India
રામ મંદિરમાં દાનની ચોરી વિવાદમાં આઠની ધરપકડ : 80 લાખની વસૂલાત
By GS Team
27 Jun 20262 mins read
અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી મામલે 8 આરોપીઓની ધરપકડ બાદ 79.85 લાખની વસૂલાત કરાઈ છે. તેમને 29 જૂન સુધી ન્યાયિક અટકાયતમાં મોકલાયા છે. SBIના 5-6 કર્મચારીઓની પણ ધરપકડ થઈ છે. આ વિવાદથી રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનું રહસ્ય ઘેરું બન્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી મામલે 8 આરોપીઓની ધરપકડ બાદ 79.85 લાખની વસૂલાત કરાઈ છે. તેમને 29 જૂન સુધી ન્યાયિક અટકાયતમાં મોકલાયા છે. SBIના 5-6 કર્મચારીઓની પણ ધરપકડ થઈ છે. આ વિવાદથી રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનું રહસ્ય ઘેરું બન્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનું રહસ્ય ઘેરાયું
- એસબીઆઈના પાંચ-છ કર્મચારીઓની પણ ધરપકડ કરાયાનો દાવો : ટિન્નુ યાદવ પાસે દાન પેટીઓની ચાવી રહેતી હતી
અયોધ્યા :રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદમાં પોલીસે બધા જ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને શુક્રવારે ૨૯ જૂન સોમવાર સુધી ન્યાયિક અટકાયતમાં મોકલી દેવાયા હતા. તેમની પાસેથી રૂ. ૮૦ લાખ સુધીની વસુલાત કરાઈ હોવાનું પ્રોસેક્યુશન અધિકારી કે.સી. વર્માએ જણાવ્યું હતું. બીજીબાજુ આ વિવાદના કારણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામા આપી દીધા હોવાનો મીડિયામાં દાવો કરાયો હતો. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ના થતા રાજીનામાનું રહસ્ય ઘેરાયું છે.
પ્રોસેક્યુશન અધિકારી કે.સી. વર્માએ જણાવ્યું કે, રામ મંદિરમાં દાનની કથિત ચોરીના આઠ આરોપીઓને સ્પેશિયલ રીમાન્ડ મેજિસ્ટ્રેટ વિનેદિતા સિંહ સમક્ષ રજૂ કરાયા હતા. મોહર્રમની રજા હોવાના કારણે હાલ તેમને ન્યાયિક અટકાયતમાં મોકલી દેવાયા છે. આરોપીઓને સોમવારે ફરીથી કોર્ટ સમક્ષ હાજર કરાશે ત્યારે પોલીસ તેમના કસ્ટોડીયલ રીમાન્ડ માગે તેવી સંભાવના છે.
વર્માએ ખુલાસો કર્યો કે, પોલીસે હજુ સુધી આરોપીઓના રીમાન્ડ માગ્યા નથી. આરોપીઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનિષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામ શંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવનો સમાવેશ થાય છે. તપાસકારોએ આરોપીઓ પાસેથી રૂ. ૭૯.૮૫ લાખની વસૂલાત કરી છે.
તપાસ અધિકારીએ જણાવ્યું કે, મંદિરમાં રોકડ દાનની ગણતરી માટે નિયુક્ત પાંચથી છ બેન્ક કર્મચારીઓની પણ ધરપકડ કરાઈ છે. જોકે, હાલમાં તેમણે આ કર્મચારીઓની ઓળખ જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો. આ કર્મચારીઓને બેન્કમાંથી પગાર મળતો હતો અને તેઓ મંદિરમાં કામ કરતા હતા. ટિન્નુ યાદવ ડ્રાઈવર હતો જ્યારે સુભાષ શ્રીવાસ્તવ દાન ગણતરી પ્રક્રિયાનો ઈનચાર્જ હતો.
દરમિયાન આ કૌભાંડની તપાસ માટે રચાયેલી એસઆઈટીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે દાનની ગણતરી અને સંચાલન માટે શ્રી રામ મંદિર ટ્રસ્ટ અને એસબીઆઈ દ્વારા તૈયાર કરાયેલી પ્રક્રિયાનું પાલન કરાતું નહોતું અને તેમાં ઈરાદાપૂર્વક બેદરકારી રખાઈ હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ પાસે સત્તાવાર આદેશ વિના હુંડીઓ, દાન પેટીઓની ચાવીઓ રહેતી હતી.
આ સિવાય કેટલાક સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ દાનમાં મળેલી રોકડ અને ઘરેણાંની ચોરી કરતાં હોવાનું પણ જણાય છે. આરોપીઓ દાનમાં મળેલી રોકડ અને ઘરેણાં ખીસ્સામાં મૂકી બહાર લઈ જતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દાનની રોકડની ગણતરીનું કામ પૂરું થયા પછી આરોપીઓની તલાશી પણ લેવાતી નહોતી.
બીજીબાજુ આ સમગ્ર વિવાદના પગલે શ્રી રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામાં આપી દીધા હોવાના અહેવાલ છે. જોકે, ટ્રસ્ટ તરફી સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન જાહેર કરાયું નથી. આથી તેમણે ખરેખર રાજીનામાં આપ્યા છે કે નહીં તે અંગે રહસ્ય ઘેરાયું છે.









