મહારાષ્ટ્રના ભિવંડીમાં હોનારત, 4 માળની ઈમારત ધરાશાયી થતાં 6 લોકોના દર્દનાક મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhiwandi Building Collapse News 2026 : મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જ્યાં 'કોહિનુર' નામની 4 માળની રિહાઇશી ઇમારત અચાનક ધારાશાયી થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ 6 થી 7 લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે NDRF, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા. પોકલેન મશીનો અને આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ જૂની ઇમારતમાં છેલ્લા કેટલાક દિવસોથી રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન કોન્ટ્રાક્ટર અને મજૂરો દ્વારા ઇમારતના 3 પિલર તોડી નાખવામાં આવ્યા હતા. પિલર તૂટવાના કારણે ઇમારતની પાયાની મજબૂતાઈ જોખમાઈ ગઈ અને તે પોતાનું સંતુલન ગુમાવીને સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી.
રહેવાસીઓ અગાઉ જ નિકળી ગયા હતા
જોકે, રાહતની વાત એ રહી કે ઇમારત ધરાશાયી થતા પહેલા વિચિત્ર અવાજો આવતા મોટાભાગના રહેવાસીઓ સમયસૂચકતા વાપરીને સમયસર બહાર ભાગી છૂટ્યા હતા. જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. તેમ છતાં, પહેલી માળ પર રહેલા કેટલાક લોકો અને ત્યાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. પ્રશાસન દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.









