India

OBC ક્રીમીલેયર અંગે કેન્દ્રને ઝટકો, પગારના આધારે અનામતથી વંચિત ન રાખી શકાય : સુપ્રીમ કોર્ટ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે OBC ક્રીમીલેયર મામલે કેન્દ્ર સરકારને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે પોતાના 11 માર્ચના ચુકાદાના અમલ પર રોક લગાવવાની કેન્દ્રની વિનંતી ફગાવી દીધી છે. જસ્ટિસ પી.એસ. નરસિંહાની બેંચે જણાવ્યું કે, માત્ર પગારના આધારે અનામત રદ ન કરી શકાય. આ નિર્ણયથી UPSC 2025 ભરતી પ્રક્રિયા અને 18 રાજ્યોને અસર થશે. હવે 17 સપ્ટેમ્બર 2026ના રોજ વધુ સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

OBC ક્રીમીલેયર અંગે કેન્દ્રને ઝટકો, પગારના આધારે અનામતથી વંચિત ન રાખી શકાય : સુપ્રીમ કોર્ટ

Supreme Court on OBC Cremylayer | ઓબીસી (OBC) ક્રીમીલેયર અનામત મામલે સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે પોતાના અગાઉના આદેશ પર રોક લગાવવાની કેન્દ્રની વિનંતીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે કોઈપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરીને તમામ પક્ષોને 17 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

જૂના આદેશ પર રોક લગાવવાની ના પાડી

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા માગતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બેંચે સ્પષ્ટ કર્યું કે, કોર્ટના 11 માર્ચના ચુકાદાના અમલ પર કોઈ સ્ટે આપવામાં આવશે નહીં. આ મામલે તમામ સંબંધિત પક્ષોએ 17 સપ્ટેમ્બર સુધીમાં પોતપોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.

માત્ર પગારના આધારે અનામત રદ ના થઇ શકે

સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા પોતાના ચુકાદામાં નક્કી કર્યું હતું કે, OBC ક્રીમીલેયરનું મૂલ્યાંકન ફક્ત માતા-પિતાની આવક કે માસિક પગારના આધારે ન કરી શકાય. આવકની સાથે માતા-પિતાનું પદ, તેમની સામાજિક સ્થિતિ અને નોકરીની કેટેગરીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને માત્ર વધુ પગારના આધારે અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં.

UPSC 2025 ની ભરતી પર અસરો

કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ ચુકાદાને અમલમાં મૂકવામાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ રજૂ કરી હતી. સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી UPSC પરીક્ષા 2025 ની પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, UPSC દ્વારા ભલામણ કરાયેલા 958 ઉમેદવારોની સેવા ફાળવણી (Service Allocation) ની પ્રક્રિયા જૂના નિયમો મુજબ અંતિમ તબક્કામાં હતી. જો આ નિર્ણયને પાછલી અસરથી (Retrospective Effect) લાગુ કરવામાં આવે તો મેરિટ લિસ્ટ, કેડર ફાળવણી (જેમ કે IAS, IPS) અને તાલીમ પ્રક્રિયા ખૂબ જ પ્રભાવિત થશે.

18 રાજ્યો અને સંસ્થાઓ પર અસર

કેન્દ્ર સરકારે વધુમાં ઉમેર્યું હતું કે આ ચુકાદાથી કેન્દ્ર ઉપરાંત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સરકારી ભરતીઓ તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પર મોટી અસર પડશે.

હવે 17 સપ્ટેમ્બરે થશે આગળની સુનાવણી

સુપ્રીમ કોર્ટે સરકારની તમામ રજૂઆતો અને ચિંતાઓને સાંભળ્યા બાદ પણ આદેશના અમલીકરણ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. હવે આ ચર્ચાસસ્પદ મામલે આગામી મહત્વની સુનાવણી 17 સપ્ટેમ્બર 2026 ના રોજ હાથ ધરવામાં આવશે.