India

કેરળ પેટાચૂંટણી: કોંગ્રેસ છાવણીમાં સોપો, ‘Twenty 20’એ ખોલ્યું NDAનું ખાતું, LDFની બેઠકો વધી

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
કેરળના 12 જિલ્લાના 38 સ્થાનિક સ્વરાજ્ય વોર્ડની પેટાચૂંટણીમાં કોંગ્રેસના UDFને મોટો ફટકો પડ્યો છે. LDF એ 18 અને NDA એ 1 બેઠક જીતી, જ્યારે UDFને 19 બેઠકો મળી. અગાઉ 22 બેઠકો ધરાવતા UDFને 3 બેઠકોનું નુકસાન થયું, જ્યારે LDFને ફાયદો થયો. સત્તામાં આવ્યા બાદ આ UDF માટે પ્રથમ મોટો પડકાર હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરળ પેટાચૂંટણી: કોંગ્રેસ છાવણીમાં સોપો, ‘Twenty 20’એ ખોલ્યું NDAનું ખાતું, LDFની બેઠકો વધી

Kerala Local Body Bypolls : કેરળમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યમાં 12 જિલ્લાના 38 સ્થાનિક સંસ્થા વોર્ડમાં યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સત્તામાં આવ્યા બાદ UDF માટે આ પહેલો મોટો ટેસ્ટ હતો, જેમાં તેણે બેઠકો ગુમાવવી પડી છે, જ્યારે ડાબેરી પક્ષોના ગઠબંધન LDFએ નોંધપાત્ર બેઠકો મેળવીને વાપસી કરી છે.

38 બેઠકોનું અંતિમ પરિણામ અને પક્ષોની સ્થિતિ

આ પેટાચૂંટણીમાં UDF ગઠબંધને 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે CPI-M ની આગેવાની હેઠળના LDF ના ખાતામાં 18 બેઠકો આવી છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 1 બેઠક પર જીત હાંસલ કરી છે. આ એક બેઠક NDAના સાથી પક્ષ ટ્વેન્ટી-20 (Twenty 20) દ્વારા જીતવામાં આવી છે. અગાઉ આ 38 બેઠકોમાંથી UDF પાસે 22, LDF પાસે 15 અને NDA પાસે 1 બેઠક હતી. આમ, ઉપચૂંટણીમાં LDFને 3 બેઠકોનો સીધો ફાયદો થયો છે, જ્યારે સત્તાધારી UDFને 3 બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે.

કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં બેઠકો ઘટી

UDF એ પોતાના કબજાવાળી કેટલીક મહત્ત્વની બેઠકો ગુમાવી દીધી છે. જેમાં ચિરાયિનકીઝૂ વિધાનસભા વિસ્તારની 2 બેઠકો પણ સામેલ છે. પથાનમથિટ્ટા જિલ્લામાં UDF એ તમામ વોર્ડ જીતી લીધા હતા, પરંતુ કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા એર્નાકુલમ જિલ્લામાં પક્ષ 4 માંથી માત્ર 2 બેઠકો જ જીતી શક્યો હતો. કોટ્ટાયમ જિલ્લામાં UDF એ 3 માંથી 2 બેઠકો જીતી છે. બીજી તરફ પલક્કડ જિલ્લામાં LDF નો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં તેણે 7 માંથી 4 બેઠકો પર જીત મેળવી છે.

જીતનું માર્જિન પણ ઘટ્યું

વાયનાડ જિલ્લાના મનંથાવડી વિસ્તારના પલ્લીકલ ડિવિઝન અને કોઝિકોડ જિલ્લાના કુટ્ટીચિરા વોર્ડમાં UDF ના ઉમેદવારો વિજયી બન્યા છે, પરંતુ તેમની જીતનું માર્જિન ઘણું ઘટી ગયું છે. અગાઉ જ્યાં આ બેઠકો પર 1000 થી વધુ મતોની સરસાઈ મળતી હતી, ત્યાં આ વખતે માત્ર અમુક સો મતોના અંતરથી જ જીત મળી શકી છે. રાજ્યમાં સત્તા પરિવર્તન પછી સરકારી હોસ્પિટલોમાં દવાની અછત સહિતના પ્રશ્નોને લઈને વિપક્ષ સતત આક્રમક રહ્યો છે, જેની અસર પરિણામોમાં જોવા મળી છે.

ચૂંટણીમાં 58.81 ટકા મતદાન નોંધાયું

રાજ્યના કોલ્લમ અને અલાપ્પુઝા સિવાયના 12 જિલ્લાઓમાં આ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 126 ઉમેદવારો મેદાનમાં હતા. સમગ્ર ચૂંટણીમાં કુલ 58.81 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો કન્નૂરમાં સૌથી વધુ 84.55 ટકા અને કોટ્ટાયમમાં સૌથી ઓછું 54.24 ટકા મતદાન થયું હતું. કુલ 1,82,160 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 84,070 પુરૂષો અને 98,090 મહિલાઓ સામેલ હતી.