ભારતમાં ડેન્ગ્યુની પહેલી વેક્સિનને મંજૂરી અપાયા બાદ મોટો નિર્ણય, આવતા વર્ષે મળશે ડોઝ, 6 વર્ષમાં 10.78 લાખ કેસ, 1572 મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dengue Vaccine India : ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળે છે, પરંતુ હવે આ જીવલેણ બીમારી સામે દેશવાસીઓને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. ભારતમાં આવતા વર્ષની શરૂઆતના 6 મહિનામાં ડેન્ગ્યુની પહેલી રસી બજારમાં આવી શકે છે. જાપાનની દવા કંપની તાકેદાની રસી 'QDENGA'ને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે. દેશભરમાં આ રસી ઉપલબ્ધ કરાવવા માટે જાપાનીઝ કંપનીએ ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે.
4થી 60 વર્ષના લોકો માટે મંજૂરી અને ડોઝના નિયમ
આ રસી 4થી 60 વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓ પણ આ રસી મૂકાવી શકશે. ડેન્ગ્યુ વાયરસના 4 અલગ-અલગ સ્ટ્રેઇન હોય છે, જેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેઇનનો ખતરો યથાવત્ રહે છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેય પ્રકારના સ્ટ્રેઇન સામે રક્ષણ પૂરું પાડે છે.
ડેન્ગ્યુ સામે આ રસી શા માટે અત્યંત મહત્ત્વની?
ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી ફેલાતી એક ગંભીર વાયરલ બીમારી છે, જેના કારણે દર વર્ષે સેંકડો દર્દીઓ ગંભીર સ્થિતિમાં મૂકાય છે અને ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. આ નવી રસી આવવાથી દર્દીઓમાં ડેન્ગ્યુના ગંભીર લક્ષણો ઘટી જશે અને હૉસ્પિટલમાં દાખલ થવાની કે મૃત્યુ પામવાની શક્યતામાં મોટો ઘટાડો થશે.
રસી છતાં મચ્છરોથી સાવચેતી રાખવી અનિવાર્ય
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા વર્ષોના લાંબા સંશોધન અને કસોટીઓ બાદ આ રસીને ભારતમાં મંજૂરી મળી છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રસી ઉપલબ્ધ થયા પછી પણ મચ્છરોથી બચવું અને ઘરની આસપાસ સફાઈ રાખવી એટલી જ જરૂરી રહેશે, કારણ કે સાવચેતી જ આ રોગને અટકાવવાનો મૂળ પાયો છે.

દેશમાં ડેન્ગ્યુના કારણે 6 વર્ષમાં 1572 દર્દીઓના મોત
ભારતમાં ડેન્ગ્યુના કેસ અને તેનાથી થતા મૃત્યુના આંકડા દર્શાવે છે કે, વર્ષ 2021થી 2026 દરમિયાન દેશમાં આ બીમારીનો ભારે પ્રકોપ રહ્યો છે.
- વર્ષ 2021માં 1,93,245 કેસ, 346 દર્દીઓના મોત
- વર્ષ 2022માં 2,33,351 કેસ, 303ના મોત થયા
- વર્ષ 2023માં 2,89,235 કેસ, 485 લોકોએ જીવ ગુમાવ્યો
- વર્ષ 2024માં 2,33,519 કેસ, 297 લોકોના મોત
- વર્ષ 2025માં 1,21,824 કેસ, મૃત્યુઆંક 131
- વર્ષ 2026માં 6,927 કેસ, 10ના મોત (28 ફેબ્રુઆરી સુધી)
- કુલ 1,078,101 કેસ, 1572 દર્દીઓના મોત




