India

દુનિયા પર અલ નીનોનું મોટું જોખમ : ઈસરોની ચેતવણી

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
ઈસરોના EOS-06 સેટેલાઈટે પ્રશાંત મહાસાગરમાં 'અલ નીનો'ના પ્રારંભિક સંકેતો પકડ્યા છે. 741 કિ.મી. ઊંચાઈ પરથી ક્લોરોફિલ-એમાં ઘટાડો અને હવાની દિશામાં ફેરફાર નોંધાયો. આ સંકેતો વૈશ્વિક જળવાયુ અને ભારતીય હવામાન પર ગંભીર અસર કરી શકે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પૂર અને નુકસાન જોવા મળ્યું છે, જે ભવિષ્યના જોખમોનો સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયા પર અલ નીનોનું મોટું જોખમ : ઈસરોની ચેતવણી
  • ઈસરોના સેટેલાઈટે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોના પ્રારંભિક સંકેતો પકડયા
  • કેલિફોર્નિયામાં લોન્ગ બીચ ધોવાયો, ઘરોમાં પાણી ઘૂસતા ખાલી કરાવાયા, નેશનલ વેધર સર્વિસની પૂરની ચેતવણી : ઈસરોના ઈઓએસ-06એ ક્લોરોફિલ-એનું પ્રમાણમાં વધારો, હવાની દિશામાં ફેરફાર નોંધ્યા

નવી દિલ્હી : ભારતના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટે વૈજ્ઞાનિકોને પ્રશાંત મહાસાગરમાં દુનિયાભરમાં હલચલ મચાવનારા 'અલ નીનો'ના પ્રારંભિક સંકેતો નોંધ્યા છે. આ સંકેતોએ દુનિયામાં ગોડઝીલા અલ નીનોથી વરસાદની પેટર્ન તથા ભારતીય હવામાન પર ગંભીર અસર થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠનની ચેતવણીનું સમર્થન કરતા ઈસરોના ડેટાથી ખુલાસો થયો છે કે પ્રશાંત મહાસાગરમાં ક્લોરફિલ-એના પ્રમાણમાં ભારે ઘટાડો આવ્યો છે અને સમુદ્રી હવાઓની દિશા બદલાઈ છે, જે આગામી સમયમાં હવામાન વધુ જોખમી બનશે તેવા સંકેત આપે છે.
અવકાશમાં ૭૪૧ કિ.મી.ની ઊંચાઈ પર તૈનાત ઈસરોના સેટેલાઈટ ઈઓએસ-૦૬એ મહાસાગરમાં વિકસિત થઈ રહેલા ગોડઝિલા અલ નીનોના સંકેતોની ભાળ મેળવી છે. પરંપરાગત તાપમાન આધારિત માપદંડોથી ઘણા સમય પહેલા મળેલા સંકેતો મુજબ આગામી મહિનાઓમાં અલ નીનો વધુ વિકરાળ સ્વરૂપ લઈ શકે છે, જેનાથી વૈશ્વિક જળવાયુ પર અસર થવાની સાથે ભારતીય હવામાન અને કૃષિ ક્ષેત્ર સામે પણ મોટું સંકટ ઊભું થઈ શકે છે.
વૈજ્ઞાનિકો મુજબ ક્લોરોફિલ-એના સ્તરમાં આવેલો ઘટાડો સૌથી ચિંતાજનક સંકેત છે. હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ કેન્દ્ર (એનઆરએસસી)ના વિશ્લેષણ મુજબ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ની સરખામણીમાં ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરની સપાટી પર ક્લોરોફિલના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સિવાય ઉપગ્રહે સમુદ્રી હવાઓની દિશા પૂર્વથી બદલીને પશ્ચિમી થતી હોવાનું નોંધ્યું છે, જે અલ નીનો વિકસવાનું મુખ્ય લક્ષણ છે.
ઈસરોના આ ડેટાની સૌથી મોટી વિશેષતા એ છે કે ક્લોરોફિલ મહાસાગરમાં થતા પરિવર્તનો પર તુરંત પ્રતિક્રિયા કરે છે. પારંપરિક તાપમાન આધારિત માપદંડોની સરખામણીમાં આ ટેક્નોલોજી વૈજ્ઞાનિકોને અલ-નીનોની ઔપચારિક જાહેરાત ઘણા સમય પહેલા ચેતવણી આપી શકે છે.
ભારત માટે અલ નીનો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સંબંધ મોટાભાગ દક્ષિમ-પશ્ચિમ ચોમાસામાં નબળા વરસાદ સાથે જોવામાં આવે છે. જોકે, દરેક વખતે અલ નીનો આવવાથી દુષ્કાળ નથી પડતો, પરંતુ મજબૂત અલ નીનો સમયે ઓછો વરસાદ, જમીનમાં ભેજની અછત, ખેતી પર દબાણ અને જળ સંશાધનો અંગે ચિંતા વધી જાય છે.
દરમિયાન અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં અલ નીનોની આંશિક અસર જોવા મળી રહી છે. દક્ષિણ કેલિફોર્નિયામાં સમુદ્રની લહેરોએ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું છે. લોન્ગ બીચ પેનિનસૂલામાં સમુદ્રની લહેરોએ બીચને અદ્રશ્ય કરી દીધો છે અને પાણીને રોકતી દિવાલ પણ વટાવી દીધી છે. તેનાથી બોર્ડવોકના અનેક ભાગ તૂટી ગયા છે તથા સમુદ્ર કિનારે બનેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઓછામાં ઓછા ૨૪ ઘરોને ખાલી કરવા માટે તંત્રએ આદેશ આપ્યો છે.
કેલિફોર્નિયામાં હરિકેન મૈરી પછી ઉઠેલી લહેરોની અસર માલિબૂથી લઈને સાન ડિએગો સુધી જોવા મળી છે. સેન ક્લેમેન્ટમાં સમુદ્રના કાપના કારણે રેલવે લાઈનને ફરી બંધ કરવી પડી છે. નેશનલ વેધર સર્વિસે દરિયા કિનારાના વિસ્તારોમાં તિવ્ર ઊંચી લહેરો અને પૂરની ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે નુકસાન થયું છે તે આગામી સમયમાં હવામાનમાં વધનારા જોખમોનો સંકેત હોઈ શકે છે.