ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે...: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Emmanuel Macrons Hindi Farewell Message: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસના અંતિમ દિવસે એક ભાવુક અને યાદગાર ક્ષણ જોવા મળી હતી. પીએમ મોદી જ્યારે પોતાના મલ્ટી-સિટી પ્રવાસને પૂર્ણ કરીને રવાના થઈ રહ્યા હતા, ત્યારે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને તેમને સરપ્રાઇઝ આપતા ખાસ હિન્દી ભાષામાં વિદાય સંદેશ આપ્યો હતો. પીએમ મોદીનો આ પ્રવાસ નીસ(Nice) શહેરથી શરૂ થયો હતો, ત્યારબાદ તેઓ G7 સમિટ માટે એવિયન ગયા હતા અને છેલ્લે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા.
પ્રમુખ મેક્રોને હિન્દીમાં કહ્યું કે, 'પ્રિય મિત્ર નરેન્દ્ર, મને ખૂબ જ ખુશી થઈ આપનું નીસ, એવિયન અને પેરિસમાં સ્વાગત કરીને. ફ્રાન્સ અને ભારતની દોસ્તી અમર રહે.' આ આત્મીય સંદેશ બાદ મેક્રોને અંગ્રેજીમાં હસતા હસતા ઉમેર્યું કે, 'હું આશા રાખું છું કે મારી હિન્દી સાચી હશે. મારા પ્રિય નરેન્દ્ર મોદી, તમારી મિત્રતા માટે હું તમારો ખૂબ આભારી છું. ફ્રાન્સ તમને પ્રેમ કરે છે. દિલ્હી પાછા ફરતા પહેલા તમે પેરિસમાં આટલા બધા મિત્રો સાથે સમય વિતાવ્યો તે જોઈને મને આનંદ થયો.'
ભારત-ફ્રાન્સ વ્યૂહનીતિ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત બની
પીએમ મોદીના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેની 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' (વ્યૂહનીતિ) ને વધુ ઊંડી અને મજબૂત કરવાનો હતો, જેને આ વર્ષની શરૂઆતમાં જ ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવી છે. પ્રવાસના છેલ્લા દિવસે બંને નેતાઓએ પેરિસમાં આયોજિત યુરોપના સૌથી મોટા ટૅક્નોલૉજી અને સ્ટાર્ટ-અપ ઇવેન્ટ'VivaTech 2026'માં હાજરી આપી હતી. આ વર્ષે આ ઇવેન્ટમાં ભારત 'AI કન્ટ્રી પાર્ટનર' છે. બંને નેતાઓએ પ્રદર્શન પૅવેલિયનની મુલાકાત લીધી હતી, નવા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરી હતી અને એકબીજાને ગળે લગાડીને ઉષ્માભર્યું વલણ દર્શાવ્યું હતું.
પેરિસમાં ભારતીય સમુદાયને પીએમ મોદીનું સંબોધન
ફ્રાન્સથી રવાના થતાં પહેલાં પીએમ મોદીએ પેરિસમાં વસતા ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો અને ભારત અને ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રવાસી ભારતીયોને એક મજબૂત સ્તંભ ગણાવ્યા હતા. તેમણે છેલ્લા 12 વર્ષમાં ભારતે સાધેલી આર્થિક પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, 'છેલ્લા 12 વર્ષમાં ભારતની નિકાસમાં 35 ગણો વધારો થયો છે. દેશમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં 100 ગણો અદ્ભુત વિકાસ થયો છે, જેના કારણે ભારત આજે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બની ગયો છે. આ ઝડપી પ્રગતિના જોરે ભારત અત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.'
આ પણ વાંચો: ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વધારો
પીએમ મોદીએ સતત 12 વર્ષ સુધી દેશની સેવા કરવાની તક આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમણે ભાવુક થતા કહ્યું કે, 'આ ભારતની લોકશાહીની તાકાત છે કે જેણે એક ચા વેચનારને આ સ્થાન પર પહોંચાડ્યો છે. છેલ્લા 12 વર્ષ 1.4 અબજ ભારતીયોની અદ્ભુત ક્ષમતાના સાક્ષી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી (GDP) બમણો થયો છે, સાથે જ દેશમાં ઍરપૉર્ટ, યુનિવર્સિટીઓ અને હાઇવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વધારો થયો છે. એટલું જ નહીં, આ વિકાસના કારણે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં મોટી સફળતા મળી છે.'









