બિનજરૂરી સોનું ન ખરીદો, વિદેશયાત્રા ટાળો...: 7.8 ટકા ગ્રોથ રેટ બાદ PM મોદીની અપીલ, કારણ પણ જણાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Instagram Reel : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રિલ શેર કરીને દેશવાસીઓને 7.8% નો વિકાસ દર પ્રાપ્ત કરવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને દેશવાસીઓની સંકલ્પ શક્તિ અને પુરુષાર્થની પ્રશંસા કરતાં જણાવ્યું કે, "જ્યારે સમગ્ર વિશ્વ યુદ્ધની સ્થિતિ, વૈશ્વિક સંકટો અને સપ્લાય ચેઈનની સમસ્યાઓથી ઘેરાયેલું છે તથા 2020 ના કોવિડ કાળ પછી પણ સ્થિરતા નથી દેખાઈ રહી, ત્યારે પણ ભારત અત્યંત ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે."
નિરાશાના ગર્તમાં ડૂબેલો વિપક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે
પોતાના સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સીધું નિશાન સાધતા કહ્યું હતું કે દેશમાં જ કેટલાક લોકો નિરાશાના ગર્તમાં ડૂબેલા છે અને તેઓ જુઠ્ઠાણું ફેલાવીને ચારેય તરફ નકારાત્મકતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ પડકારોને પાર કરીને ભારતે 7.8% ગ્રોથ રેટ પ્રાપ્ત કર્યો છે. આ ગતિને જાળવી રાખવા અને આગળ વધવા માટે 'આત્મનિર્ભર ભારત' બનવું અત્યંત મહત્ત્વનું છે.
બિનજરૂરી વિદેશ પ્રવાસ અને સોનું ખરીદવાનું ટાળવા અપીલ
આર્થિક સ્થિરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાને નાગરિકોને ખાસ આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું કે નાગરિકોએ 'વોકલ ફોર લોકલ' નો મંત્ર અપનાવવો જોઈએ. બિનજરૂરી વિદેશ પ્રવાસ કરવાથી બચવું જોઈએ અને જો શક્ય હોય તો વિદેશમાં લગ્ન કરવાનું પણ ટાળવું જોઈએ. આ ઉપરાંત જરૂર ન હોય તો સોનું ન ખરીદવાની પણ તેમણે અપીલ કરી હતી. આપણે જેટલું સ્વદેશી અને આત્મનિર્ભરતા પર ભાર મૂકીશું, તેટલી જ દેશની આર્થિક તાકાત વધશે.
140 કરોડ દેશવાસીઓની શક્તિથી વિકસિત ભારતનો સંકલ્પ
વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આપણે આપણી યુવા પેઢીને એક સંપૂર્ણ વિકસિત ભારત સોંપી શકીશું. આપણી નીતિ યોગ્ય છે અને નીયત સાફ છે. 140 કરોડ દેશવાસીઓની શક્તિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જનતા અને યુવાનો સુધી સીધો સંદેશ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ રિલનો સક્રિય ઉપયોગ કરી રહ્યા છે.




