ચીનની ઊંઘ હરામ! મલક્કાની ખાડી પાસે ભારતીય મિસાઇલો ગોઠવાશે, ઈન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ ડીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Indonesia Defence Deal : ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાંતો વચ્ચે મહત્ત્વની સંરક્ષણ ડીલ કરવામાં આવી છે. આ કરાર કરીને ભારતે ચીનના દુશ્મન દેશ ઈન્ડોનેશિયાને હવાથી હવામાં માર કરનારી ‘અસ્ત્ર મિસાઇલ’ અને સુપરસોનિક ક્રૂઝ ‘બ્રહ્મોસ મિસાઇલ’ આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં બનેલી હવામાંથી હવામાં માર કરતી સ્વદેશી 'અસ્ત્ર' મિસાઇલ કોઈ અન્ય દેશને નિકાસ કરવામાં આવી રહી હોય.
ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે 20 મુદ્દાઓ પર કરાર
વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના 6થી 8 જુલાઈ, ત્રણ દિવસના પ્રવાસે છે. જકાર્તામાં વિશેષ બેઠકમાં તેમણે અને રાષ્ટ્રપ્રમુખ સુબિયાંતોએ દ્વિપક્ષીય વાતચીત કર્યા બાદ 20 મુદ્દાઓ પર કરાર કર્યા છે. આમાં કૃષિ, સંરક્ષણ, ખનિજ અને શિક્ષણ સહિત મહત્ત્વના કરારો સામેલ છે. ભારત ઈન્ડોનેશિયાને કેટલી મિસાઇલો આપશે કે કેટલી મોટી ડીલ કરવામાં આવી છે, તેની વિગતો હજુ સામે આવી નથી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બંને મિસાઇલોની નિકાસથી વિશ્વમાં મેક ઈન ઈન્ડિયા અને ભારતીય હથિયારોની નિકાસને વેગ મળશે. કરારથી ભારતીય ડિફેન્સ ઉદ્યોગની ક્ષમતા અને સ્વદેશી હથિયારોનું ઉત્પાદન વધશે.
3877 કરોડ રૂપિયાની ડીલ
રિપોર્ટ મુજબ, ભારતે ઈન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલ (BrahMos Missile)ની નિકાસ કરવા લગભગ 450 મિલિયન ડૉલર (લગભગ 3877 કરોડ)ની ડીલ કરી શકે છે. આ માટે ભારત ઈન્ડોનેશિયાને લોન પણ આપી શકે છે. ભારત અને રશિયાએ મળીને વિશ્વની એકમાત્ર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ મિસાઇલ તૈયાર કરી છે. બ્રહ્મોસ ભારતની સૌથી મહત્ત્વની મિસાઇલ છે. ભારતની સૌથી લાંબી નદી બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કવા નદીના નામો ભેળવીને બ્રહ્મોસ નામ રખાયું છે. ભારતે ઑપરેશન સિંદૂર વખતે બ્રહ્મો મિસાઇલના એર-વર્જનનો ઉપયોગ કરીને પાકિસ્તાનના એરબેઝને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા હતા.
ભારતની ફિલિપાઈન્સ-વિયેતનામ સાથે પણ ‘બ્રહ્મોસ’ ડીલ
ભારત અગાઉ ફિલિપાઈન્સ, વિયેતનામ સાથે પણ બ્રહ્મોસ મિસાઇલની ડીલ કરી ચુક્યું છે. એવું કહેવાય છે કે, વિશ્વનો કોઈપણ રડાર, હથિયાર કે મિસાઇલ સિસ્ટમ બ્રહ્મોસને ઈન્ટરસેપ્ટ કરવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે કે જે એકવાર બ્રહ્મોસ મિસાઇલ છોડી તો બ્રહ્માસ્ત્રની જેમ તેને કોઈ રોકી શકતું નથી અને તે ટાર્ગેટને નષ્ટ કરીને જ રહે છે.
પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડનાર ‘અસ્ત્ર મિસાઇલ’ની પણ ડીલ
અસ્ત્રા (Astra Missile) ભારતની સંપૂર્ણ સ્વદેશી મિસાઇલ છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)એ બનાવી છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) તેનું ઉત્પાદન કરે છે. ભારતે સુખોઈ, મિગ-29 અને એલસીએ તેજસમાં ઉપયોગ થઈ શકે તેવી રીતે અસ્ત્ર મિસાઇલને ડિઝાઈન કરી છે. એવું કહેવાય છે કે, ઑપરેશન સિંદૂર વખતે ભારતીય વાયુસેનાના ફાઈટર જેટે પાકિસ્તાનના જેટ પર અસ્ત્ર મિસાઇલથી હુમલો કર્યો હતો. આ મિસાઇલની રેન્જ 100 કિલોમીટર છે. મિસાઇલ ડીલ ઉપરાંત, ભારતીય નૌસેનાના IFC-IOR સેન્ટરમાં ઈન્ડોનેશિયાના એક સંપર્ક અધિકારીને તહેનાત કરવાના કરાર કરાયા છે.









