દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું 'પાવર પેટ્રોલ' વેચવા મજબૂર કરાતા હોવાનો CIPDનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CIPD and HPCL Controversy: મધ્ય પૂર્વમાં ભડકેલી સ્થિતિને કારણે દુનિયાભરના દેશો સહિત ભારત પણ ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. સરકારે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે કહ્યું છે. ઈંધણના ભાવ તો વધ્યા નથી, પરંતુ કંપનીઓનું કહેવું છે કે તેમને દરરોજ 1700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન હવે દેશભરના પેટ્રોલ ડીલરોની સંસ્થા 'કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ' (CIPD)એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) પર ગંભીર આરોપો લગાવ્યા છે.
સામાન્ય પેટ્રોલને બદલે દબાણથી પાવર પેટ્રોલ અપાતું હોવાનો આરોપ
કથિત રીતે CIPDનું કહેવું છે કે HPCLના અધિકારીઓ દેશભરના ડીલરોને મજબૂર કરી રહ્યા છે કે તેઓ ગ્રાહકોને સામાન્ય પેટ્રોલને બદલે પાવર પેટ્રોલ એટલે કે પ્રીમિયમ પેટ્રોલ વેચે. મોટી વાત એ છે કે બંને પ્રકારના પેટ્રોલ વચ્ચે પ્રતિ લિટર 9 રૂપિયાનો તફાવત છે. મહત્વનું છે કે આવા દબાણનો મતલબ એ છે કે જો ડીલરોને જ પરાણે પાવર પેટ્રોલ પધરાવવામાં આવતું હોય તો ગ્રાહકોને પણ ઈચ્છા ન હોવા છતાં મોંઘું પેટ્રોલ પુરાવવું પડશે.
'માત્ર HPCLમાં જ આવું'
એટલું જ નહીં, CIPDએ HPCL પર એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યાં સુધી ડીલર પ્રીમિયમ પેટ્રોલ વેચવા માટે સંમત ન થાય ત્યાં સુધી તેમને સ્ટોક ઓર્ડર મળશે નહીં. સંસ્થાનું કહેવું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) આવું કરતી નથી, માત્ર HPCLમાં જ આવું થઈ રહ્યું છે.
કથિત આરોપ કરતો પત્ર થયો વાઈરલ

CIPDએ જબરદસ્તી બંધ કરવા માગ કરી
સંસ્થાએ 13 મેના રોજ એચપીસીએલના ડાયરેક્ટર માર્કેટિંગને કથિત પત્ર લખીને આ જબરદસ્તી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે આ આવશ્યક વસ્તુ ધારા 1955 (Essential Commodities Act) નું ઉલ્લંઘન હોઈ શકે છે.
સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલમાં શું તફાવત છે?
ઉલ્લેખનીય છે કે સામાન્ય અને પ્રીમિયમ પેટ્રોલ વચ્ચેનો સૌથી મોટો તફાવત ઓક્ટેન રેટિંગ અને તેમાં ઉમેરવામાં આવતા એડિટિવ્સનો હોય છે. ઓક્ટેન રેટિંગ એ દર્શાવે છે કે ઈંધણ એન્જિનની અંદર કેટલી સ્થિરતા સાથે બળે છે. ભારતમાં સામાન્ય પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ સામાન્ય રીતે 91 હોય છે. આ મોટાભાગની સ્ટાન્ડર્ડ કાર અને ટુ-વ્હીલર માટે પૂરતું છે. પ્રીમિયમ પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ 95 કે તેથી વધુ હોય છે, જેમ કે IOCL નું XP95 અથવા XP100. ઉચ્ચ ઓક્ટેન રેટિંગનો અર્થ એ છે કે ઈંધણ સમય પહેલા એન્જિનમાં બળશે નહીં, જેનાથી 'એન્જિન નોકિંગ' (ખટખટ અવાજ)ની સમસ્યા ઓછી થાય છે.









