અલ નીનો ગરમી વધારશે, વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : પ્રશાંત મહાસાગર પર વિકસી રહેલા અલ-નિનોથી દુનિયાએ સદીમાં સૌથી ખતરનાક ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વૈજ્ઞાાનિકો મુજબ પ્રશાંત મહાસાગરમાં બની રહેલું અલ-નિનો ૧૯મી સદી બાદ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અલ-નિનો બની શકે છે. તેનાથી દુનિયાનું સરેરાશ તાપમાન વધી શકે છે અને ૨૦૨૬ તથા ૨૦૨૭ સૌથી ગરમ વર્ષ બની શકે છે. અલ નીનોના કારણે દુનિયામાં ખાદ્ય, કોમોડિટી કિંમતો, ઊર્જા સહિતના ભાવો પર અસર થઈ શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.વિશ્વ હવામાન સંગઠન (ડબલ્યુએમઓ)ના અંદાજ મુજબ આ વર્ષે અલ નીનોની અસર મજબૂત રહેશે.
અલ-નીનો ઓગસ્ટથી ઓક્ટોબર સુધી વિકસિત થશે જ્યારે નવેમ્બરમાં તે પીક પર પહોંચવાનો અંદાજ છે, જેનાથી પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન ત્રણ ડિગ્રી સે. જેટલું વધવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાાનિકો મુજબ અલ-નિનોની અભૂતપૂર્વ ઘટનાના કારણે વૈશ્વિક સ્તરે વર્ષ ૨૦૨૭ સૌથી વધુ ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.
વિશ્વભરમાં હાલ ગ્લોબલ વોર્મિંગ ચરમસીમાએ છે. ભારતમાં ૧૨૫ વર્ષમાં સૌથી વધુ ગરમી ઈ.સ.૨૦૨૪માં નોંધાઈ હતી. સમગ્ર વિશ્વના ઈતિહાસમાં પણ ઈ.૨૦૨૪ ઈતિહાસનું સર્વાધિક ગરમ રહ્યું છે. એટલું જ નહીં, ઈ.સ.૨૦૨૩ બીજા નંબરે અને ગત વર્ષ ઈ.સ.૨૦૨૫ ત્રીજા નંબરે વિશ્વનું સૌથી ગરમ વર્ષ છે. ચાલુ ઈ.સ.૨૦૨૬માં પણ ગરમીનું પ્રમાણ વધ્યું છે. અને હવે ઈ.૨૦૨૭ અલ નીનોની અસરને પગલે તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા વૈજ્ઞાાનિકો જોઈ રહ્યા છે.
યુ.એસ.ના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરના ત્રણ દિવસ પહેલાના રિપોર્ટ મૂજબ આગામી ઈ.૨૦૨૬-૨૭ના ઉત્તર ગોળાર્ધના શિયાળામાં અલ નીનો વેરી સ્ટ્રોંગ બને તેની શક્યતા ૯૦ ટકાથી વધુ છે અને ઓક્ટોબર-ડિસેમ્બર-૨૦૨૬ દરમિયાન અલ નીનો પ્રવાહની તીવ્રતા-વિનાશકતા ૧૯૫૦ પછીની સર્વાધિક રહે તેવી ૬૯ ટકા શક્યતા છે.
બ્રિટિશ હવામાન એજન્સી મુજબ અલ-નિનોની સૌથી વધુ વિપરિત અસર ખાદ્ય ક્ષેત્ર પર થઈ શકે છે. વરસાદની પેટર્નમાં ફેરફાર, અનાજ, મકાઈ, સોયાબીન, ખાંડ, કોકો અને અન્ય કૃષિ વસ્તુઓના ઉત્પાદન પર અસર થઈ શકે છે. યુરોપીયન સેન્ટ્રલ બેન્કના અંદાજ મુજબ મધ્યમ શક્તિવાળા અલ-નીનોના કારણે ૬થી ૧૨ મહિનામાં વાસ્તવિક વસ્તુઓના ભાવમાં લગભગ ત્રણ ટકાની મોંઘવારી જોવા મળી શકે છે. આ સમયમાં ધાતુ અને કૃષિ ઉત્પાદનો જેવા બીન-ઊર્જાની વસ્તુઓના ભાવ પણ લગભગ પાંચ ટકા વધી શકે છે અને ૧૬ મહિના સુધી તેની અસર રહી શકે છે. વિશ્વ બેન્કના અંદાજ મુજબ વૈશ્વિક ખાદ્ય વસ્તુઓના ભાવ આ વર્ષના આધારે ૨.૫ ટકા સુધી વધી શકે છે. અલ-નિનોની લાંબા સમય સુધી અસરથી એનર્જી અને ખાતરની મોંઘવારી, ઈંધણની માગ તથા નિકાસ પ્રતિબંધોના કારણે ભાવમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે.
ભારત પર અલ-નિનોની સીધી અસર ચોમાસુ વરસાદ પર પડી છે. ભારતીય હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસાની આ સિઝનમાં વરસાદની લાંબા સમયની સરેરાશ માત્ર ૯૦ ટકા રહી શકે છે, જે છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી ઓછી છે. અલ-નિનોના કારણે ભારતમાં સતત બે કૃષિ મોસમ પર અસરથી ખેતીની મોસમ પર અસર થવાની આશંકા છે. આ વર્ષે રવી પાક પર અસર થવાની સાથે ૨૦૨૭ની ખેતી પર પણ વિપરિત અસર થઈ શકે છે. કૃષિ ઉત્પાદન ઘટવાની સાથે દેશમાં મોંઘવારી વધવાની પણ આશંકા છે. સરકારે ખાદ્ય તેલો અને ખાંડ જેવા ક્ષેત્રોમાં સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે.
વરિષ્ઠ હવામાન વિજ્ઞાાનિ ઓ.પી. શ્રીજિતે કહ્યું કે, ૨૦૨૭માં વૈશ્વિક સ્તરે વિક્રમી ગરમી નોંધાવાની શક્યતા છે. ભારતમાં સરેરાશ તાપમાનનો નવો રેકોર્ડ બનશે કે નહીં તેનો આધાર ૨૦૨૭ના ચોમાસુ અને અલ-નિનો સાઉધર્ન ઓસનની સ્થિતિઓ પર નિર્ભર કરશે. જોકે, આગામી વર્ષે ઉનાળામાં ભયાનક હીટવેવની આશંકા છે. બ્રિટનના હવામાન વિભાગે જણાવ્યું કે, આ વખતે અલ નિનો તેના ચરમ પર પહોંચતા પ્રસાંત મહાસાગર પર તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે.









