India

ડિજિટલ અરેસ્ટ ગેંગ પર CBIનો મોટો સપાટો: ગુજરાત સહિત 20 રાજ્યોમાં 89 સ્થળોએ દરોડા

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
CBIએ ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સામે 'ઓપરેશન ચક્ર-VI' હેઠળ 20 રાજ્યોમાં 89 સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં એક નાગરિક પાસેથી ₹19.24 કરોડ, BITS પિલાનીમાં ₹7.67 કરોડ અને કર્ણાટકમાં ₹15.45 કરોડ પડાવવામાં આવ્યા હતા. CBIએ કુલ ₹42.36 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિજિટલ અરેસ્ટ ગેંગ પર CBIનો મોટો સપાટો: ગુજરાત સહિત 20 રાજ્યોમાં 89 સ્થળોએ દરોડા

CBI Operation On Digital Arrest Scam : દેશભરમાં સામાન્ય લોકોને ડરાવી-ધમકાવીને કરોડો રૂપિયા પડાવતી સાયબર ગેંગ્સ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો બાદ CBIએ 'ઓપરેશન ચક્ર-VI' હાથ ધરીને 20 રાજ્યોમાં 89 સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ ઓપરેશન દરમિયાન છેતરપિંડીના નાણાંની હેરાફેરી કરનારા 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાંથી નોંધાયેલા 3 મોટા કિસ્સાઓમાં ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂપિયા 42.36 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી.

ગુજરાત : 19.24 કરોડ પડાવનાર પર પણ તવાઈ

CBI દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સૌથી ચોંકાવનારો કેસ ગુજરાતમાંથી સામે આવ્યો છે. ગુજરાતમાં સાયબર ગઠિયાઓએ નકલી પોલીસ અધિકારી બનીને એક નિર્દોષ નાગરિકને સતત 3 મહિના સુધી 'ડિજિટલ અરેસ્ટ' રાખ્યો હતો. વીડિયો કોલ અને કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવીને આરોપીઓએ પીડિત પાસેથી રૂપિયા 19.24 કરોડની જંગી રકમ પડાવી લીધી હતી. દેશભરમાં ઝડપાયેલા ત્રણેય કેસોમાં ગુજરાતનો આ કિસ્સો નાણાકીય છેતરપિંડીની દ્રષ્ટિએ સૌથી મોટો છે.

BITS પિલાની અને કર્ણાટકમાં પણ કરોડોની લૂંટ

ગુજરાત ઉપરાંત અન્ય બે મોટા કેસોમાં પણ આ સિન્ડિકેટ સક્રિય હતું. રાજસ્થાનના BITS પિલાની સાથે જોડાયેલા એક કેસમાં પીડિતને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને નકલી પોલીસ બનીને રૂપિયા 7.67 કરોડ પડાવવામાં આવ્યા હતા. જ્યારે કર્ણાટકમાં નોંધાયેલા ત્રીજા કેસમાં પીડિતને 1 મહિના સુધી ઓનલાઈન નજરકેદ રાખીને રૂપિયા 15.45 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી.

20 રાજ્યોમાં 89 સ્થળોએ સર્ચ ઓપરેશન અને દસ્તાવેજો જપ્ત

આ આંતરરાજ્ય નેટવર્કને તોડી પાડવા માટે CBIએ 20 રાજ્યોમાં એકસાથે 89 સ્થળોએ સંકલિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેંક ખાતાઓની વિગતો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ડેટા, ડિજિટલ ડિવાઈસ અને મહત્વના બેંકિંગ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. પુરાવાનો નાશ થાય તે પહેલાં જ એજન્સીએ કબજે કરેલી આ સામગ્રીની હવે ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે, જેથી નાણાંની હેરાફેરીના આખા નેટવર્કનો ખુલાસો થઈ શકે.

નાણાંની હેરાફેરી કરનારા 3 આરોપીઓ સકંજામાં

છેતરપિંડીથી પડાવેલા નાણાં અલગ-અલગ બેંક ખાતાઓમાં ફેરવીને રોકડમાં વટાવી લેવાના આરોપ હેઠળ CBIએ 3 શખ્સોની ધરપકડ કરી છે. હરિયાણાના રહેવાસી આકાશના ખાતામાં રૂપિયા 1.95 કરોડ જમા થયા હતા, જે તેણે તે જ દિવસે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. કોલકાતાના રાજા કરમાકરની કંપનીના બેંક ખાતામાં રૂપિયા 1.5 કરોડ ટ્રાન્સફર કરાયા હતા. જ્યારે ત્રીજી આરોપી જ્યોતિ રાનીએ પોતાના ખાતામાં આવેલી રકમમાંથી અમુક હિસ્સો રોકડમાં ઉપાડી બાકીના નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ સિન્ડિકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.