India

LAC પર ચીને સૈનિકોની તહેનાતી ઘટાડી, ભારતીય સેનાની મોટી શરત સ્વીકારી: સરકારનો દાવો

By GS Team
14 Sep 20264 mins read
TukuTouch Logo
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ ભારત-ચીન સંબંધો સુધર્યા છે. સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટ મુજબ, ચીને LAC પર PLA સૈનિકોની તૈનાતીમાં મોટો ઘટાડો કર્યો છે. ચીનની 10 કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ, એટલે કે લગભગ 1.5 લાખ સૈનિકો, LAC પર તૈનાત છે. ભારતની આકરા વલણવાળી શરતો સામે ચીને નમતું જોખ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LAC પર ચીને સૈનિકોની તહેનાતી ઘટાડી, ભારતીય સેનાની મોટી શરત સ્વીકારી: સરકારનો દાવો

China Reduced PLA Deployment Along LAC: બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આવેલા ચીનના પ્રમુખ શી જિનપિંગની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ બંને દેશોના સંબંધો ફરી એકવાર પાટા પર આવતા દેખાઈ રહ્યા છે. આવું એટલા માટે, કારણ કે ચીને ભારત સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાની PLA-સેનાની તહેનાતીમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. સંરક્ષણ મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આમ સરહદ પર તણાવ ઘટાડવાની ભારતની આકરા વલણવાળી શરતો સામે ચીને નમતું જોખવું પડ્યું છે.

સંરક્ષણ મંત્રાલયના તાજેતરના રિપોર્ટ (2025-26) પ્રમાણે ગત વર્ષે એટલે કે વર્ષ 2025માં ઉત્તરીય સરહદો સામે પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ની તહેનાતીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે LACને અડીને આવેલા ચીનના વિસ્તારો અને પરંપરાગત તાલીમ વિસ્તારોમાં PLAની 10-10 કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ તહેનાત છે. આ રિપોર્ટને હાલમાં જ સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

ભારતીય સેનાની બીજી શરત માની લીધી

આ રિપોર્ટ પરથી એવું પ્રતીત થાય છે કે 2024માં ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા બાદ ચીની સેના હવે ભારતીય સેનાની 'ડિ-એસ્કેલેશન' (સરહદ પર સૈનિકોનો ઘટાડો)ની બીજી શરત માની ગઈ છે. જોકે હજુ 'ડિ-ઈન્ડક્શન' એટલે કે સૈનિકોને સંપૂર્ણ રીતે બેરેકમાં પાછા મોકલવાની ત્રીજી શરત બાકી છે. ત્યારે જ 2020 એટલે કે ગલવાન ઘાટીની અથડામણ પહેલાંની સ્થિતિ LAC પર કાયમ થઈ શકશે અને બંને દેશોની સેનાઓ વચ્ચેના સંબંધો સામાન્ય ગણાશે.

બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા એક મહિનાથી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અપર-સુબાનસિરી વિસ્તારમાં ફેસ-ઓફ ચાલી રહ્યું છે. ગતિરોધને ખતમ કરવા માટે ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની બે વાર બેઠક થઈ ચૂકી છે. પરંતુ તણાવ યથાવત છે. સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે LACના તમામ સેક્ટર (પૂર્વ લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી), ભારતીય સેનાની તહેનાતી અત્યંત મજબૂત અને સારી સ્થિતિમાં છે અને તે કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

ચીનની કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ

ચીનની કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ ભારતીય સેનાની એક ડિવિઝન બરાબર હોય છે એટલે કે 14-15 હજાર સૈનિકો. આવી સ્થિતિમાં જો LAC પર ચીનની PLAની 10 કમ્બાઈન્ડ બ્રિગેડ તેનાત છે તો માની શકાય કે હાલમાં લગભગ દોઢ લાખ સૈનિકો LAC પર તહેનાત છે. જેમાં ઈન્ફેન્ટ્રી બટાલિયન ઉપરાંત મિકેનાઈઝ્ડ કોલમ એટલે કે સશસ્ત્ર વાહનો, આર્ટિલરી (તોપખાનું), એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન વોરફેર સાથે જોડાયેલી યુનિટ્સ સામેલ હોય છે.

ગલવાન ઘાટી અથડામણ

ગલવાન ઘાટી અથડામણ દરમિયાન પૂર્વ લદ્દાખમાં એકલા જ ચીનના લગભગ એક લાખ સૈનિકો તહેનાત હતા. એવામાં છેલ્લા છ વર્ષમાં ચીને 3488 કિલોમીટર લાંબી LAC પર પોતાની તહેનાતીમાં ભારે ઘટાડો કર્યો છે. પરંતુ સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે LAC પર તહેનાતી ઉપરાંત, PLAની આટલી જ તહેનાતી એટલે કે લગભગ દોઢ લાખ સૈનિકો ભારતીય સરહદની નજીક ટ્રેનિંગ એરિયામાં તહેનાત છે. બોર્ડર નજીક ટ્રેનિંગ એરિયામાં તહેનાતીથી સૈનિકોને LAC પર તરત જ મૂવ એટલે કે મોકલી શકાય છે. આ જ કારણ છે કે ભારતીય સેના ચીન પાસે ડિ-ઈન્ડક્શન પર ભાર મૂકી રહી છે. એટલે કે સૈનિકોને સરહદથી દૂર બેરેકમાં મોકલવામાં આવે. ત્યારે જ LAC પર સ્થિતિ સામાન્ય ગણી શકાય.

શી જિનપિંગ સાથે પીએમ મોદીની મુલાકાત

બ્રિક્સ સમિટથી અલગ પીએમ મોદીએ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ આ વાત પર સહમતિ દર્શાવી હતી કે મતભેદોને વિવાદમાં ફેરવવા ન જોઈએ. સાથે જ બંને દેશોના સંબંધો ત્રણ 'પરસ્પર સિદ્ધાંતો' - સન્માન, સંવેદનશીલતા અને હિત સાથે જોડાયેલા હોવા જોઈએ. દિલ્હી આવતા પહેલાં શી જિનપિંગે ચીનની સર્વોચ્ચ સૈન્ય સંસ્થા, સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC)માં બીજા નંબર પર ગણાતા જનરલ ઝાંગ યોક્સિયાને હટાવી દીધા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે જનરલ ઝાંગની બરતરફી સેનાના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી હતી, પરંતુ ગલવાન ઘાટી અથડામણ (જૂન 2020) દરમિયાન જનરલ ઝાંગ જ ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના ચીફ હતા, જે ભારતીય સરહદ પર તહેનાત રહે છે. વર્ષ 2017માં ડોકલામ (સિક્કિમ) વિવાદ માટે પણ ઝાંગને જવાબદાર ગણવામાં આવ્યા હતા. એવામાં લાગે છે કે ભારત સાથે આર્થિક સંબંધો સુધારવાની સાથે-સાથે સરહદ પર પણ ચીન સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે બોર્ડરની સ્થિતિની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.

સંરક્ષણ મંત્રાલયનો વાર્ષિક રિપોર્ટ

સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે રાજકીય, રાજદ્વારી અને સૈન્ય સ્તરે થતી વાતચીતની સકારાત્મક અસર ઉત્તરીય સરહદ (ભારત-ચીન સરહદ)ની સ્થિતિ પર પડી છે. રિપોર્ટમાં બંને દેશો વચ્ચે વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC) અને ભારત-ચીન સરહદ માટે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ (SR) વાટાઘાટોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે સરહદ પર સ્થિરતા આવી છે.