Delhi Fire news : દિલ્હીના પાલમ વિસ્તારના સાધ નગરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્યારે બની ઘટના?
દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાલમના સાધ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં સવારે 7 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું, જેમાં એક જ પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા.
30 ફાયર ટેન્ડરો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
દિલ્હી ફાયર સર્વિસને સવારે 7 વાગ્યે આગની જાણ થતા જ તાત્કાલિક ધોરણે 30 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ઈમરજન્સી સેવાઓની મદદથી ઈમારતમાં ફસાયેલા 9 જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્થાનિકોમાં ચીખ-પુકાર અને તણાવ
આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને બિલ્ડિંગમાંથી આવતા ચીખ-પુકારને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા એટલા પ્રચંડ હતા કે બચાવ માટે અંદર જવું અશક્ય બની ગયું હતું.
આગનું કારણ હજુ અસ્પષ્ટ
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આગ રહેણાંક મકાનમાં લાગી હતી અને તેમાં ફસાયેલા લોકો પૈકી 9 લોકોના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું સચોટ કારણ અત્યારે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


