India

‘PM મોદી જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેશે’ CWCની બેઠકમાં રાહુલ ગાંધીનો દાવો, 3 પ્રસ્તાવ રજૂ કર્યા

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ CWC બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતે તેમનું રાજીનામું લેશે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી. તેમણે દાવો કર્યો કે, PM મોદી અને અમિત શાહે પોતે ઇન્દિરા ગાંધીની જેમ કામ કરતાં હોવાનું કહ્યું હતું. જ્યાં સુધી CEC રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘PM મોદી જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેશે’ CWCની બેઠકમાં રાહુલ ગાંધીનો દાવો, 3 પ્રસ્તાવ રજૂ કર્યા

CWC Meeting, Rahul Gandhi On CEC Gyanesh Kumar : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનરે પદ છોડવું જ પડશે અને તેમનું રાજીનામું વડાપ્રધાન પોતે કરાવશે. આ દરમિયાન તેમણે બેઠકમાં 3 મહત્ત્વના પ્રસ્તાવો રજૂ કર્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગોટાળા સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી.

મોદી-શાહ સાથે મુલાકાત કરી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તમને લોકો(નેતાઓ)ને મારામાં વિશ્વાસ નથી. તમે વિશ્વાસ નથી કરતા પરંતુ હું તમને કહું છું, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ પાસે બેઠક માટે ગયો ત્યારે તેમણે કહ્યું કે અમે પણ એ જ કરી રહ્યા છીએ, જે ઇન્દિરા ગાંધી કરતાં હતાં. બેઠકમાં તેમણે એમ પણ કહ્યું કે તેમને ખબર છે અને તેમણે પોતે મને કહ્યું કે, અમે જઈશું ત્યારે તમે આવશો. જો તેઓ એવો વિશ્વાસ રાખતા હોય કે અમે સત્તામાં આવીશું, તો તમે પણ મારા પર ભરોસો રાખો. ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ અમે નક્કી કરીશું કે રામલીલા મેદાનમાં રેલી કરવી કે રાજ્યોમાં. રામલીલા મેદાનમાં મોટી રેલી યોજવાનો પ્રસ્તાવ અમે મૂકીશું.'

જ્યાં સુધી CEC રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : રાહુલ ગાંધી

ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'જ્ઞાનેશ કુમાર(CEC Gyanesh Kumar) રાજીનામું આપે તો સારું અને ન આપે તો વધારે સારું… કેમ કે અમારું આંદોલન સતત ચાલુ રહેશે. જ્યાં સુધી તેઓ પદ પરથી નહીં હટે ત્યાં સુધી અમે આ મુદ્દે અડગ રહીશું.'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

CWCની બેઠકમાં 3 મુખ્ય પ્રસ્તાવો રજૂ કરાયા

CWCની બેઠકમાં 3 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવું, SIRની પ્રક્રિયા તાત્કાલિક રદ કરવી અને વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી આ સમગ્ર વિવાદની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે તેવી માંગ કરાઈ હતી.

EVM અને મતદાર યાદીમાં મેચ ફિક્સિંગ થતી હોવાનો આરોપ

ચૂંટણી પ્રક્રિયા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મેં કહ્યું હતું કે વોટની ચોરી થઈ રહી છે. તે સમયે લોકો મારી વાત ન સમજ્યા પરંતુ હવે 2 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે, કારણ કે મેં પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. હાલ 2 પ્રકારે મેચ ફિક્સિંગ થઈ રહી છે. એક EVMની મેચ ફિક્સિંગ છે અને બીજું મતદાર યાદીમાં જાણીજોઈને ગરબડ કરવામાં આવી રહી છે.'

‘2019 અને 2024માં બનેલા કાયદા સંપૂર્ણ ખોટા’

વર્ષ 2019 અને 2024માં બનેલા કાયદાઓ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'વર્ષ 2019 અને 2024માં જે કાયદાઓ બનાવવામાં આવ્યા તે સંપૂર્ણપણે ખોટા છે. વર્ષ 2023માં જ્યારે CECને લગતો કાયદો લાવવામાં આવ્યો, ત્યારે લગભગ 100 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેનો અર્થ એ છે કે, સરકારને પહેલાથી ખ્યાલ હતો કે તેઓ 2024માં જીતી રહ્યા નથી. આપણે વિરોધમાં સતત અડગ રહેવું પડશે. કોઈને આશા નહોતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે, પરંતુ 25 જુલાઈએ તેમણે આપ્યું. સરકાર દબાણમાં છે અને આપણે આ દબાણ સતત જાળવી રાખવાનું છે.'