Tamilnadu TVK Vijay News : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. તમિલગા વેત્રિ કઝગમ (TVK) ના અધ્યક્ષ વિજયે સરકાર રચવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું હતું, જેને કોંગ્રેસે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. તમિલનાડુના યુવાનો અને જનતાએ એક બિનસાંપ્રદાયિક અને કલ્યાણકારી સરકાર માટે જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેને માન આપી કોંગ્રેસે વિજયના રાજકીય પક્ષને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
કોંગ્રેસની શું માગ?
તમિલનાડુની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. 2021 અને 2026ની ચૂંટણીમાં DMK સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસે હવે વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ ટેકાના બદલામાં કેબિનેટમાં બે મંત્રી પદ અને સરકારી બોર્ડના અધ્યક્ષ પદની માંગણી કરી શકે છે.
બિનસાંપ્રદાયિકતાને ધ્યાનમાં રાખીને ગઠબંધન
આ મુદ્દે જાહેર કરાયેલી પ્રેસ નોટ પ્રમાણે, કોંગ્રેસે આ સમર્થન માટે શરત મૂકી છે કે આ ગઠબંધનથી તમામ કોમવાદી તાકાતોને દૂર રખાશે, જે ભારતીય બંધારણમાં વિશ્વાસ ધરાવતી નથી. આ ગઠબંધન તમિલનાડુમાં 'પેરુન્થલાઈવર કામરાજ'ના સુવર્ણ યુગને પરત લાવવા માટે કામ કરશે, જેમાં થાન્થાઈ પેરિયારના સામાજિક ન્યાયના આદર્શો અને ડૉ. બી.આર. આંબેડકરના બંધારણીય મૂલ્યોનો સમન્વય હશે. આ માત્ર સરકાર રચવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ માટે પણ પરસ્પર સન્માન અને જવાબદારીના આધારે કરાયેલું ગઠબંધન છે.
કોંગ્રેસનો ઉદ્દેશ્ય ભાજપને સત્તાથી દૂર રાખવાનો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, જનતાનો આદેશ સીધો ડીએમકે (DMK) સરકારની વિરુદ્ધમાં છે અને તેમાં કોંગ્રેસનો કોઈ વાંક ન હોવા છતાં તેને નુકસાન વેઠવું પડ્યું છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે 'X' પર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓ પોતાની બેઠકો હારી ગયા છે, જે સ્પષ્ટ કરે છે કે જનતાએ વર્તમાન સરકારને નકારી દીધી છે. હવે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) સાથે હાથ મિલાવવાની વ્યૂહરચના પર વિચાર કરી શકે છે. કોંગ્રેસનું માનવું છે કે ડીએમકેની હારના કારણે તેમને બિનજરૂરી નુકસાન થયું છે, તેથી હવે તેઓ ભાજપ વિરુદ્ધ લડતી શક્તિઓ સાથે ઊભા રહેવાના વિકલ્પો ચકાસી રહ્યા છે.
ડીએમકે ભડકી, કોંગ્રેસને દગાબાજ ગણાવી
તમિલનાડુમાં થલપતિ વિજયની પાર્ટી 'ટીવીકે'(TVK)એ 108 બેઠકો સાથે મેળવેલી ભવ્ય જીત બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને વર્ષો જૂનું ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે. કોંગ્રેસે વિજયને શરતી ટેકો જાહેર કરતાં ડીએમકે(DMK)એ કોંગ્રેસને 'દગાબાજ' અને 'પીઠમાં છરો ભોંકનાર' ગણાવી તીખી પ્રતિક્રિયા આપી છે. ડીએમકેના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને કારણે આવી હતી અને જ્યારે ભાજપ રાહુલ ગાંધીને ટ્રોલ કરતું હતું ત્યારે સ્ટાલિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે એઆઇએડીએમકે(AIADMK)ને સત્તાથી દૂર રાખવા અને ભાજપને રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી છે, જેના માટે વિજયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને સમર્થન પણ માંગ્યું છે.
આંકડાનું ગણિત: શા માટે વિજય હજુ પણ સરકાર બનાવવાથી દૂર?
તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. ચૂંટણી પરિણામોની સ્થિતિ નીચે મુજબ છે.
TVKની બેઠકો: 108 બેઠકો મેળવી છે.
કોંગ્રેસનો સાથ: કોંગ્રેસના 5 ધારાસભ્યો છે, જેમના ટેકા બાદ આ આંકડો 113 પર પહોંચે છે.
વધારાની જરૂરિયાત: કોંગ્રેસના સમર્થન છતાં વિજયને સરકાર બનાવવા માટે હજુ પણ 5 અન્ય ધારાસભ્યોના ટેકાની જરૂર પડશે.
સીટોનું સમીકરણ અને ટેકનિકલ અડચણો
વિજય માટે બહુમતી સાબિત કરવી એટલી સરળ નથી કારણ કે કેટલીક ટેકનિકલ બાબતો આંકડાકીય ખેલ બગાડી શકે છે: વિજય 'પેરમ્બુર' અને 'તિરુચિરાપલ્લી પૂર્વ' એમ બંને બેઠકો પરથી જીત્યા છે. નિયમ મુજબ તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, જેનાથી TVKની સંખ્યા ઘટીને 107 થઈ જશે.
સ્પીકરનું પદ પણ ગુંચવાશે
જો TVK પોતાના સ્પીકરની નિમણૂક કરે, તો તેઓ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મતદાન કરી શકશે નહીં, જેનાથી પાર્ટીની અસરકારક મતદાન ક્ષમતા 106 પર આવી જશે. આ સંજોગોમાં વિજયને પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે કુલ 12 વધારાના ધારાસભ્યોના સમર્થનની જરૂર પડી શકે છે.
7મી મેના રોજ શપથ ગ્રહણની શક્યતા
રાજકીય ચર્ચાઓ મુજબ, વિજય બુધવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જો બધું યોજના મુજબ પાર ઉતરશે, તો 7 મેના રોજ વિજય મુખ્યમંત્રી તરીકે અને તેમની સાથે અન્ય 9 મંત્રીઓ શપથ લઈ શકે છે. હાલમાં TVK અન્ય પક્ષો જેવા કે VCK અને લેફ્ટ પાર્ટીઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે.


