India

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં

By GS Team
23 May 20262 mins read
TukuTouch Logo
દેશના બે અલગ-અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં શુક્રવારે મોડી રાત્રે બે ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ બંને દર્દનાક અકસ્માતોમાં કુલ 9 લોકોના ઘટનાસ્થળે તેમજ સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં

Deadly Road Accidents | દેશના બે અલગ-અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં શુક્રવારે મોડી રાત્રે બે ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ બંને દર્દનાક અકસ્માતોમાં કુલ 9 લોકોના ઘટનાસ્થળે તેમજ સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

યુપીના બારાબંકીમાં ઘર બહાર સૂતેલા પરિવારને ડમ્પરે કચડ્યો, 4ના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારે ગરમી અને વીજળી ગુલ હોવાના કારણે 35 વર્ષીય નીરજ નામનો વ્યક્તિ તેની પત્ની આરતી અને ત્રણ બાળકો સાથે ઘરની બહાર રોડ કિનારે સૂતો હતો. રાત્રે આશરે બે વાગ્યે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પહેલા ઝાડ સાથે અથડાયા બાદ રોડ કિનારે સૂતેલા આ આખા પરિવાર પર ફરી વળ્યું હતું.

આ અકસ્માતમાં નીરજ (35 વર્ષ) અને તેના 13 વર્ષના પુત્ર અનુરાગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી દીકરી અંશિકા (1 0 વર્ષ) અને દીકરા આશુ (6 વર્ષ) એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ, એક જ પરિવારના ૪ સભ્યો કાળનો કોળિયો બની ગયા છે. મૃતક નીરજ ભાડેથી વાહન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તેની પત્ની આરતીની હાલત ગંભીર હોવાથી તેને લખનઉની લોહિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

કર્ણાટકના કલબુર્ગીમાં કાર અને લોરી વચ્ચે પ્રચંડ ટક્કર, 5ના ઘટનાસ્થળે જ મોત

બીજી તરફ, કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના લાડજાપુર વિસ્તાર પાસે પણ શુક્રવારે મોડી રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી લોરી (ટ્રક) અને કાર વચ્ચે સામેસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના કુરચેકુરચા ઊડી ગયા હતા અને કારમાં સવાર તમામ 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ કલબુર્ગીના પોલીસ અધિક્ષક એ. શ્રીનિવાસુલુ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનોની અતિશય ઝડપ અને બેદરકારી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે. આ બંને અકસ્માતોના કારણે સ્થાનિક વિસ્તારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.