India

ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદા મામલે બે જજોના અલગ અભિપ્રાય, હવે ચીફ જસ્ટિસ કરશે નિર્ણય

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023ના કાયદાની કાયદેસરતા પડકારતી અરજીઓ પર મહત્ત્વનો આદેશ આપ્યો છે. જસ્ટિસ દત્તા અને જસ્ટિસ શર્માના અલગ-અલગ અભિપ્રાયને કારણે, હવે 3 જજોની બેન્ચ નક્કી કરશે કે આ કેસ 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ સુનાવણી માટે મોકલવો કે નહીં. આ કાયદામાં CJIને બદલે કેબિનેટ મંત્રીને પસંદગી સમિતિમાં સામેલ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદા મામલે બે જજોના અલગ અભિપ્રાય, હવે ચીફ જસ્ટિસ કરશે નિર્ણય

Supreme Court On CEC EC Act 2023 : સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આ આદેશમાં બે જજોનો અભિપ્રાય અલગ-અલગ રહ્યો હતો. હવે ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદા અંગેનો નિર્ણય મોટી બેન્ચ કરશે. મામલાને મોટી બેન્ચ સમક્ષ મોકલવા મુદ્દે જસ્ટિસ દત્તા અને જસ્ટિસ શર્મા એકમત નથી. હવે સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચ એ નક્કી કરશે કે આ કેસની સુનાવણી 5 જજોની બંધારણીય બેન્ચ કરે કે નહીં. આ મામલો બંધારણીય બેન્ચ પાસે મોકલાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ વહેંચાયેલો આદેશ CEC(મુખ્ય ચૂંટણી કમિશનર) અને ECs(ચૂંટણી કમિશનરો) કાયદાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે 30 જુલાઈએ આદેશ અનામત રાખ્યો

સુપ્રીમ કોર્ટમાં 2023ના ચૂંટણી કમિશનર અધિનિયમને પડકારતી અરજીઓને મોટી બેન્ચ સમક્ષ મોકલવાની માગ કરવામાં આવી હતી. આ કાયદામાં ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેની પસંદગી સમિતિમાંથી દેશના મુખ્ય ન્યાયાધીશ(CJI)ની જગ્યાએ એક કેબિનેટ મંત્રીને સામેલ કરવામાં આવ્યા છે. આ જોગવાઈને જ પડકારવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે બંધારણની કલમ 145(3) હેઠળ આ મામલો મોટી બેન્ચ સમક્ષ મોકલવા માટે અપીલ કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે 30 જુલાઈએ આ માગ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

અમારો અભિપ્રાય અલગ-અલગ છે: જસ્ટિસ દત્તા

જસ્ટિસ દત્તાએ સરકારની આ માગ ફગાવી દીધી અને 2023ના કાયદાને પડકારતા આ કેસ પર પોતાનો પ્રારંભિક અભિપ્રાય આપ્યો છે. જસ્ટિસ દત્તાએ આદેશ આપતાં કહ્યું કે, અમે આ અરજીઓ પર પાંચ કરતાં વધુ દિવસ સુધી સુનાવણી કરી. એકમત થઈને આદેશ આપવાથી સંસ્થાકીય એકતાને બળ મળે છે, પણ કમનસીબે, અમારો અભિપ્રાય અલગ-અલગ છે. બંધારણીય વ્યવસ્થાનો આ મૂળભૂત સિદ્ધાંત છે કે શાસકો પણ કાયદાથી બંધાયેલા હોય છે, કાયદાથી ઉપર નહીં.

નિર્ણય મોટી બેન્ચે કરવો જોઈએ: જસ્ટિસ શર્મા

જસ્ટિસ શર્માએ જસ્ટિસ દત્તાના વિચારો સાથે અસહમતિ દર્શાવી. તેમણે કહ્યું કે, આ કેસમાં કાયદાનો એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન સંકળાયેલો છે, જેનો નિર્ણય મોટી બેન્ચે જ કરવો જોઈએ. મતભેદના કારણે બેન્ચે આદેશ આપ્યો કે આ મામલો દેશના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલવામાં આવે. તેઓ નક્કી કરશે કે બંધારણીય બેન્ચ બનાવીને આ કાયદાની માન્યતા અંગે નિર્ણય લેવો કે નહીં. જસ્ટિસ દત્તાએ નોંધ્યું કે ચૂંટણી પંચ માત્ર સ્વતંત્ર હોવું પૂરતું નથી, પરંતુ તે સ્વતંત્ર દેખાવું પણ જોઈએ.

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન દ્વારા નિયુક્ત મંત્રી પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તેઓ વડાપ્રધાન વિરુદ્ધ જાય, કારણ કે સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત તેમને અટકાવે છે. જસ્ટિસ દત્તાએ કહ્યું કે, કેબિનેટ મંત્રી પોતાના નેતા કે સરકાર સાથે અસહમત થશે તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. મંત્રીઓને સામેલ કરવાથી તે નિષ્પક્ષ સંતુલન મળતું નથી, જે યોગ્ય અને તટસ્થ પસંદગી માટે જરૂરી છે.

અરજીઓમાં શું કહેવામાં આવ્યું છે?

2023ના કાયદા અનુસાર ચૂંટણી કમિશનરોની નિમણૂકની પેનલમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી સામેલ છે. અરજીઓમાં જણાવાયું છે કે મુખ્ય ન્યાયાધીશને પસંદગી પ્રક્રિયામાંથી બહાર રાખવા તે સ્વતંત્ર ચૂંટણી પંચની બંધારણીય જરૂરિયાતનું ઉલ્લંઘન છે. આ વિવાદ 'અનૂપ બરનવાલ વિરુદ્ધ ભારત સરકાર' કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 2023માં આપેલા આદેશમાંથી ઊભો થયો છે. તે આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સંસદ નવો કાયદો ન બનાવે, ત્યાં સુધી નિમણૂકો વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ જ કરશે.