India

'શું આજકાલ ન્યાયાધીશ જ ન્યાયાધીશોની પસંદગી કરે છે?' CEC મુદ્દે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં કેન્દ્રની ભૂમિકા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે ચૂંટણી કમિશનર તટસ્થ હોવા જોઈએ અને પસંદગી સમિતિમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ. 2023ના નિમણૂક કાયદા સામેની અરજીઓ પર સુનાવણી દરમિયાન, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે 2:1ની બહુમતીવાળી સમિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે આ મામલો મોટી બેંચને સોંપવો કે નહીં તે અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'શું આજકાલ ન્યાયાધીશ જ ન્યાયાધીશોની પસંદગી કરે છે?' CEC મુદ્દે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

Supreme Court On Chief Election Commissioner Appointment : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં કેન્દ્ર સરકારની દખલગીરી અને મોટી ભૂમિકાને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ચૂંટણી કમિશનર એક તટસ્થ અને સ્વતંત્ર વ્યક્તિ હોવા જોઈએ. પસંદગી સમિતિમાં નિષ્પક્ષતા માત્ર હોવી જ નહીં, પરંતુ સામાન્ય જનતાને દેખાવી પણ જોઈએ.

2023ના નિમણૂક કાયદા સામેની અરજીઓ પર સુનાવણી

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023’ને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો વચ્ચે બેંચે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું કે, શું આજકાલ ખરેખર ન્યાયાધીશ જ ન્યાયાધીશોની પસંદગી કરે છે?

રાજકારણીઓના ગુનાહિત ઈતિહાસ અંગે કોર્ટની ચિંતા

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દેશમાં કાયદો બનાવનારા લોકપ્રતિનિધિઓ અને મંત્રીઓના ગુનાહિત બેકગ્રાઉન્ડનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે દેશના કેટલા રાજ્યોમાં એવા મંત્રીઓ છે કે જેમની સામે ગંભીર ગુનાહિત કેસો ચાલી રહ્યા છે, તેના આંકડા રજૂ કરવામાં આવે.

ડો. બાબાસાહેબ આંબેડકરની વાતનો સંદર્ભ

કોર્ટે નોંધ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે પણ પોતાના જીવનના અંતિમ વર્ષોમાં બંધારણીય વ્યવસ્થા અને લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દેશના લોકો પાસેથી જે અપેક્ષા રાખી હતી તે મુજબ પરિણામો મળ્યા નથી.

પસંદગી સમિતિમાં 2:1ની બહુમતી પર સવાલ

હાલની વ્યવસ્થા મુજબ નિમણૂક સમિતિમાં 2 સભ્યો સરકાર તરફથી (પ્રધાનમંત્રી અને એક કેબિનેટ મંત્રી) અને માત્ર 1 સભ્ય વિપક્ષ તરફથી (વિપક્ષી નેતા) હોય છે. આ બાબતે કોર્ટે કહ્યું કે પ્રધાનમંત્રી પર ભરોસો હોવો જોઈએ, પરંતુ 2:1ની આ વ્યવસ્થામાં નિષ્પક્ષતા સ્પષ્ટપણે દેખાવી પણ જરૂરી છે.

મોટી બેંચને કેસ મોકલવા અંગે નિર્ણય અનામત

કેન્દ્ર સરકારે બંધારણની કલમ 145(3) હેઠળ આ મામલાને 5 જજોની બંધારણીય બેંચ પાસે મોકલવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કાયદાની કાનૂની વૈધતા પર સુનાવણી આગળ વધારતા પહેલાં, આ મામલો મોટી બેંચને સોંપવો કે નહીં તે સવાલ પર પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટના 2023ના ઐતિહાસિક ચુકાદાનો સંદર્ભ

અગાઉ 2023માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 'અનૂપ બરનવાલ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' કેસમાં આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી સંસદ નવો કાયદો ન બનાવે ત્યાં સુધી નિમણૂક સમિતિમાં PM, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સામેલ રહેશે. પરંતુ 2023ના નવા કાયદા દ્વારા CJIને આ સમિતિમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે, જેને લઈને આ કાનૂની વિવાદ ઊભો થયો છે.