India

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયે SITને આપેલું સિક્રેટ નિવેદન લીક, અયોધ્યામાં વધી હલચલ

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની તપાસ વચ્ચે SIT સમક્ષ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું સિક્રેટ નિવેદન લીક થયું છે. ચંપત રાયે દાનપાત્રમાંથી નીકળેલી રકમની ગણતરી અને બેંકિંગ પ્રક્રિયાથી પોતાને અલગ ગણાવ્યા છે. આ નિવેદન લીક થતાં હવે અનિલ મિશ્રાની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે અને અયોધ્યાનું રાજકારણ ગરમાયું છે. SITનો રિપોર્ટ આવતા જ વધુ વિગતો સામે આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયે SITને આપેલું સિક્રેટ નિવેદન લીક, અયોધ્યામાં વધી હલચલ
IMAGE - IANS

Champat Rai secret statement leaked: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની તપાસ વચ્ચે SIT સમક્ષ આપેલું ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું સિક્રેટ લેખિત નિવેદન લીક થઈ ગયું છે. ચંપત રાયે પોતાના નિવેદનમાં દાનપાત્રમાંથી નીકળેલી રકમની ગણતરી, તેને બેંકમાં જમા કરાવવાની પ્રક્રિયા અને તેનાથી જોડાયેલા વહીવટી નિર્ણયોથી પોતાને તદ્દન અલગ ગણાવ્યા છે. આ નિવેદન લીક થતાં જ હવે સમગ્ર મામલો રામ મંદિર ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય અનિલ મિશ્રાની ભૂમિકા તરફ વળતો જોવા મળી રહ્યો છે અને અયોધ્યાનું રાજકારણ ફરી ગરમાયું છે.

પૈસાની ગણતરી અને સુરક્ષા સાથે મારો કોઈ સંબંધ નથી: ચંપત રાય

લીક થયેલા કથિત નિવેદન મુજબ, ચંપત રાયે SITને જણાવ્યું છે કે, 'દાનપાત્રમાંથી નીકળતા નાણાંની ગણતરી, તેની સુરક્ષા, તેને બેંક સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને બેંક સાથે થયેલા MoU સાથે મારે કોઈ લેવાદેવા નહોતા. બેંક સાથે થયેલા કરાર પર મારા હસ્તાક્ષર પણ નથી. નોટોની ગણતરીની પ્રક્રિયામાં શું ફેરફાર થયા, સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે બદલાઈ અને બેંક અધિકારીઓ સાથે કયા સ્તરે નિર્ણયો લેવાયા, તેની મને કોઈ માહિતી નહોતી અને હું આ આખી પ્રક્રિયાનો હિસ્સો પણ નહોતો.'

ચંપત રાયે આખી વહીવટી જવાબદારી અનિલ મિશ્રા પર ઢોળી

ચંપત રાયે જે કરારનો ઉલ્લેખ કર્યો છે, તેના પર સહી કરનાર તરીકે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાનું નામ સામે આવી રહ્યું છે. આનાથી એવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે કે ચંપત રાયે પોતાની ભૂમિકા મર્યાદિત બતાવીને આખી વહીવટી જવાબદારી અનિલ મિશ્રાના માથે છોડી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SITના પ્રારંભિક અહેવાલમાં પણ અનિલ મિશ્રાની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવાયા છે અને તેમને પૂછપરછ માટે નોટિસ મોકલી દેવામાં આવી છે. આ ગોપનીય નિવેદન બહાર આવતા જ ટ્રસ્ટના સભ્યો વચ્ચે આંતરિક મતભેદો ખુલ્લીને સામે આવ્યા છે.

ચંપત રાયે સોશિયલ મીડિયા પર ખુલ્લો પત્ર લખીને આપ્યો જવાબ

આ કથિત ગોપનીય નિવેદન લીક થવાના થોડા કલાકો પહેલા જ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામભક્તોના નામે એક પત્ર લખ્યો હતો. આ વિવાદ પર તેમની આ પહેલી જાહેર પ્રતિક્રિયા હતી, જેમાં તેમણે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે, 'હું છેલ્લા 41 વર્ષથી પ્રચારક તરીકે જીવન જીવી રહ્યો છું અને 1991થી રામ મંદિર આંદોલન સાથે જોડાયેલો છું. હું યોગ્ય સમયે તમામ આરોપોના ક્રમવાર અને તથ્યો સાથે જવાબો આપીશ.'

ખજાનચી ગોવિંદ ગિરી ચંપત રાયના બચાવમાં આવ્યા

બીજી તરફ, ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરી ચંપત રાયના બચાવમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ચંપત રાયનું જાહેર જીવન હંમેશા નિષ્કલંક રહ્યું છે. વહીવટી સ્તરે કેટલીક બેદરકારી હોઈ શકે છે, પરંતુ તેના માટે ચંપત રાયને દોષિત ઠેરવી શકાય નહીં. મંદિર નિર્માણમાં તેમનું પ્રદાન અસાધારણ છે.

નિર્મોહી અખાડાના મહંત દિનિન્દ્ર દાસે આ અંગે કહ્યું કે જેની પાસે નાણાકીય જવાબદારી હતી, તેણે પૂરી દેખરેખ રાખવી જોઈતી હતી. ચોરી રામલલાની સંપત્તિની થઈ છે, તેથી દોષિત ગમે તે હોય, તેને સજા મળવી જ જોઈએ. હાલમાં, કિંમતી આભૂષણોની ચોરીની અફવાઓ પર વિરામ મુકાયો છે, પરંતુ રોકડ રકમ અને દાનપાત્રની ચોરી અંગે એસઆઈટીની અંતિમ રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે.