India

ભ્રષ્ટાચારીઓ બાળકોનું ભોજન ખાઈ ગયા... મિડ-ડે મીલ વિના 14 લાખનું બિલ, યુપીમાં નવું કૌભાંડ!

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મધ્યાહન ભોજન કૌભાંડ સામે આવ્યું છે. તાજપુર મુડિયારી કોલેજમાં આચાર્ય અને વચેટિયાઓએ 2 વર્ષ સુધી બાળકોને ભોજન ન આપી, કાગળ પર ખોટી હાજરી પૂરી 14 લાખથી વધુ રૂપિયા પચાવી પાડ્યા. DMની ગુપ્ત તપાસમાં ભાંડો ફૂટ્યો, જે બાદ નાણાં વસૂલાત અને કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભ્રષ્ટાચારીઓ બાળકોનું ભોજન ખાઈ ગયા... મિડ-ડે મીલ વિના 14 લાખનું બિલ, યુપીમાં નવું કૌભાંડ!

UP Ballia Mid Day Meal Scam : ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં સરકારી મધ્યાહન ભોજન (મિડ-ડે મીલ) યોજનામાં એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો સુધી ભોજન પહોંચાડવાને બદલે ભ્રષ્ટાચારીઓ 14 લાખ રૂપિયાનું બિલ પચાવી ગયા છે. બલિયા વિસ્તારની એક શાળામાં છેલ્લા 2 વર્ષથી માત્ર કાગળ પર જ મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી હતી. બાળકોને ભોજન પહોંચાડ્યા વગર જ તંત્રમાંથી 14 લાખ રૂપિયાથી વધુની રકમની ચુકવણી પણ કરી દેવામાં આવી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

તાજપુર મુડિયારી કોલેજમાં કાગળ પર ખોટી હાજરી પૂરી આચર્યું કૌભાંડ

મળતી માહિતી મુજબ, આ સમગ્ર કૌભાંડ બલિયાના બાંસડીહ સ્થિત ઈન્ટર કોલેજ તાજપુર મુડિયારીમાં આચરવામાં આવ્યું છે. શાળાના આચાર્ય અને વચેટિયાઓએ મળીને છેલ્લા 2 વર્ષ દરમિયાન બાળકોને ભોજન પીરસવાને બદલે માત્ર રજિસ્ટર અને કાગળ પર ખોટી હાજરી દર્શાવી હતી. દૈનિક ધોરણે બાળકો ભોજન લેતા હોવાના ખોટા ચોપડા બનાવીને લાખો રૂપિયાનું નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને સરકારી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભેગી કરી લીધી હતી.

ડીએમની ગુપ્ત તપાસમાં કૌભાંડનો ભાંડો ફૂટ્યો

આ ગંભીર આક્ષેપો અને અનિયમિતતાઓ અંગે જાણ થતાં જ બલિયાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) દ્વારા સમગ્ર મામલે ગુપ્ત રીતે ચકાસણી કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન શાળામાં ભોજન આપ્યા વિના જ બિલ મંજૂર કરાવાયા હોવાના પુરાવા મળી આવ્યા હતા. જેના આધારે આ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે તૈયાર કરવામાં આવેલો વિસ્તૃત તપાસ રિપોર્ટ હાલ ડીએમને સોંપી દેવામાં આવ્યો છે અને જવાબદારો સામે કાર્યવાહીની કવાયત શરૂ કરવામાં આવી છે.

2024-25 અને 2025-26 નાણાકીય વર્ષમાં આચર્યું કૌભાંડ, નાણાં વસૂલાત શરૂ

તપાસ રિપોર્ટ મુજબ, આ સમગ્ર નાણાકીય ગરબડ નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન આચરવામાં આવી હતી. સરકારી તિજોરીમાંથી બારોબાર ચોરી કરી લેવાયેલા આ 14 લાખ રૂપિયા કૌભાંડ આચરનારા આચાર્ય અને વચેટિયાઓ પાસેથી પરત મેળવવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. બાળકોના પોષણ માટેની રકમ પચાવી પાડનારા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.