ઈ-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નીટ મુદ્દે ભીંસમાં આવેલી સરકાર સામે ઈથેનોલ મુદ્દે નવો પડકાર
- દેશમાં અઢી વર્ષમાં ૨૦ કરોડથી વધુ ટુ-વ્હિલર, ૩ કરોડથી વધુ કાર ઈ-૨૦ પેટ્રોલ પર ચાલ્યા પણ એન્જિનમાં કોઈ ખામી નહીં
- ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ વૈજ્ઞાાનિક તપાસ અને નીતિ આયોગની મંજૂરી પછી લાગુ કરાયો
નવી દિલ્હી : નીટ પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના દેખાવો અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પડયા બાદ હવે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે નવો પડકાર ઊભો થયો છે. આમ આદમી પાર્ટી, ટેક્સી યુનિયનો સહિત અન્ય સંગઠનો ચાર ઓગસ્ટે દેખાવોની તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર ડિફેન્સ મોડમાં આવી ગઈ છે. સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, ઈથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત છે. તેનાથી એન્જિનને નુકસાન થતુ હોવાના કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નથી.
કેન્દ્ર સરકારે લોકસભામાં ગુરુવારે જણાવ્યું હતું કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમનો અમલ વ્યાપક પરીક્ષણો પછી કરાયો છે. આ પરીક્ષણોમાં ઈ-૨૦ પેટ્રોલથી એન્જિનમાં કોઈ ખામી થવા, કાટ લાગવા અથવા વાહનની લાઈફ ઘટવા જેવી કોઈ મુશ્કેલીઓ જોવા મળી નથી. ઈથેનોલ કાર્યક્રમ દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને વૈશ્વિક ક્રૂડ ઓઈલ પ્રાઈસમાં ભારે ઉતાર-ચઢાવથી ગ્રાહકોને રાહત આપવા અમલમાં મૂકાયો છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઈ-૧૫ પ્લસ પેટ્રોલ અને અઢી વર્ષથી ઈ-૧૯ તથા ઈ-૨૦ મિશ્રિત પેટ્રોલનો દેશભરમાં વ્યાપક સ્તરે વપરાશ થઈ રહ્યો છે. આ સમયમાં ૨૦ કરોડથી વધુ ટુ-વ્હિલર અને ૩ કરોડથી વધુ પેટ્રોલ કારો ઈ-૨૦ પેટ્રોલ પર ચાલી છે. પરંતુ ઈથેનોલના મિશ્રણના કારણે એન્જિન ફેલ થવા અથવા મોટાપાયે વાહન ખરાબ થવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી.
સરકારે કહ્યું, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અગ્રણી વાહન ઉત્પાદકોએ ૨.૮૪ કરોડ વાહનોની સર્વિસિંગ કરી, તેમાં ૧.૫ કરોડ જૂના વાહનનો સમાવેશ થાય છે. આ વાહનોની તપાસમાં ઈ-૨૦ પેટ્રોલ સંબંધિત એન્જિનને નુકસાન, કાટ લાગવો કે પાર્ટ્સને નુકસાન જેવી કોઈ સમસ્યા સામે આવી નથી.
ગડકરીએ જણાવ્યું કે, ૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલનો વપરાશ શરૂ કરતા પહેલા ઈંધણ સિસ્ટમ, એન્જિનની મજબૂતી, ડ્રાઈવિંગ પ્રદર્શન, વિવિધ પાર્ટ્સની કમ્પેટિબિલિટી, ઉત્સર્જન અને ગ્રાહકોની સ્વીકૃતિ જેવા બધા જ પાસાઓનું ટેસ્ટિંગ કરાયું હતું. ત્યાર પછી જ ઈ-૨૦ પેટ્રોલનો ઉપયોગ તબક્કાવાર અને વૈજ્ઞાાનિક રીતે શરૂ કરાયો છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, સરકારી એજન્સીઓ અને વાહન ઉત્પાદકોના અધ્યયનો મુજબ ઈ-૧૦ માટે ડિઝાઈન કરાયેલા કેટલાક જૂના વાહનોમાં માઈલેજ અંદાજે બેથી ૬ ટકા ઘટી શકે છે. વધુમાં ઈન્ડિયન ઓઈલ સહિતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં સમગ્ર દેશમાં ઈ-૨૦ પેટ્રોલ જ પૂરું પાડી રહી છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી ગોપી સુરેશે જણાવ્યું કે, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ વૈજ્ઞાાનિક તપાસ અને નીતિ આયોગની મંજૂરી પછી લાગુ કરાયો છે. સુરેશ ગોપીએ કહ્યું કે, ઈથેનોલ કાર્યક્રમની સંપૂર્ણ પ્રક્રિયામાં ઓટોમોબાઈલ કંપનીઓ, ઓટો પાર્ટ્સ નિર્માતા, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા, વાહન પરીક્ષણ એજન્સીઓ, આઈઓસી જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, ઈથેનોલ ઉત્પાદકો, ખાંડ અને અનાજ ઉદ્યોગ સહિત બધા જ સંબંધિત પક્ષોને સામેલ કરાયા હતા.









