Get The App

મુંબઈથી અમેરિકા ફ્લાઇટમાં અધવચ્ચે ગરબડ, 3 કલાક હવામાં રહ્યા બાદ એર ઇન્ડિયાનું વિમાન પાછું ફર્યું

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈથી અમેરિકા ફ્લાઇટમાં અધવચ્ચે ગરબડ, 3 કલાક હવામાં રહ્યા બાદ એર ઇન્ડિયાનું વિમાન પાછું ફર્યું 1 - image

Air India Mumbai-USA Flight News : મુંબઈથી અમેરિકાના નેવાર્ક માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI191માં બુધવારે સવારે ટેકનિકલ ખામી સર્જાતા તેને મુંબઈ પાછી વાળવાની ફરજ પડી હતી. બોઇંગ 777 વિમાને રાત્રે લગભગ 1:30 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય હવામાં રહ્યા બાદ તેને મુંબઈમાં સુરક્ષિત રીતે લૅન્ડ કરવામાં આવ્યું હતું.

એર ઇન્ડિયાએ આ ઘટના અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, "ફ્લાઇટ AI191ના ચાલક દળે શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે વિમાનને મુંબઈ પાછું લાવવાનો નિર્ણય કર્યો હતો. વિમાન સુરક્ષિત રીતે લૅન્ડ થઈ ગયું છે અને હાલ તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે."

આ ઘટનાને કારણે, એર ઇન્ડિયાએ ફ્લાઇટ AI191 (મુંબઈથી નેવાર્ક) અને તેની રીટર્ન ફ્લાઇટ AI144 (નેવાર્કથી મુંબઈ) બંનેને રદ કરી દીધી છે. એરલાઇને જણાવ્યું કે મુંબઈમાં પ્રભાવિત થયેલા મુસાફરો માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને એર ઇન્ડિયા અથવા અન્ય એરલાઇન્સની વૈકલ્પિક ફ્લાઇટમાં રી-બુક કરવામાં આવ્યા છે.

તે જ સમયે, નેવાર્કમાં ફસાયેલા મુસાફરોને પણ ફ્લાઇટ રદ થવાની જાણ કરી દેવામાં આવી છે અને તેમના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, ફ્લાઇટમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.