Delhi Fire Tragedy: આજના ડિજિટલ યુગમાં આપણને ગ્રોસરી કે ફાસ્ટ ફૂડ માત્ર 10 મિનિટમાં ઘરના દરવાજે મળી જાય છે. પણ આ સુવિધા વચ્ચે એક કડવી વાસ્તવિકતા છુપાયેલી છે: જ્યારે જિંદગી અને મોતનો સવાલ હોય, ત્યારે આપણી ઈમરજન્સી સેવાઓ ક્યાં હોય છે? દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં આવેલી 'ફ્લોરિશ સ્ટેઝ' (B&B) હોટલમાં લાગેલી ભીષણ આગે આ પ્રશ્નને એક કરુણ વળાંક આપ્યો છે. આ અગ્નિકાંડમાં 12 વિદેશી નાગરિકો સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગ્રાઉન્ડ ફ્લોરથી આગ ફેલાઈ, ઉપરના માળે રોકાયેલા લોકો જીવતા સળગ્યાં
સવારે 8 વાગ્યાની આસપાસ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચન અને કેફેટેરિયામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ પાંચ માળની બિલ્ડિંગમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે રહેનારાઓને બહાર નીકળવાની તક પણ ન મળી.
હોટલ પાસે ફાયર NOC હતું જ નહીં, તંત્ર અત્યાર સુધી ક્યાં હતું?
દુર્ઘટનાની ગંભીરતા ત્યાંથી સમજાય છે કે હોટલ તેની ક્ષમતા કરતા ચાર ગણા વધુ લોકો સાથે કાર્યરત હતી અને તેની પાસે ફાયર સેફ્ટી ક્લિયરન્સ પણ નહોતું. પ્રવાસન વિભાગ અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
સ્થાનિક લોકો બન્યા 'રિયલ હીરો', ગાદલાં પાથર્યા, CPR આપ્યા
જ્યારે સિસ્ટમ ઊંઘતી હતી, ત્યારે સ્થાનિક લોકોએ પોતાની જાન જોખમમાં મૂકીને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ બારીઓના કાચ તોડી લોકોને બહાર કાઢ્યા. ઉપરના માળેથી કૂદવા મજબૂર બનેલા લોકો માટે ગાદલાં પાથર્યા. બેભાન લોકોને CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો.
એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ગુસ્સામાં કહેતા સંભળાય છે, "ફાયર બ્રિગેડ હજુ સુધી નથી આવી, કેટલી ખરાબ સર્વિસ છે તંત્રની! માત્ર એમ્બ્યુલન્સ આવી છે. અંદર ઘણા લોકો ફસાયેલા છે.
સમયનો ખેલ: 3 મિનિટનું અંતર અને 60 મિનિટનો વિલંબ
ઘટનાસ્થળથી ફાયર સ્ટેશન અને પોલીસ સ્ટેશન માત્ર 3 મિનિટના અંતરે હોવા છતાં, ફાયર બ્રિગેડ પહોંચતા લગભગ 50-60 મિનિટ લાગી.
અમને 8.50 વાગ્યે ફોન આવ્યો હતો: ફાયર વિભાગનો દાવો
દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે, અમને 8:50 વાગ્યે કોલ મળ્યો હતો અને અમે તાત્કાલિક સાત ગાડીઓ રવાના કરી હતી, કોઈ વિલંબ થયો નથી. પરંતુ સવાલ એ છે કે 50 મિનિટ સુધી શું કોઈએ કાળા ધુમાડા નહોતા જોયા?
સ્થાનિકો લોકોના જીવ બચાવી રહ્યા હતા ત્યારે પોલીસ-ફાયર વિભાગ ક્યાં હતું?: AAP
આ ઘટના બાદ રાજકારણ પણ તેજ બન્યું છે. AAPની દિલ્હી યુનિટના ચીફ સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે સ્થાનિક લોકો બચાવ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે શું પોલીસ કે ફાયર બ્રિગેડને કંઈ ખબર નહોતી? આટલા નજીક સ્ટેશન હોવા છતાં એક કલાક મોડા પહોંચવું એ ગંભીર બેદરકારી છે.


