‘કોંગ્રેસના વિરોધમાં ગંભીરતા નહોતી...’ સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિના આકરા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Wife Gitanjali Angmo On Congress Protest : નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોંગ્રેસની આકરા શબ્દોમાં ટીકા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, 21 જુલાઈના આ પ્રદર્શનમાં ગંભીરતાનો અભાવ હતો. કોંગ્રેસના નેતાઓએ પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સાથે જોડાવાની જરૂર હતી.
નેતાઓ વાંગચુકની પ્રતિષ્ઠાનો લાભ લઈ રહ્યા છે: ગીતાંજલિ
સોનમ વાંગચુકની લડાઈને આગળ ધપાવી રહેલા આંગ્મોએ જણાવ્યું કે, રાજકારણીઓ હવે વાંગચુક અને તેમની પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ જાગૃત બની ચૂકેલી દેશની જનતાને હવે વધુ મૂર્ખ બનાવી શકાશે નહીં. જે લોકો પ્રામાણિક નથી તેમને દેશનો યુવા વર્ગ બહારનો રસ્તો બતાવી દેશે.
વિરોધ પ્રદર્શનને ગેર-રાજકીય ગણાવ્યું
આંગ્મોએ સ્પષ્ટ કર્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે ગેર-રાજકીય છે અને તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી. તેમના માટે વિપક્ષ કે સરકાર બંનેમાંથી કોઈ ખાસ નથી, પરંતુ દેશની સંસદ જ સૌથી મોટી સંસ્થા છે. સંસદ શિક્ષણને એક મૂળભૂત મુદ્દા તરીકે જુએ તે જરૂરી છે. કોઈપણ રાજકીય હેતુ વગર આવનારા લોકોનું આંદોલનમાં સ્વાગત છે.
વિદ્યાર્થીઓ સામે પગલાં ન લેવાની માંગણી
ગયા સપ્તાહે જંતર-મંતર પરથી હટાવાયા બાદ વાંગચુક હૉસ્પિટલમાંથી જ પોતાની ભૂખ હડતાલ ચાલુ રાખી રહ્યા છે, જ્યાં ગુરુવારે તેમના અનશનનો 26મો દિવસ છે. તેમણે પોતાની ભૂખ હડતાલ સમાપ્ત કરવા માટે માંગણીઓની યાદી જાહેર કરી છે, જેમાં 20 જુલાઈના માર્ચમાં સામેલ થનારા કોઈપણ વિદ્યાર્થી સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે તેવી મુખ્ય માંગ સામેલ છે.
શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે આશ્વાસન
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હૉસ્પિટલમાં વાંગચુક સાથે મુલાકાત કરી હતી. વાંગચુકના જણાવ્યા મુજબ, બંને મંત્રીઓએ તેમને આશ્વાસન આપ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર યોગ્ય વિચારણા કરવામાં આવશે.









