Get The App

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય શરૂ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
India Energy Security

India Energy Security: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને LPG-CNGનો પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઈંધણની કોઈ અછત સર્જાશે નહીં.

ઘરેલું વપરાશકારો માટે ગેસ સિલિન્ડરનો પુરવઠો રહેશે યથાવત્

ગેસ પુરવઠા અંગે સરકારે ખાતરી આપી છે કે ઘરેલું વપરાશકારોને સમયસર સિલિન્ડર મળે તે તેમની પ્રાથમિકતા છે. હાલમાં ગેસ બુકિંગની પ્રક્રિયા અને ડિલિવરી સિસ્ટમમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે લોકોને જરૂર જણાયે LPGથી પાઇપલાઇન ગેસ(PNG) પર શિફ્ટ થવાનો વિકલ્પ પણ આપ્યો છે. ગેસની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે.

આ પણ વાંચો: LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પસાર કરી 'શિવાલિક' જહાજ પહોંચશે ભારત

આ દરમિયાન, ભારત માટે રાહતના સમાચાર એ છે કે  UAEથી રવાના થયેલું ભારતીય જહાજ 'જગ લાડકી' અંદાજે 81,000 ટન ક્રૂડ ઓઇલ લઈને સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે આવતીકાલે મુંદ્રા પૉર્ટ પર પહોંચશે. આ ઉપરાંત, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પસાર કરીને 'શિવાલિક' નામનું LPG જહાજ પણ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ભારત પહોંચી જશે. શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાડી દેશોના વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને સરકાર દરેક જહાજ તથા ક્રૂ મેમ્બર્સ સાથે સતત સંપર્કમાં રહીને સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. છેલ્લા 24 કલાકમાં દરિયાઈ માર્ગે કોઈ પણ અઘટિત ઘટના બની નથી, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે હકારાત્મક સંકેત છે.

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય શરૂ 2 - image