India

તમિલનાડુના CM વિજયની પાર્ટીના આ કેમ્પેનથી કોંગ્રેસ ભડકી, કેબિનેટ છોડવાની ચેતવણી!

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં CM વિજય માટે 'PM અભિયાન' ચાલતા ગઠબંધનમાં તણાવ વધ્યો છે. કોંગ્રેસના પ્રવાસન મંત્રી રાજેશ કુમારે ચેતવણી આપી છે કે, જો TVK રાહુલ ગાંધીને 2029માં વડાપ્રધાન તરીકે સમર્થન નહીં આપે, તો તેઓ વિજય કેબિનેટ છોડી દેશે. TVKના 107 ધારાસભ્યો સામે બહુમતી માટે 118 બેઠકો જરૂરી હોવાથી, કોંગ્રેસના 2 મંત્રીઓનું સમર્થન નિર્ણાયક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુના CM વિજયની પાર્ટીના આ કેમ્પેનથી કોંગ્રેસ ભડકી, કેબિનેટ છોડવાની ચેતવણી!

Tamil Nadu CM Vijay For PM Campaign : તમિલનાડુમાં પૂર્વ અભિનેતા જોસેફ વિજયના નેતૃત્વમાં નવી સરકાર બની છે. અગાઉ એમ. કે. સ્ટાલિનની સરકારમાં ભાગીદાર રહેલી કોંગ્રેસ આ નવી સરકારમાં પણ સામેલ છે. વિજય રાજકારણમાં નવા આવ્યા છે અને પહેલી જ વારમાં મુખ્યમંત્રી બની ગયા છે. હવે તેમની મહત્ત્વાકાંક્ષા વડાપ્રધાન પદને લઈને પણ જોવા મળી રહી છે. તેમણે ખુલીને ક્યારેય કંઈ કહ્યું નથી, પરંતુ તમિલનાડુમાં 'વિજય ફોર પ્રાઈમ મિનિસ્ટર' અભિયાન ચાલી રહ્યું છે. તેના કારણે કોંગ્રેસને વાંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

‘TVK રાહુલને PM સમર્થન આપે નહીં તો…’ કોંગ્રેસની ચેતવણી

આ દરમિયાન રાજ્ય સરકારમાં કોંગ્રેસ ક્વોટાના પ્રવાસન મંત્રી રાજેશ કુમારે આ અભિયાન અંગે નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે જો ગઠબંધનમાં રહીને ટીવીકે પક્ષે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માટે સમર્થન ન આપ્યું, તો તેઓ વિજય કેબિનેટ છોડી દેશે. ગઠબંધન સરકારમાં કોંગ્રેસના 2 મંત્રીઓ પણ સામેલ છે.

2029માં રાહુલ ગાંધી પીએમ બનવાનો દાવો

વિજયની પાર્ટી ટીવીકે સતત આ અભિયાન ચલાવી રહી છે. આ દરમિયાન રાજેશ કુમારે જણાવ્યું કે, તેમનો મત સ્પષ્ટ છે કે 2029માં તેમના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. જો ટીવીકે તરફથી સમર્થન ન મળવાની કોઈ શક્યતા ઊભી થશે, તો કોંગ્રેસ ક્વોટાના મંત્રીઓ કેબિનેટનો ભાગ રહેશે નહીં. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિજયને લઈને આ અભિયાન તેજ બન્યું છે.

ટીવીકે નેતાઓ દ્વારા પ્રચાર અને પોસ્ટર્સ

ટીવીકે પક્ષ સતત કહેતો રહ્યો છે કે, વિજય હવે વડાપ્રધાન પદના દાવેદાર બનશે. ટીવીકે નેતા એ. અર્જુન અને શરદ કુમાર સતત વિજય માટે પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં જ 'વિજય ફોર પીએમ' ના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓએ આવા દાવાઓથી અંતર જાળવી રાખ્યું હતું.

ગઠબંધનમાં વધતો તણાવ

કાર્તિ ચિદમ્બરમે આ અંગે એકવાર કહ્યું હતું કે, આ ફેન ક્લબની માનસિકતા છે. જોકે રાજેશ કુમારે જે ચેતવણીભર્યા અંદાજમાં વાત કરી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે બધું બરાબર નથી. આ કારણે ગઠબંધનમાં તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે. મહત્ત્વનો સવાલ એ છે કે શું ટીવીકે હાલમાં માત્ર વાતાવરણ માપી રહી છે કે પછી વિજયને તમિલનાડુ બહાર પણ મોટી ભૂમિકા માટે પ્રોજેક્ટ કરવાની તૈયારી છે. એ પણ સ્પષ્ટ નથી કે 'વિજય ફોર પીએમ' અભિયાન 2029 ની લોકસભા ચૂંટણી માટે જ છે કે કેમ.

તમિલનાડુ વિધાનસભામાં બેઠકોનું ગણિત

કોંગ્રેસ ક્યારેય પણ રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈ પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે સ્વીકારવાના મૂડમાં દેખાતી નથી. કોંગ્રેસના કોઈપણ નેતા માટે રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈ નેતા વડાપ્રધાન પદના દાવેદાર બને તે સ્વીકારવું મુશ્કેલ છે. તમિલનાડુમાં નવી બનેલી સરકાર ચલાવી રહેલા વિજય માટે આ ગઠબંધન જાળવી રાખવું જરૂરી છે. રાજ્યમાં બહુમતીનો આંકડો 118નો છે, જ્યારે ટીવીકે પાસે પોતાના દમ પર માત્ર 107 બેઠકો જ છે. આવી સ્થિતિમાં તે પણ નહીં ઇચ્છે કે ગઠબંધનમાં કોઈપણ પ્રકારે તણાવ ઊભો થાય.