દિલ્હી કોંગ્રેસ ધરણા : ‘રાહુલ ગાંધી પોતાની વાતમાંથી ફરી ગયા, લોકશાહીની મર્યાદા નેવે મૂકી’ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jitendra Singh On Delhi Congress Protest : નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન નેતા વિપક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારે NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગ સ્વીકારી લીધી હોવા છતાં રાહુલ ગાંધી પોતાની શરત બદલીને હવે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડી ગયા છે. જિતેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી જેવા વરિષ્ઠ નેતાનું પોતાની વાતમાંથી ફરી જવું એ અત્યંત કમનસીબ અને લોકશાહીના સિદ્ધાંતોથી વિપરીત છે.
NEET પર સંસદમાં ચર્ચા કરવા સરકાર તૈયાર : જિતેન્દ્ર સિંહ
જિતેન્દ્ર સિંહે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સાથે હું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળવા પહોંચ્યો હતો. અમે રાહુલ ગાંધીને આ બિન-અધિકૃત જગ્યાએથી ધરણા સમાપ્ત કરવા વિનંતી કરી હતી, કારણ કે તેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા થઈ રહી હતી. રાહુલ ગાંધીએ શરત મૂકી છે કે જો સરકાર સંસદમાં NEET અને આંદોલન જોડાયેલા તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર થાય, તો તેઓ તુરંત ધરણાં પૂરા કરી દેશે. સરકારે વરિષ્ઠ નેતૃત્વની મંજૂરી લઈને તેમની ચર્ચાની માંગ તુરંત સ્વીકારી લીધી હતી.'
'ચર્ચાની માંગ પૂરી થઈ તો રાજીનામું માંગવા લાગ્યા'
જ્યારે સરકાર તરફથી ચર્ચાની ખાતરી આપવામાં આવી ત્યારે રાહુલ ગાંધીએ પોતાનો સૂર બદલ્યો હતો. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 'માહિતી પહોંચાડતા જ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આટલાથી નહીં માને અને તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ ખાતરી માંગી. તેમણે કહ્યું કે હવે મારી બે માંગણીઓ છે - સંસદમાં ચર્ચા અને શિક્ષણ મંત્રીનું રાજીનામું.' જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે પહેલાં માત્ર ચર્ચાની માંગ હતી, તો તેમણે જવાબ આપ્યો કે, 'હવે મારી માંગણીઓ બદલાઈ ગઈ છે.'
‘જ્યાં મરજી હોય ત્યાં બેસીશ, મારી મરજી : રાહુલ ગાંધી’
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે રાહુલ ગાંધીએ વહીવટી વિનંતીઓને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે, 'જ્યારે તેમને વિનમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કરાયો કે આટલા વરિષ્ઠ નેતાને વાતથી ફરી જવું શોભતું નથી, તો તેમણે કહ્યું કે 'એ મારી મરજી છે.' ગૃહ સચિવે જ્યારે સ્થળ અનુકૂળ ન હોવાનું કહ્યું ત્યારે પણ તેમનો જવાબ હતો કે 'એ મારી મરજી છે કે હું ક્યાં બેસું.' જિતેન્દ્ર સિંહે ઉમેર્યું કે કોંગ્રેસે આજે પણ આ ગંભીર વિષય પર સંસદમાં નિયમ મુજબ ચર્ચા માટે કોઈ સત્તાવાર નોટિસ આપી નથી.
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહી સામે કોંગ્રેસનું પ્રદર્શન
નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી કથિત કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે પ્રધાનમંત્રી આવાસ તરફ માર્ચ કરીને ધરણા-પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, પવન ખેડા, અમરિંદર સિંહ રાજા વડિંગ, દીપેન્દ્ર હુડ્ડા અને કર્ણાટકના મુખ્યમંત્રી ડિકે શિવકુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. છેલ્લા રિપોર્ટ મુજબ, પોલીસે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓની ટિંગાટોળી કરીને અટકાયત કરી દીધી છે.
'પીએમ અને ગૃહમંત્રી દેશના યુવાનોનું ભવિષ્ય બગાડવા બદલ રાજીનામું આપે'
પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, 'અમે ગઈકાલે વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા અંગે પ્રધાનમંત્રી મોદી પાસે જવાબ માંગવા તેમના ઘર તરફ માર્ચ કરી રહ્યા છીએ. સરકાર ન તો જવાબદારી નક્કી કરવા માંગે છે કે ન તો સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરાવવા માંગે છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ દેશના યુવાનોનું ભવિષ્ય બગાડવા બદલ રાજીનામું આપવું જોઈએ.' કોંગ્રેસ નેતાઓએ વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહીની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે.









