India

'કાં તો સહન કરતા રહો અથવા પરિવર્તનની જવાબદારી ઉપાડો...' દિલ્હીમાં કિલ્લેબંધી વચ્ચે દીપકેએ કહ્યું- દેખાવો તો થશે જ

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન પહેલાં રાજધાનીમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. SIR રદ્દ કરવા, મતદારોના નામ કમી કરવા સામે જવાબદારી અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે CJPના અભિજીત દીપક, સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ આંદોલન છેડ્યું છે. સુરક્ષા માટે હજારો સુરક્ષાદળો તૈનાત કરાયા છે, 75 ટ્રેનો રદ્દ અને 45 મેટ્રો સ્ટેશન બંધ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાં તો સહન કરતા રહો અથવા પરિવર્તનની જવાબદારી ઉપાડો...' દિલ્હીમાં કિલ્લેબંધી વચ્ચે દીપકેએ કહ્યું- દેખાવો તો થશે જ

CJP Protest at Delhi : કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન પહેલાં દેશની રાજધાનીમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. SIR રદ્દ કરવા, મતદારોના નામ કમી કરવા સામે જવાબદારી નક્કી કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથેના આ આંદોલનને આમ આદમી પાર્ટી, લેફ્ટ અને મમતા બેનર્જીની TMCએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે કેન્દ્ર અને દિલ્હી સરકાર હરકતમાં આવી ગઈ છે.

દિલ્હીમાં ચારેય બાજુ કડક પહેરો: હજારો સુરક્ષાદળો તૈનાત

આંદોલનને ડામવા માટે દિલ્હી પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં હજારો સુરક્ષાદળો ખડકી દેવામાં આવ્યા છે. જંતર-મંતર તરફ જતા માર્ગો પર 3 થી 4 લેયરની મજબૂત બેરિકેડિંગ કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા સતત કલમ 163 (જૂની કલમ 144) ની જાહેરાતો કરી એકત્ર ન થવા ચેતવણી અપાઈ રહી છે. સંસદ માર્ગ તરફનો એક તરફનો રસ્તો સંપૂર્ણ સીલ કરી દેવાયો છે અને પેડેસ્ટ્રિયન્સ (પદયાત્રીઓ) ને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓની વર્દી પર બોડીકેમ ફિટ કરવામાં આવ્યા છે અને દેખાવકારોને પકડવા માટે ખાસ પ્રાઈવેટ બસો તથા 10 જેટલા ડિટેન્શન સેન્ટર તૈયાર રખાયા છે.

ટ્રેનો રદ્દ, મેટ્રો સ્ટેશન બંધ અને ઈન્ટરનેટ ઠપ્પ

આ વિરોધ પ્રદર્શનની સીધી અસર સામાન્ય જનજીવન પર વર્તાઈ રહી છે. દિલ્હી આવતી-જતી 75 ટ્રેનો બપોરે 2 વાગ્યા સુધી રદ્દ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષા કારણોસર 45 જેટલા મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ સાંજના 6 વાગ્યા સુધી બંધ કરી દેવાયા છે. જંતર-મંતરના આસપાસના 4 કિલોમીટરના ઘેરાવામાં ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે અને દિલ્હીમાં દારૂની દુકાનો પણ બંધ રાખવાના આદેશ છૂટ્યા છે.

અભિજીત દીપકેની લડાયક જાહેરાત: "જિંદગી જીવવાની બે જ રીત…"

CJPના સંસ્થાપક અભિજીત દીપકે પોતાના સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા સાથે આજે સવારે એરપોર્ટ પર પહોંચીને જંતર-મંતર કૂચ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક્સ (X) પર લખ્યું:

“જિંદગી જીવવાના બે જ રસ્તા હોય છે… એક, જે થઈ રહ્યું છે તેને થવા દો, સહન કરતા જાઓ… અથવા જવાબદારી ઉઠાવો તેને બદલવાની!”

દીપકે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તેમને જ્યાં રોકવામાં આવશે, તે જ સ્થળ તેમનું જંતર-મંતર બની જશે અને તેઓ જેલ જવા માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે.

સુપ્રીમ કોર્ટમાં મામલો અને પોલીસના કારણો

દિલ્હી પોલીસ દ્વારા આટલી કડકાઈ રાખવા પાછળ મોડું આવેલું અરજી પત્ર (7 ઓક્ટોબરે અરજી આપવી) અને નવી દિલ્હીમાં લાગુ કલમ 163 મુખ્ય કારણો છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં અદાલતે કડક ટિપ્પણી કરી હતી કે, "માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન થવો જોઈએ." કોર્ટે નાગરિકોને ટ્રાન્સપોર્ટ અને મુસાફરીનો હક જળવાઈ રહે તથા મેટ્રો-ટ્રેન બંધ કરવાના નિર્ણયો પર પુનર્વિચાર કરવા ટકોર કરી છે. બીજી બાજુ, નોઈડા અને દિલ્હી-નોઈડાના ચિલ્લા બોર્ડર પર પણ કડક નાકાબંધી કરી દેવાઈ છે જેથી ઉત્તર પ્રદેશ તરફથી કોઈ ભીડ દિલ્હીમાં પ્રવેશી ન શકે. ગૌતમબુદ્ધ નગરમાં 20 ઓક્ટોબર સુધી કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.