠકોની સંખ્યા અને મતદાનના વલણોનો અંદાજ લગાવી શકાય. આ જ દરેક એજન્સીના અનુમાનનો આધાર બને છે.

એક્ઝિટ પોલ માત્ર અનુમાન, અંતિમ પરિણામ નથી

એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો 4 મેના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી નિર્ણય મતગણતરી પછી જ સામે આવે છે.

પશ્ચિમ બંગાળ, કુલ 294 વિધાનસભા બેઠકો, બહુમતી માટે 148 બેઠકોની હોય છે જરૂર

જો બેઠકોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 148 બેઠકોની જરૂર હોય છે.

પશ્ચિમ બંગાળ: 2021 વિધાનસભા ચૂંટણીમાં શું રહ્યા હતા પરિણામો?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં કુલ 294 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસે(TMC) શાનદાર જીત મેળવી હતી. પાર્ટીએ 213 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સરકાર બનાવી અને રાજ્યના રાજકારણમાં પોતાની મજબૂત પકડ બતાવી દીધી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી દળ તરીકે ઉભરી આવી. ભાજપે 77 બેઠકો પર જીત નોંધાવી, જે તેના માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી. ગત વર્ષ 2021માં તમામ એક્ઝિટ પોલ એજન્સીઓના આંકડા પરિણામની સરખામણીએ ખોટા પડ્યા હતા.