Get The App

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા વધી?

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા વધી? 1 - image

Rajya Sabha Election And Congress: રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને મતદાન થવાનું છે. આ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ પોત-પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જોકે, આ કવાયતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીની રણનીતિ વધુ સારી દેખાઈ રહી છે. તેણે ઓછામાં ઓછા બે રાજ્યોમાં પોતાના સહયોગી પક્ષો સાથે શાનદાર ડીલ કરીને એક-એક બેઠક પોતાના ખાતામાં મેળવી લીધી છે. બીજી તરફ ભાજપ ઓછામાં ઓછા એક રાજ્યમાં આવું કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે. વાસ્તવમાં કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે જે સાત ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમાં ઝારખંડથી પ્રણવ ઝા અને તમિલનાડુથી પ્રવીણ ચક્રવર્તીનું નામ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે. બંને રાજ્યોમાં કોંગ્રેસ પોતાના દમ પર એવી સ્થિતિમાં નહોતી કે સરળતાથી બેઠક મેળવી શકે, પરંતુ સહયોગી પક્ષોના સમર્થને તેનો રસ્તો સરળ બનાવી દીધો છે.

ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાનું મેદાનમાં ઉતરવું એ માત્ર એક સામાન્ય રાજકીય ઘટના નથી. મહાગઠબંધનના અંકગણિત પર નજર કરીએ તો કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો છે, જ્યારે JMM પાસે 34 ધારાસભ્યો છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 28 મતોની જરૂરિયાત હોય છે. જો JMM કોંગ્રેસ સાથે મજબૂતીથી ઊભી રહેશે, તો કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ બેઠક વ્યાવહારિક રીતે JMMના સમર્થનથી જ કોંગ્રેસના ખાતામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે JMMએ હજુ સુધી સત્તાવાર રીતે પોતાના તમામ રાજકીય પત્તા નથી ખોલ્યા, પરંતુ પક્ષના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી એ સંકેત ચોક્કસ મળ્યો છે કે મહાગઠબંધન અંદર પરસ્પર તાલમેલ જળવાયેલો છે. જો આવું થશે, તો કોંગ્રેસ પોતાના સંસદીય ખાતામાં વધુ એક રાજ્યસભા બેઠક ઉમેરવામાં સફળ થશે.

તમિલનાડુની તસવીર વધુ રસપ્રદ

તમિલનાડુમાં તસવીર વધુ રસપ્રદ છે. મુખ્યમંત્રી વિજયની પાર્ટી ટીવીકે(TVK)એ રાજ્યની એકમાત્ર ખાલી પડેલી રાજ્યસભા બેઠક કોંગ્રેસને આપવાનો નિર્ણય કર્યો છે. રાજકીય દૃષ્ટિકોણથી આને એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. ટીવીકે સરકાર વિધાનસભામાં બહુમતીથી થોડી દૂર છે અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તેની સ્થિરતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની બેઠક કોંગ્રેસને આપવી એ માત્ર એક રાજકીય સૌજન્ય નથી, પરંતુ ગઠબંધનની મજબૂતીનો સંદેશ પણ છે. કોંગ્રેસના રણનીતિકાર પ્રવીણ ચક્રવર્તીનું સંભવિતપણે રાજ્યસભામાં પહોંચવું પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમને કોંગ્રેસ-ટીવીકે ગઠબંધનના પ્રમુખ વાસ્તુકાર માનવામાં આવે છે. આનાથી એવો સંદેશ જાય છે કે કોંગ્રેસ માત્ર સહયોગી પક્ષોના સહારે બેઠકો મેળવી રહી નથી, પરંતુ ગઠબંધન રાજકારણના કેન્દ્રમાં પણ પોતાનું સ્થાન બનાવી રહી છે.

