EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO News : દેશભરના કરોડો નોકરીયાત લોકો છેલ્લા લાંબા સમયથી કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માટે ફરજિયાત વેતન મર્યાદા (Wage Ceiling) વધારવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દો સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે જોરશોરથી ગુંજ્યો હતો. સંસદમાં બે સાંસદોએ સરકારને સવાલ કર્યો હતો કે, શું સરકાર ખરેખર EPFની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરવા માટે કોઇ યોજના બનાવી રહી છે? આ સવાલ પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ
સંસદ સત્ર દરમિયાન સાંસદોના સવાલ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપતા કહ્યું કે, વેતન મર્યાદામાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરતાં પહેલાં વ્યાપક સ્તર પર ચર્ચા-વિચારણા કરવી જરૂરી છે. EPFO હેઠળ કવરેજ માટે વેતન મર્યાદા વધારવાનો નિર્ણય તમામ હિતધારકો (Stakeholders) સાથે લાંબી ચર્ચા કર્યા પછી જ લેવામાં આવે છે.
હિતધારકોમાં કોનો સમાવેશ થાય છે?
આ હિતધારકોમાં કર્મચારી યુનિયન (Employee Unions) અને ઉદ્યોગ સંગઠનો (Industry Associations) બંનેનો સમાવેશ થાય છે. સરકારે તર્ક આપ્યો કે, આ નિર્ણય એકતરફી રીતે લઈ શકાય નહીં, કારણ કે તેના બે મોટા આર્થિક પાસાઓ છે.
1. જો મર્યાદા વધારવામાં આવે તો PFનો હિસ્સો વધુ કપાશે, જેના કારણે કર્મચારીઓની ‘ટેક-હોમ સેલરી’ (હાથમાં આવતો પગાર) ઓછી થઈ શકે છે.
2. એમ્પ્લોયર્સ (Employers) પર પણ કર્મચારીઓને કામ પર રાખવાનો ખર્ચ (Hiring Cost) વધશે.
આ કારણોસર સરકાર અત્યારે આ માંગ પર હા પણ નથી કહી રહી અને ના પણ નથી કહી રહી, પરંતુ આ મુદ્દાને ચર્ચાનો વિષય ગણાવી રહી છે.
EPF મર્યાદા છેલ્લે ક્યારે બદલાઈ હતી?
હાલમાં, જે કર્મચારીઓનો મૂળ પગાર (Basic Pay) 15,000 રૂપિયા સુધી છે, તેમના માટે EPFમાં યોગદાન ફરજિયાત છે. જો કોઇનો મૂળ પગાર આનાથી વધુ હોય અને તેણે 1 સપ્ટેમ્બર 2014 પછી નોકરી શરૂ કરી હોય તો તેના માટે આ યોગદાન વૈકલ્પિક છે. નોંધનીય છે કે, EPFના વેતન મર્યાદામાં છેલ્લો ફેરફાર વર્ષ 2014 માં કરવામાં આવ્યો હતો, જ્યારે વેતન મર્યાદા રૂપિયા 6,500થી વધારીને રૂપિયા 15,000 પ્રતિ માસ કરાઇ હતી.








