India

CJP આંદોલનનો 11મો દિવસ: જંતર-મંતર પર સોનમ વાંગચુકની તબીયત લથડી, ભાજપ નેતાએ પ્રદર્શનકારીઓને વાયરસ કહેતા વિવાદ

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)નો NEET પરીક્ષા ગેરરીતિ સામે વિરોધ 11મા દિવસે પહોંચ્યો છે. ભૂખ હડતાલ પર ઉતરેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની તબિયત લથડતાં ચિંતા વધી છે, તેમનું બ્લડ શુગર 66 નોંધાયું. ભાજપ નેતાએ પ્રદર્શનકારીઓને "વાયરસ" કહેતાં વિવાદ થયો છે. CJPએ સરકાર સામે જવાબદારીની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJP આંદોલનનો 11મો દિવસ: જંતર-મંતર પર સોનમ વાંગચુકની તબીયત લથડી, ભાજપ નેતાએ પ્રદર્શનકારીઓને વાયરસ કહેતા વિવાદ

Jantar Mantar CJP Protest : દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)નું વિરોધ પ્રદર્શન મંગળવારે 11મા દિવસમાં પ્રવેશ્યું છે. NEET સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિઓ મુદ્દે શરૂ થયેલું આ આંદોલન હવે સરકાર સામે જવાબદારીની માંગ સાથે મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું છે. આ દરમિયાન ભૂખ હડતાલ પર ઉતરેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની તબિયત લથડતાં ચિંતા વધી ગઈ છે. બીજીતરફ ભાજપ નેતાએ પ્રદર્શનકારીઓને વાયરસ કહેતા વિવાદ થયો છે.

સોનમ વાંગચુકનું બ્લડ શુગર લેવલ ઘટ્યું
સોનમ વાંગચુકની ભૂખ હડતાલનો આજે ત્રીજો દિવસ છે. તબીબી તપાસમાં તેમનું બ્લડ શુગર લેવલ સામાન્યથી ઓછું એટલે કે 66 નોંધાયું છે. આ સિવાય તેમનું બ્લડ પ્રેશર 117/60, ઓક્સિજન સેચ્યુરેશન 96 અને પલ્સ રેટ 92 છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કાળઝાળ ગરમીમાં અન્ન વિના રહેવું જોખમી છે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ ચેતવણી આપી છે કે જો વાંગચુકને કંઈ પણ થશે તો તેના માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાબદાર રહેશે.

ભાજપ અધ્યક્ષના નિવેદન પર વિવાદ
ભાજપ અધ્યક્ષ નિતિન નવીને પ્રદર્શનકારીઓની સરખામણી વાયરસ સાથે કરતાં વિવાદ સર્જાયો છે. CJPના સ્થાપક અભિજીત દિપકેએ આ ભાષા સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે, અગાઉ શિક્ષણ મંત્રીએ પ્રદર્શનકારીઓને આતંકવાદી કહ્યા હતા અને હવે ભાજપ અધ્યક્ષ તેમને વાયરસ કહી રહ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘અમે વાયરસ નથી, પરંતુ વાયરસ સામેની વેક્સિન છીએ.’

પરીક્ષા તંત્રની નિષ્ફળતા અને પેપર લીકનો આક્ષેપ
અભિજીત દિપકેએ રાજસ્થાન પેરામેડિકલ કાઉન્સિલની પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવતા દાવો કર્યો કે જયપુરની એક કોલેજમાંથી પેપર લીક થયું હતું. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે આ લડાઈ માત્ર NEET પૂરતી સીમિત નથી, જો આજે અવાજ નહીં ઉઠાવો તો ભવિષ્યમાં અન્ય પેપર પણ લીક થઈ શકે છે. તેથી ડર્યા વગર આ આંદોલનમાં જોડાવવું જરૂરી છે.

જંતર-મંતર પર અવરોધો અને પોલીસ બંદોબસ્ત
પ્રદર્શનના સ્થળે જવા માટે લોકોને રોકવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ CJP દ્વારા કરાયો છે. કેટલાક લોકોને આઈડી કાર્ડ ન હોવાને કારણે એન્ટ્રી આપવામાં આવી ન હતી, જેની સામે સવાલ ઉઠાવતા દિપકેએ પૂછ્યું કે શું સામાન્ય નાગરિકને જંતર-મંતર જવા માટે પણ આઈડી કાર્ડની જરૂર પડે? આ ઉપરાંત ખેડૂત નેતાઓ અને સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ્સને આવતા રોકવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને કેટલાક નેતાઓને હાઉસ અરેસ્ટ પણ કરાયા છે. તમામ પાબંદીઓ છતાં આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ પ્રદર્શનકારીઓએ વ્યક્ત કર્યો છે.