અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Crime: દિલ્હીના નરેલા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કથિત બદલાની ભાવનાથી પાંચ વર્ષના બાળકનું અપહરણ કરીને ઈંટ અને છરી વડે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી બાળકનો પિતાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં કામ કરતો ડ્રાઇવર નીતુ હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યાનુસાર, બાળકનો મૃતદેહ આરોપી ડ્રાઈવર નીતુના ભાડાના ઘરમાંથી મળી આવ્યો છે. આરોપી ઘટના બાદથી ફરાર છે.
આરોપીને ઠપકો આપ્યા બાદ બદલો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ બદલો હોવાની શંકા છે. મૃતક બાળકના પિતા, જે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે, તેમણે એક દિવસ પહેલા જ આરોપી નીતુને ખરાબ વર્તન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને કથિત રીતે બે થપ્પડ પણ મારી હતી.
મૃતકના પિતાએ તેમના બે ડ્રાઇવરો, નીતુ અને વસીમને નોકરીએ રાખ્યા હતા. દારૂના નશામાં બંને ડ્રાઇવરો વચ્ચે ઝઘડો થયો, જેમાં નીતુએ કથિત રીતે વસીમને માર માર્યો. ટ્રાન્સપોર્ટર (બાળકના પિતા)ને આ વાતની જાણ થતાં, તેમણે નીતુને ઠપકો આપીને માર માર્યો, જેનાથી નીતુ અપમાનિત થયો. આ અપમાનનો બદલો લેવા માટે, નીતુએ બાળકના ઘરની બહાર રમતા પાંચ વર્ષના બાળકનું અપહરણ કર્યું. ત્યારબાદ બાળકને ભાડાના રૂમમાં લઈ જઈને ઈંટો અને છરી વડે તેની ઘાતકી હત્યા કરી દીધી.
બાળકના અપહરણની જાણ નરેલા ઔદ્યોગિક વિસ્તાર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, જ્યારે પરિવારજનો અને પડોશીઓએ શોધખોળ શરૂ કરી ત્યારે મૃતદેહ નીતુના ભાડાના રૂમમાંથી મળી આવ્યો.
પોલીસની કાર્યવાહી
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે આ મામલે FIR નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ડ્રાઈવર નીતુ, ફરાર છે. તેને શોધવા અને ધરપકડ કરવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે." પોલીસ આરોપીને વહેલી તકે પકડવા માટે સઘન તપાસ કરી રહી છે.'








