નીટ પેપર લીકની બબાલ વચ્ચે નવા શિક્ષણ સચિવ મોટા વિવાદમાં ! ખુરશી સંભાળતાં જ ‘સબસિડી કાંડ’માં ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Higher Education Secretary Controversy : દેશભરમાં નીટ (NEET) પેપર લીક વિવાદને લઈને ચાલી રહેલા બબાલ વચ્ચે કેન્દ્ર સરકારે વહીવટી સ્તરે મોટો ફેરફાર કર્યો છે. ડેરી અને પશુપાલન મંત્રાલયમાં કાર્યરત સિનિયર અધિકારી નરેશ પાલ ગંગવારની બદલી કરીને તેમને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ બનાવવામાં આવ્યા છે. હાલના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીને હટાવીને પંચાયતી રાજ મંત્રાલયમાં મોકલી દેવાયા છે.
વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ
એક તરફ શિક્ષણ મંત્રાલય પેપર લીકના આક્ષેપોથી ઘેરાયેલું છે અને ભારે દબાણનો સામનો કરી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠનો અને 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શનો સતત વધી રહ્યા છે, જ્યારે ઉગ્ર થયેલા વિદ્યાર્થીઓ સીધા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે.
નવા શિક્ષણ સચિવ સામે સબસીડીનો વિવાદ
બીજી તરફ, નવા ઉચ્ચ શિક્ષણ સચિવ નરેશ પાલ ગંગવારે પદભાર સંભાળે તે પહેલા જ તેમની નિમણૂકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમના પર આરોપ છે કે રાષ્ટ્રીય બાગાયત બોર્ડમાં હતા ત્યારે તેમણે પોતાના પરિવારના સભ્યોના નામે સબસીડી લીધી હતી. મીડિયા અહેવાલ મુજબ, ગંગવારના પરિવારજનોના નામે કાકડીના ઉત્પાદન માટે 'સંરક્ષિત ખેતી યોજના' હેઠળ 1.16 કરોડ રૂપિયાની સબસીડી મંજૂર કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર ચર્ચા
આ કથિત ફાયદા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ અધિકૃત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. તેમ છતાં, ગંગવારને શિક્ષણ સચિવ બનાવવાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર આ બાબતે વિવિધ ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.









