India

NEET પેપર લીક: PM મોદીની જાહેરાત પર CJPનો તીખો પ્રહાર- આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
NEET પેપર લીક વિવાદમાં વડાપ્રધાન મોદીએ દોષિતોને સજા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત કરી છે. જોકે, દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. CJP એ તેને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવી, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ દોહરાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NEET પેપર લીક: PM મોદીની જાહેરાત પર CJPનો તીખો પ્રહાર- આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું

CJP Rejects PM Modi's Fast-Track Court Offer: NEET પેપર લીકની ઘટના સામે દેશભરમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાને પેપર લીકના દોષિતોને ઝડપી અને સખત સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જોકે, દિલ્હીમાં આંદોલનનું નેતૃત્વ કરી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી'એ આ જાહેરાતને ફગાવી દીધી છે.

CJPએ વડાપ્રધાનના પ્રસ્તાવને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને પોતાની પ્રાથમિક માંગણી પર અડગ રહેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ દોહરાવી છે.

સોશિયલ મીડિયા પર પીએમ મોદીના મેસેજ સામે CJPનો પલટવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, સરકાર માટે યુવાનોનું ભવિષ્ય અને કલ્યાણ સૌથી વધુ મહત્વનું છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે પેપર લીકના કેસો ચલાવવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓને છોડવામાં નહીં આવે.

પીએમ મોદીની આ પોસ્ટ પર CJP એ તુરંત પ્રતિક્રિયા આપતાં 'X' પર ટૂંકો પણ આકરો મેસેજ લખ્યો:

"Dharmendra Pradhan Must Resign" (ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે)

આ ઉપરાંત, CJP નેતા અભિજીત દીપકે વડાપ્રધાનની પોસ્ટને ક્વોટ-પોસ્ટ કરી હતી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો પર "Hi, I am nothing" લખેલું હતું. આ દ્વારા સંસ્થાએ સરકાર અને શિક્ષણ મંત્રી બંને સામે રાજકીય જવાબદારીમાંથી છટકવાનો આક્ષેપ કર્યો હતો.

'હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ મારવા જેવી વાત': CJP પ્રવક્તા આશુતોષ રાંકાનો હુમલો

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાહેરાત પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓ પાછળના મૂળ કારણને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત એ કોઈ વાસ્તવિક ઉકેલ નથી, પરંતુ માત્ર ધ્યાન ભટકાવવાનો એક પ્રયાસ છે. વડાપ્રધાન દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે.

રાંકાએ દલીલ કરી હતી કે પેપર લીક એટલા માટે નથી થઈ રહ્યા કે દેશમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ નથી, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સંપૂર્ણ નિષ્ફળતા અને અક્ષમતાના કારણે થઈ રહ્યા છે.

તેઓ એક સુરક્ષિત અને ચોક્કસ પરીક્ષા સિસ્ટમ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. આજે દેશનો યુવા એક જ વસ્તુ માંગી રહ્યો છે - જવાબદારી. વડાપ્રધાનનો પ્રસ્તાવિત ઉકેલ એવો છે જાણે ફેક્ચર થયેલા હાડકા પર બેન્ડ-એડ લગાવવી! સમસ્યા આનાથી વધુ ઊંડી છે. આપણી પરીક્ષા પ્રણાલી અંદરથી સડી ગઈ છે. જ્યાં સુધી આ સિસ્ટમિક નિષ્ફળતાઓને સુધારવામાં નહીં આવે, ત્યાં સુધી પેપર લીક થતા રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને લાંબી કાનૂની પ્રક્રિયાઓના આશ્વાસનની જરૂર નથી પણ તાત્કાલિક ન્યાય અને જવાબદારીની જરૂર છે, જે શિક્ષણ મંત્રી સામેની સખત કાર્યવાહીથી શરૂ થવી જોઈએ.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?

NEET વિવાદ પર પોતાના પ્રથમ મૌન તોડતાં વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે:

  • યુવાનોનું હિત અને ભવિષ્ય સરકાર માટે સર્વોપરી છે.
  • પેપર લીકમાં સામેલ લોકો સામે ઝડપી તપાસ અને સખત સજા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે.
  • સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી તમામ કડક પગલાં લેવા આદેશ અપાયો છે.
  • દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

જંતર-મંતર પર પ્રદર્શન તીવ્ર: CJPની 4 મુખ્ય માંગણીઓ

દિલ્હીના જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો વિદ્યાર્થીઓ અને સમર્થકો એકઠા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે, જ્યારે બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષ પર આ પ્રદર્શનનું રાજકીયકરણ કરવાનો આક્ષેપ કર્યો છે.

CJP એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમની નીચેની 4 મુખ્ય માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેમનું દેશવ્યાપી આંદોલન ચાલુ રહેશે:

  1. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું.
  2. NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર.
  3. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા યુવાનો સામે કોઈ કાનૂની કે પોલીસ કાર્યવાહી ન કરવી.
  4. પ્રદર્શનકારીઓ પર કથિત અત્યાચાર આચરનારા તમામ પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવી.