Explainer: ચૂંટણી પંચમાં સત્તાનું સંતુલન કેવી રીતે જળવાય છે? વિવાદ વચ્ચે જાણો બંધારણીય નિયમો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chief Election Commissioner Gyanesh Kumar Controversy: ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો કરોડરજ્જુ છે. પરંતુ જ્યારે આટલી મોટી સંસ્થા ચલાવનારા મુખ્ય અધિકારીઓ વચ્ચે જ કોઈ મુદ્દે મતભેદ ઊભો થાય ત્યારે શું થાય? સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે 'મુખ્ય ચૂંટણી કમિશનર' (CEC - Chief Election Commissioner) આ સંસ્થાના વડા હોવાથી તેમનો નિર્ણય અંતિમ અને સર્વોપરી હોય છે. પરંતુ શું ખરેખર એવું છે? શું CEC પાસે અન્ય બે ચૂંટણી કમિશનરોના મંતવ્યને રદ કરવાનો વીટો પાવર (Veto Power) છે? તાજેતરમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - મતદાર યાદી સુધારણા પ્રક્રિયા) કાર્યક્રમ મુદ્દે કમિશનરો વચ્ચે થયેલા કથિત મતભેદોના અહેવાલોએ આ ચર્ચાને વેગ આપ્યો છે. તો ચાલો, ભારતીય બંધારણ, નવો કાયદો અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ આ વિશે શું કહે છે તે સમજીએ.
વિવાદ શું છે?
તાજેતરમાં 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ ચૂંટણી પંચમાં SIR પ્રક્રિયાને લઈને એક આંતરિક વિવાદ સામે આવ્યો છે. અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે છેલ્લા 10 મહિનામાં અન્ય બે ચૂંટણી કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી) દ્વારા નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામો કમી કરવા અને સિસ્ટમના કેન્દ્રીકરણ જેવા નિર્ણયો સામે ઓછામાં ઓછા 14 વખત લેખિત વાંધા (અસંમતિ) નોંધાવવામાં આવ્યા હતા, કારણ કે તેમનું માનવું હતું કે કેટલાક નિર્ણયો તેમને જાણ કર્યા વિના લેવાયા હતા.
બંધારણ શું કહે છે?
ભારતીય બંધારણની કલમ 324એ ચૂંટણી પંચનો પાયો છે. આ કલમ મુજબ દેશમાં ચૂંટણીઓનું નિરીક્ષણ, નિર્દેશન અને નિયંત્રણ કરવાની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની છે.
- કલમ 324(1): ચૂંટણી પંચને ચૂંટણીઓનું નિરીક્ષણ, નિર્દેશન અને નિયંત્રણ આપે છે.
- કલમ 324(2): એવું જણાવે છે કે કમિશનમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો હશે. હાલમાં ભારતમાં 1 CEC અને 2 અન્ય ચૂંટણી કમિશનર છે.
- કલમ 324(3): મુજબ, CEC કમિશનના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.
અહીં નોંધવા જેવી બાબત એ છે કે, બંધારણ CECને અધ્યક્ષ તો બનાવે છે, પરંતુ એવું ક્યાંય નથી લખ્યું કે દરેક બાબતમાં માત્ર તેમનો જ નિર્ણય અંતિમ ગણાશે.
‘સમાન વચ્ચે પ્રથમ’ નો સિદ્ધાંત શું કહે છે?
કાયદાકીય ભાષામાં CEC ને ‘સમાન વચ્ચે પ્રથમ’ (First Among Equals) કહેવામાં આવે છે. એટલે કે તેઓ અધ્યક્ષ ચોક્કસ છે, પરંતુ તેઓ એકમાત્ર નિર્ણય લેનાર ‘વન-મેન આર્મી’ નથી. વર્ષ 2023માં બનાવવામાં આવેલા 'મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ' મુજબ, ચૂંટણી પંચનું કામ શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી થવું જોઈએ. પરંતુ જો ત્રણેય કમિશનરો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય, તો નિર્ણય બહુમતીના આધારે લેવામાં આવે છે.
- જો બે ચૂંટણી કમિશનર એક તરફ હોય અને CEC નો મત અલગ હોય, તો બહુમતી (બે કમિશનર) નો નિર્ણય માન્ય રહેશે. CEC તેને રદ કરી શકે નહીં.
- જો CEC અને એક કમિશનર સંમત હોય, તો તેમનો નિર્ણય માન્ય રહેશે.
આમ, ચૂંટણી પંચમાં અસંમતિ હોવી એ નિયમોની વિરુદ્ધ કે કોઈ બંધારણીય કટોકટી નથી, તે એક સામાન્ય પ્રક્રિયા છે.
