India

આ ભારતીય સામે ચીન પણ નતમસ્તક! ઈમાનદારીને આજે પણ પૂજે છે પ્રમુખ શી જિનપિંગ

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતના વીર સપૂત ડૉ. દ્વારકાનાથ કોટનીસ, જેમને કદાચ દેશ ભૂલી ગયો છે, તેમને ચીન આજે પણ મસીહા માને છે. 1938માં જાપાન-ચીન યુદ્ધ વખતે, નેતાજી સુભાષચંદ્ર બોઝની પહેલથી 5 ભારતીય ડૉક્ટરો ચીન ગયા. સોલાપુરના 28 વર્ષીય કોટનીસે 72 કલાક સતત કામ કરી 800 સૈનિકોના જીવ બચાવ્યા. તેમણે ચીની નર્સ ગુઓ કિંગલાન સાથે લગ્ન કર્યા. 1942માં 32 વર્ષની વયે તેમનું અવસાન થયું. ચીનમાં તેમનું સ્મારક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ ભારતીય સામે ચીન પણ નતમસ્તક! ઈમાનદારીને આજે પણ પૂજે છે પ્રમુખ શી જિનપિંગ

Dr Dwarkanath Kotnis : ભારતનો એક એવો સપૂત, જેને કદાચ તેનો પોતાનો દેશ ભૂલી ચૂક્યો છે, પરંતુ સરહદ પાર આપણો પાડોશી દેશ ચીન આજે પણ તેને એક મસીહાની જેમ પૂજે છે. ચીનની શાળાઓમાં બાળકોને તેમની વાર્તા ભણાવવામાં આવે છે, તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવે છે અને તેમના નામે મેડિકલ કૉલેજો ચાલે છે. જો આ બહાદુર ડૉક્ટરના અદ્ભુત જીવનને આજના રૂપેરી પડદે ઉતારવામાં આવે, તો આખી દુનિયા આશ્ચર્યચકિત રહી જાય.

image.png

ચીનની મદદ માટે નેતાજીની પહેલ

આ વાત વર્ષ 1938ની છે. તે સમયે જાપાને ચીન પર હુમલો કરી દીધો હતો. ચારેબાજુ તબાહી મચી હતી અને લાખો ચીની નાગરિકો તેમજ સૈનિકો લોહીલુહાણ હાલતમાં હતા. પરંતુ તેમની સારવાર માટે ડૉક્ટરોની ભારે અછત હતી. આ સંજોગોમાં ચીનના સેનાપતિ જનરલ ઝૂ દેએ પંડિત જવાહરલાલ નેહરુને પત્ર લખીને મદદ માંગી અને કેટલાક ડૉક્ટરો મોકલવા વિનંતી કરી. નેહરુએ આ અંગે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ચર્ચા કરી. નેતાજીએ તરત જ પહેલ કરી અને ભારતના લોકો પાસેથી ફાળો એકઠો કરીને 22,000 રૂપિયાનું ફંડ ઊભું કર્યું. ત્યારબાદ, પાંચ બહાદુર ભારતીય ડૉક્ટરોની એક ટીમ દરિયાઈ માર્ગે ચીન જવા રવાના થઈ.

image.png

પિતાનું અવસાન છતાં ફરજને આપ્યું મહત્ત્વ

આ પાંચ ડૉક્ટરોમાં મહારાષ્ટ્રના સોલાપુરના 28 વર્ષીય યુવાન ડૉ. દ્વારકાનાથ કોટનીસ પણ સામેલ હતા. પોતાની ફરજ પ્રત્યેનો તેમનો જુસ્સો એટલો હતો કે 16 દિવસની દરિયાઈ સફરમાં જ તેમણે સહયાત્રીઓ પાસેથી ચીની ભાષા શીખવાનું શરૂ કરી દીધું, જેથી દર્દીઓને સમજવામાં મુશ્કેલી ન પડે. યુદ્ધ પૂરું થયા પછી અન્ય ચાર ડૉક્ટરો પરત ફર્યા, પણ ડૉ. કોટનીસ ત્યાં જ રોકાયા. આ દરમિયાન ભારતમાં તેમના પિતાનું અવસાન થયું, છતાં તેઓ પરત ફર્યા નહીં. તેમણે રડતાં રડતાં કહ્યું કે, "આ સમયે ચીનના આ બેબસ દર્દીઓને મારી સૌથી વધુ જરૂર છે, અને દર્દીઓને અધવચ્ચે છોડી દેવા એ ડૉક્ટરના ઈમાનની વિરુદ્ધ છે."

image.png

72 કલાકની સતત ફરજ અને ચીની નર્સ સાથે લગ્ન

ડૉ. કોટનીસ સીધા જ યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા. કડકડતી ઠંડી અને પથ્થરની ગુફાઓમાં, જ્યાં પ્રાથમિક દવાઓ પણ ન હતી, ત્યાં તેમણે સતત 72 કલાક સુધી ઊંઘ્યા વગર ઓપરેશન કર્યા. તેમણે એકલા હાથે 800 જેટલા ચીની સૈનિકોનો જીવ બચાવ્યો. ચીની લોકો તેમને આદરથી 'કે દિહુઆ' (ભારતની ભૂમિ પરથી આવેલ ઉપકારી) કહેવા લાગ્યા. સેવા દરમિયાન તેમની મુલાકાત ગુઓ કિંગલાન નામની ચીની નર્સ સાથે થઈ. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને ડિસેમ્બર 1941માં તેમણે લગ્ન કર્યા. તેમના પુત્રનું નામ 'યિનહુઆ' રાખવામાં આવ્યું, જેમાં 'યિન' એટલે ભારત અને 'હુઆ' એટલે ચીન.

image.png

માઓ ત્સે તુંગની શ્રદ્ધાંજલિ અને અમર ગાથા

સતત કામ અને ખરાબ હવામાનને કારણે તેમની તબિયત લથડી. ડિસેમ્બર 1942માં, પુત્રના જન્મના માત્ર ત્રણ મહિના બાદ, 32 વર્ષની નાની વયે આ મસીહાએ કાયમ માટે આંખો મીંચી દીધી. ચીનના સૌથી મોટા નેતા માઓ ત્સે તુંગે અત્યંત ભાવુક થઈને શોક સંદેશમાં લખ્યું, "આજે ચીને પોતાનો એક અનમોલ મિત્ર ગુમાવ્યો છે. તેમનું નામ હંમેશા અમારા દિલોમાં જીવંત રહેશે." વર્ષ 1946 માં વી. શાંતારામે તેમના જીવન પર 'ડૉક્ટર કોટનીસ કી અમર કહાની' નામની પ્રખ્યાત ફિલ્મ પણ બનાવી હતી. આજે પણ ચીનના શિજિયાઝુઆંગ (Shijiazhuang) શહેરમાં તેમનું ભવ્ય સ્મારક છે. વર્ષ 2009માં ચીનની જનતાએ ડૉ. કોટનીસને સદીના 'ટોપ 10 વિદેશી નાયકો'માં બહુમતીથી સ્થાન આપ્યું હતું.

(All image Credit Wikipedia)

image.png