ભાજપની સ્થિતિ કેટલાક રાજ્યોમાં જટિલ

આનાથી વિપરિત ભાજપની સ્થિતિ કેટલાક રાજ્યોમાં પ્રમાણમાં જટિલ દેખાઈ રહી છે. આંધ્રપ્રદેશ આનું સૌથી મોટું ઉદાહરણ છે. શરૂઆતની ચર્ચાઓમાં એવું માનવામાં આવતું હતું કે એનડીએ(NDA)ના બેઠકોની વહેંચણીના ભાગરૂપે ભાજપને એક રાજ્યસભા બેઠક મળશે. પરંતુ બાદમાં સામે આવેલા નવા ફોર્મ્યુલા પ્રમાણે તેલુગુ દેશમ પાર્ટી(TDP)ને ત્રણ અને જનસેના પાર્ટીને એક બેઠક મળવાની ચર્ચા છે. આ સમીકરણમાં ભાજપ માટે એક પણ બેઠક બચતી દેખાઈ રહી નથી.

આંધ્ર પ્રદેશમાં ભાજપને કોઈ બેઠક નહીં

રાજકીય દ્રષ્ટિએ આનો સંદેશ મહત્ત્વપૂર્ણ છે. ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી હોવા છતાં કેટલાક રાજ્યોમાં પોતાના સહયોગી દળો માટે પાછળ હટતી નજર આવી રહી છે, જ્યારે કોંગ્રેસ પ્રમાણમાં નબળી સંગઠનાત્મક સ્થિતિમાં હોવા છતાં સહયોગી પક્ષો પાસેથી પોતાના માટે બેઠકો સુનિશ્ચિત કરી રહી છે.

આ જ એ બિંદુ છે જ્યાં કોંગ્રેસ અને ભાજપના ગઠબંધન રાજકારણનો તફાવત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ભાજપ લાંબા સમયથી 'મોટી પાર્ટી-નાના સહયોગી મોડલ' પર કામ કરતી રહી છે. બીજી તરફ કોંગ્રેસે તાજેતરના વર્ષોમાં ઘણા રાજ્યોમાં સહયોગી પક્ષો સાથે વધુ લચીલુ વલણ અપનાવ્યું છે. તમિલનાડુ અને ઝારખંડના ઉદાહરણો દર્શાવે છે કે આ રણનીતિ હાલમાં તેને મોટો રાજકીય લાભ આપી રહી છે.

રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા વધી

આ  ઘટનાક્રમોને વ્યાપક રાષ્ટ્રીય રાજકારણના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ એવું માને છે કે તાજેતરના ચૂંટણી પ્રદર્શન અને ગઠબંધન વ્યવસ્થાપનના કારણે કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની સ્વીકાર્યતા અને નેતૃત્વ ક્ષમતાને નવી મજબૂતી મળી છે. વિપક્ષી રાજકારણમાં કોંગ્રેસની ભૂમિકાને લઈને જે સવાલો કેટલાક સમય પહેલા સુધી ઉઠતા હતા, તે હવે પ્રમાણમાં ઓછા સંભળાઈ રહ્યા છે.

આ પણ વાંચો: આખરે પવન ખેડાની 'તપસ્યા' થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ

રાજ્યસભા ચૂંટણીના આ નાના-નાના રાજકીય સંકેતો ભવિષ્યની મોટી તસવીર તરફ પણ ઇશારો કરી શકે છે. જો કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સાથે આ જ રીતે તાલમેલ જાળવી રાખવામાં સફળ રહે છે, તો I.N.D.I.A ગઠબંધનની અંદર તેની કેન્દ્રીય ભૂમિકા વધુ મજબૂત બની શકે છે. બીજી તરફ ભાજપ માટે પડકાર એ રહેશે કે તે પોતાના સહયોગી પક્ષો સાથે સંતુલન જાળવી રાખીને રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ યથાવત રાખે.

ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ

હાલ પૂરતું એટલું તો ચોક્કસપણે કહી શકાય કે આ રાજ્યસભા ચૂંટણીમાં સંખ્યાબળ કરતાં વધુ ચર્ચા ગઠબંધન વ્યવસ્થાપનની થઈ રહી છે. અને અત્યાર સુધીના સંકેતો દર્શાવે છે કે પ્રાદેશિક પક્ષો સાથેના સંબંધોને સાધવાની બાબતમાં કોંગ્રેસે ભાજપ પર સરસાઈ મેળવી લીધી છે.