1995નો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
1993માં જ્યારે ચૂંટણી પંચને બહુ-સભ્ય (એક કરતા વધુ સભ્યોવાળું) બનાવવામાં આવ્યું, ત્યારે તત્કાલીન CEC ટી.એન. શેષને આ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 1995માં સુપ્રીમ કોર્ટે બહુ-સભ્ય કમિશનને યોગ્ય ઠેરવ્યું અને નીચે મુજબની સ્પષ્ટતા કરી હતી.
- અન્ય ચૂંટણી કમિશનરો માત્ર CEC ના 'સલાહકારો' નથી, પણ નિર્ણય લેવામાં તેમની સમાન ભૂમિકા છે.
- જો CECના નિર્ણયને જ અંતિમ માનવામાં આવે, તો અન્ય કમિશનરોની ભૂમિકા માત્ર ‘સુશોભન’ સમાન બની જશે, જે બંધારણના ઘડવૈયાઓનો આશય નહોતો.
- કોર્ટે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી કે આવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ અહંકારનો ત્યાગ કરીને મતભેદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલશે.
CECનું પદ અન્ય કમિશનરોથી કેવી રીતે અલગ છે?
જો સત્તા સમાન છે, તો CECનું પદ અલગ કેવી રીતે? બંધારણની કલમ 324(5) CECને નોકરીની ખાસ સુરક્ષા આપે છે. CECને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ મહાભિયોગ પ્રક્રિયા દ્વારા હટાવી શકાય છે. જ્યારે અન્ય ચૂંટણી કમિશનરોને હટાવવા માટે CEC ની ભલામણ જરૂરી છે. આ રક્ષણને કારણે એવો ભ્રમ ઊભો થાય છે કે CEC સર્વોપરી છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં બધા સમાન જ છે.
તાજેતરના SIR વિવાદ બાબતે પંચની સ્પષ્ટતા
આ બાબતે ચૂંટણી પંચે સત્તાવાર સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કોઈ પણ જીવંત સંસ્થામાં ચર્ચા-વિચારણા દરમિયાન અલગ-અલગ મંતવ્યો હોવા સામાન્ય છે. પંચે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં 40 જેટલી નવી પહેલો શરૂ કરાઈ છે અને છેલ્લા એક વર્ષમાં લેવાયેલા તમામ અંતિમ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી જ લેવાયા છે.
ભારતના ત્રણ ઉચ્ચ ચૂંટણી અધિકારીઓનો ટૂંકો પરિચય
શ્રી જ્ઞાનેશ કુમાર (મુખ્ય ચૂંટણી કમિશનર)
જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે. તેમણે IIT કાનપુરમાંથી B.Tech કર્યું છે. કેન્દ્ર સરકારમાં ગૃહ મંત્રાલયમાં કામ કરતી વખતે તેમણે કલમ 370 નાબૂદ કરવાના બિલ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ માર્ચ 2024માં ચૂંટણી કમિશનર બન્યા અને ફેબ્રુઆરી 2025માં દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પ્રમોટ થયા. 2023ના નવા કાયદા હેઠળ નિમણૂક પામનાર તેઓ પ્રથમ CEC છે. તેમનો કાર્યકાળ 2029 સુધી રહેશે.
ડૉ. સુખબીર સિંહ સંધુ (ચૂંટણી કમિશનર)
માર્ચ 2024માં ચૂંટણી કમિશનર બનેલા ડૉ. સંધુ 1988 બેચના ઉત્તરાખંડ કેડરના IAS અધિકારી છે. તેમની પાસે MBBS અને ઇતિહાસમાં માસ્ટર્સ ડિગ્રી છે. તેઓ ઉત્તરાખંડના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે 'નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા'(NHAI)ના અધ્યક્ષ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી, જેમાં ટોલ માટે FASTag લાગુ કરવાનું શ્રેય તેમને જાય છે.
ડૉ. વિવેક જોશી (ચૂંટણી કમિશનર)
ફેબ્રુઆરી 2025 માં ચૂંટણી પંચમાં જોડાયેલા વિવેક જોશી 1989 બેચના હરિયાણા કેડરના IAS અધિકારી છે. તેમણે સ્વિટ્ઝર્લૅન્ડથી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં PhD કર્યું છે. ચૂંટણી પંચમાં આવતા પહેલા તેઓ હરિયાણાના મુખ્ય સચિવ હતા. આ ઉપરાંત તેમણે ભારત સરકારના નાણાં મંત્રાલય અને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના બોર્ડ મેમ્બર તરીકે પણ સેવાઓ આપી છે.




