- બે સપ્તાહથી ઓછા સમયમાં ચોથી વખત વધારો
- દિલ્હીમાં એક કીલો સીએનજીનો ભાવ રૂ. 81.09થી વધીને રૂ. 83.09 થયો
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસનાં શહેરોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પડતર ખર્ચ વધવાને કારણે બે સપ્તાહથી પણ ઓછા સમયમાં ચોથી વખત સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દેશની સૌથી મોટી સિટી ગેસ કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટિડ (આઇજીએલ) અનુસાર એક કીલો સીએનજીનો ભાવ ૮૧.૦૯ રૂપિયાથી વધીને ૮૩.૦૯ રૂપિયા થઇ ગયો છે.
આજીએલ દિલ્હી અને આસપાસનાં શહેરોમાં વાહનોને સીએનજી અને ઘરો તથા ઉદ્યોગોને પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) વેચે છે.
જો કે ઘરોમાં વાપરવામાં આવતા પીએનજીનાં ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ૧૫ મે પછી સીએનજીનાં ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સીએનજીનાં ભાવમાં કુલ છ રૂપિયાનો વધારો થયો છે.
આ અગાઉ ૨૩ મેનાં રોજ પ્રતિ કિલો ૧ રૂપિયા અને ૧૫ મેનાં રોજ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧૮ મેના રોજ એક રૂપિયાનો વધારો કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચાર હપ્તાઓમાં પેટ્રોલનાં ભાવમાં કુલ ૭.૩૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલનાં ભાવમાં ૭.૫૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આઇજીએલનાં જણાવ્યા અનુસાર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીનાં ભાવ હવે પ્રતિ કિલો ૯૧.૭૦ રૂપિયા જ્યારે ગુરુગ્રામમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો ૮૮.૧૨ રૂપિયા થઇ ગયો છે.


