ચોમાસા પર 'અલ નીનો'નું ગ્રહણ : જુલાઈમાં ઓછો વરસાદ પડવાની આગાહી, મોંઘવારી વધવાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD July Monsoon Forecast 2026 : દેશભરમાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જુલાઈ મહિનાની આગાહી જાહેર કરવામાં આવી છે. પ્રશાંત મહાસાગરમાં 'અલ નીનો' સક્રિય હોવાને કારણે જુલાઈમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આશંકા છે, જેનાથી દેશમાં મોંઘવારી વધવાનું જોખમ પણ ઊભું થયું છે.
જુલાઈમાં કેવો રહેશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુલાઈમાં સરેરાશ 94%થી પણ ઓછો વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે જુલાઈમાં દેશમાં સરેરાશ 280.4 મીમી વરસાદ થતો હોય છે, પણ આ વખતે આ આંકડો ઘણો પાછળ રહેવાનો અંદાજ છે. આ પહેલાં જૂન મહિનામાં પણ સામાન્ય કરતાં 39% ઓછો વરસાદ નોંધાયો હતો, જે 1901 પછીનો પાંચમો સૌથી સૂકો જૂન મહિનો રહ્યો છે.
કયા રાજ્યોમાં પાણીની અછત વર્તાશે?
મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. જો કે, ઉત્તર-પશ્ચિમ ભારત, પૂર્વોત્તર ભારત અને પૂર્વ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય કે તેનાથી વધુ વરસાદ થવાની રાહત મળી શકે છે.
ખેતી અને પાક પર મોટું સંકટ
વરસાદ ખેંચાવાને કારણે જમીનમાં ભેજ ઘટ્યો છે, જેથી ડાંગર, કઠોળ, સોયાબીન અને કપાસ જેવા ખરીફ પાકોનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 23% જેટલું ઘટી ગયું છે. જુલાઈ મહિનામાં જ સીઝનનો સૌથી વધુ વરસાદ પડતો હોવાથી, જો આ મહિને પણ વરસાદ ઓછો રહેશે તો પાક ઉત્પાદનને મોટું નુકસાન થશે અને ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી બનશે.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સુધારાની આશા
આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાથી વરસાદ થોડો વધી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં 'પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ' નામની સિસ્ટમ સક્રિય થવાની આશા છે, જે ચોમાસાને ફરી ગતિ આપી શકે છે.









