IND vs WI : વેસ્ટ ઇન્ડિઝનો રૅકોર્ડબ્રેક વિજય, ભારત સામે હાઇએસ્ટ રન ચેઝ કરીને 6 વિકેટે ધમાકેદાર જીત મેળવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs West Indies, 2nd T20I : રાંચી ખાતે રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે નવો ઈતિહાસ રચતા રૅકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 249 રનનો વેસ્ટ ઇન્ડિઝ સામેનો પોતાનો સર્વોચ્ચ T20 સ્કોર નોંધાવ્યો હતો. જોકે, 250 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 18.3 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને 252 રન બનાવી લીધા હતા. આ સાથે જ વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે T20I માં સૌથી મોટો ટીમ ટોટલ બનાવવાનો અને હાઇએસ્ટ રન ચેઝ કરવાનો ઐતિહાસિક વર્લ્ડ રૅકોર્ડ પોતાના નામે કરીને 6 વિકેટે ધમાકેદાર જીત મેળવી છે.
ભારત : સંજુ, ઈશાન, શ્રેયશ, તિલકની મહેનત એડે ગઈ
ટોસ જીતીને વેસ્ટ ઇન્ડિઝે ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય બેટરોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 249 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ભારત તરફથી સંજુ સેમસને 41 બોલમાં (9 ચોગ્ગા, 4 છગ્ગા) સૌથી વધુ શાનદાર 82 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 18 બોલમાં (3 ચોગ્ગા, 3 છગ્ગા) અણનમ 44 રન ઝૂડ્યા હતા, જ્યારે ઈશાન કિશને 22 બોલમાં (6 ચોગ્ગા, 2 છગ્ગા) 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સુકાની શ્રેયસ ઐયરે 18 બોલમાં (3 ચોગ્ગા, 3 છગ્ગા) 40 રન જોડ્યા હતા. આ ઉપરાંત ઓપનર અભિષેક શર્માએ 12 બોલમાં (2 ચોગ્ગા, 1 છગ્ગો) 20 રન, શિવમ દુબેએ 10 બોલમાં (1 ચોગ્ગો) 7 રન અને નમન ધીરે 1 બોલમાં (1 ચોગ્ગો) અણનમ 4 રન કર્યા હતા. ભારતીય ઈનિંગ્સમાં એક્સ્ટ્રા 9 રન મળ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના બોલિંગ આક્રમણમાં રોસ્ટન ચેઝે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શમર સ્પ્રિંગરે 4 ઓવરમાં 64 રન આપીને 2 વિકેટ મેળવી હતી.
બંને ટીમોએ T20માં એકબીજા વિરુદ્ધ સર્વોચ્ચ સ્કોર કરી રૅકોર્ડ નોંધાવ્યો
રાંચી ખાતેની આ મેચમાં બંને ટીમો તરફથી T20 ક્રિકેટના ઐતિહાસિક સ્કોર નોંધાયા હતા. વેસ્ટ ઇન્ડિઝે 252/4 (18.3 ઓવર) રન બનાવીને ભારત સામે T20I માં સૌથી મોટો સ્કોર અને હાઇએસ્ટ રન ચેઝ કરવાનો નવો વિક્રમ સર્જ્યો છે. આ મેચમાં જ ભારતે પ્રથમ બેટિંગ કરતા 249/5 (20 ઓવર) રન બનાવ્યા હતા, જે ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામેનો સર્વોચ્ચ સ્કોર છે. આ અગાઉ 27 ઑગસ્ટ 2016ના રોજ લોડરહિલ ખાતે વેસ્ટ ઇન્ડિઝે 245/6 રન બનાવ્યા હતા અને ભારતે 244/4 રન કર્યા હતા. ઉપરાંત, 11 ડિસેમ્બર 2019ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતે 240/3 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝની ઈનિંગ્સ: શાઈ હોપની સદી અને રધરફોર્ડની ફિફ્ટી
250 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે શરૂઆતમાં જ 5 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કૅપ્ટન શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડે મેચનું પાસું પલટી નાખ્યું હતું. કૅપ્ટન શાઈ હોપે 45 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 102 રનની અદ્ભુત સદી ફટકારી હતી. તેને સાથ આપતા શેરફેન રધરફોર્ડે 37 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 84 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. અંતમાં રોમારિયો શેફર્ડે 13 બોલમાં અણનમ 34 રન અને રોવમેન પોવેલે 13 બોલમાં 24 રન કરીને ટીમને વિજયી લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી.
અક્ષર પટેલે 21 બોલમાં 68 રન આપી દીધા
ભારતીય બોલરોની સ્થિતિ જોઈઅ તો મયંક યાદવે 3 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવે 4 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ મેળવી હતી. અન્ય બોલરોમાં અરશદીપ સિંહે 4 ઓવરમાં 45 રન, અક્ષર પટેલે 3.3 ઓવરમાં 63 રન, શિવમ દુબેએ 2 ઓવરમાં 30 રન અને નમન ધીરે 2 ઓવરમાં 25 રન આપ્યા હતા પરંતુ તેઓને કોઈ વિકેટ મળી નહોતી. અંતે વેસ્ટ ઇન્ડિઝે 18.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 252 રન બનાવીને ભારત સામેની T20 મેચોમાં હાઇએસ્ટ રન ચેઝ કરીને ધમાકેદાર જીત હાંસલ કરી હતી.




